તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:કોરોનામાં STએ 24 કરોડની આવક ગુમાવી, રાત્રી કફર્યૂ અને સોશ્યલ ડિસ્ટન્સના પાલનથી મુસાફરો ઘટતા આવક ઓછી થઇ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સલામત સવારી એસટી અમારીને પણ કોરોનાના કારણે નડી આર્થિક અસલામતી
  • એપ્રિલ અને મે 2021માં કોરોનાના કારણે એસટી સેવા ખોડંગાઇ

કોરોના મહામારીની અસર જૂનાગઢ એસટી ડિવીઝનમાં પણ પડી છે. કોરોનાના કારણે એસટીને માત્ર 2 મહિનામાં 24 કરોડની આવક ગૂમાવવી પડી હોવાનું એસટીના ડિવીઝનલ ટ્રાફિક કન્ટ્રોલર રજની પિલવાઇકરે જણાવ્યું હતું. સલામત સવારી એસટી અમારી જેનું સૂત્ર છે તે એસટી સેવાને પણ કોરોનાના કારણે આર્થિક અસલામતીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને એપ્રિલ અને મે 2021માં કોરોનાના કારણે અનેક રૂટ બંધ કરવા પડ્યા હતા. તેમજ રાત્રીના કફર્યૂના કારણે લાંબા રૂટની ચાલતી અનેક એસટી બસોના પૈડા થંભી ગયા છે.

આ ઉપરાંત જ્યારે એસટી સેવા સવારના 6 થી રાત્રીના 9 સુધી ચાલુ છે ત્યારે પણ માત્ર 50 ટકા જ મુસાફરો સાથે પરિવહનની છૂટના કારણે આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. પરિણામે એસટીને આવકમાં મસમોટું ગાબડું પડ્યું છે. આ અંગે જૂનાગઢ એસટીના ડિવીઝન કન્ટ્રોલર જી.ઓ. શાહે જણાવ્યું હતું કે, એસટીને કોરોનાના કારણે માત્ર એપ્રિલ અને મે 2021ના માત્ર 2 મહિનામાં જ 24 કરોડની આવક ગૂમાવવી પડી છે. તેમ છત્તાં મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

હાલ એસટી બસમાં સરકારી ગાઇડ લાઇનની મર્યાદા મુજબ જ મુસાફરોને બેસાડવામાં આવે છે જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને કોરોના સંક્રમણનો ભય ન રહે. આવક કરતા પણ મુસાફરોની સલામતી મુખ્ય છે. કારણ કે, એસટીનું સૂત્ર જ છે સલામત સવારી એસટી અમારી. ત્યારે આ સૂત્ર પર મુુસાફરોનો વિશ્વાસ કાયમ જળવાઇ રહે તેને જ પ્રાથમિકતા અપાય છે. આમ, આવક ગૌણ છે, મુસાફરોની સલામતી મુખ્ય બાબત છે. જોકે, હવે કોરોના ઓછો થઇ રહ્યો છે ત્યારે જો સરકાર વધુ છૂટ આપશે અને ફરી 100 ટકા મુસાફરોની મંજુરી મળશે તો ગૂમાવેલી આવક રિકવર થઇ જશે.

મંજૂર રૂટ કરતા ઓછું સંચાલન
એસટીના સંચાલન માટે 1,110 રૂટની મંજૂરી મળી છે. પરંતુ હાલ કોરોનાના કારણે માત્ર 608 રૂટ પર જ બસ દોડી રહી છે. પરિણામે એસટીની આવક ઘટી રહી છે.

આવક ઘટી, ખર્ચ બરકરાર
એસટીની આવકમાં કોરોનાના કારણે ઘટાડો થયો છે સામે સ્ટાફના પગાર સહિતનો ખર્ચ તો કરવો જ પડે. પરિણામે આવક ઘટી પરંતુ ખર્ચ બરકરાર રહ્યો છે.

કોરોના પહેલાનું શિડ્યુુલ આ હતું
કોરોના મહામારી પહેલાનું મંજુર થયેલ શિડ્યુલ 494, મંજુર થયેલ ટ્રીપો 2,626, મંજૂર થયેલ કિમી 2,27,000. આના કારણે એસટીને દૈનિક 40,00,000ની આવક થતી હતી.

કોરોનાના કારણે શિડ્યુલમાં ફેરફાર
કોરોનાના કારણે એસટીના શિડ્યુલમાં ભારે ફેરફાર થયો છે. હવે 363 બસોનું સંચાલન કરાય છે જેની ટકાવારી 68 ટકા થાય છેે. હાલ ઓપરેટ ટ્રીપોની સંખ્યા 1,172 છે અને દરરોજ 1,60,000 કિમીનું સંચાલન થાય છે જેના કારણે એસટીની દૈનિક આવક 20,00,000ની થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...