ઓવરબ્રિજ માટે કવાયત:3 કરોડમાં એસટીની જમીન મેળવાશે, જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટેશન રોડ પર સોરઠ ભવનની સામે આવેલી એસટીની આ જગ્યાએથી ઓવરબ્રીજ શરૂ થશે. - Divya Bhaskar
સ્ટેશન રોડ પર સોરઠ ભવનની સામે આવેલી એસટીની આ જગ્યાએથી ઓવરબ્રીજ શરૂ થશે.
  • શહેરને રેલવે ફાટકથી મુક્તિ અપાવવા મિટર ગેઇજ રેલવે સ્ટેશન ગાંધીગ્રામ ખસેડવા વધુ એક રજૂઆત
  • 5.92 કરોડના અનેકવિધ વિકાસ કાર્યો માટેની દરખાસ્તને અપાઇ મંજૂરી

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં અનેકવિધ વિકાસના કાર્યોની દરખાસ્તને સ્થાયી સમિતીએ મંજૂરીની મહોર મારી છે. આ અંગે સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તમામ જિલ્લા, શહેરોને રેલવે ફાટકથી મુક્તિ અપાવવા પ્રયત્નશીલ છે. ત્યારે જૂનાગઢ શહેર મધ્યેથી પસાર થતી મિટર ગેઇજ રેલવે લઇનમાં 7 રેલવે ફાટક અને 2 માનવ રહિત ફાટક આવે છે. ત્યારે શહેરીજનોને રેલવે ફાટકથી મુક્તિ અપાવવા મિટર ગેઇજ રેલવે સ્ટેશન ગાંધીગ્રામમાં બનાવાશે.

જ્યારે રેલવે ઓવર બ્રિજ માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે એસટીની જમીન સંપાદન કરવી પડે તેમ હોગ તે માટે 3 કરોડ ચૂકવીને જમીન કોર્પોરેશન હસ્તક લેવાશે. આ ઉપરાંત કુલ 5 કરોડ 92 લાખના વિકાસ કામોને સ્થાયી સમિતીએ મંજૂરીની મહોર મારી છે.

રસ્તા રિપેર કરવા માટેના ટેન્ડર પાસ કરવા ખાસ સ્થાયી સમિતીની બેઠક મળશે
રસ્તાની સમસ્યાથી શહેરીજનોને મુક્તિ અપાવવા પ્રયાસ કરાઇ રહ્યા છે. હાલ અક્ષર મંદિરથી સરદાર વલ્લભભાઇ પટેલના પુતળા સુધી રોડને પેવરથી મઢવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. હવે 9 સપ્ટેમ્બરે ખાસ સ્થાયી સમિતીની બેઠક બોલાવાશે જેમાં તમામ રસ્તાના કામો માટેના ટેન્ડરને મંજૂરી અપાશે.

10 વર્ષનું ઓડિટ અધિકારીએ ડાયરીમાં આપતા ઠપકો મળ્યો
સ્થાયી સમિતી ચેરમેને મનપાના એક અધિકારીને ખખડાવી નાંખ્યા હતા. ખાસ કરીને છેલ્લા 10 વર્ષના કામનું ઓડિટ મંગાયું હતું જે શાખા અધિકારી દ્વારા યોગ્ય રીતે રજૂ કરવામાં ન આવતા આગામી સ્થાયી સમિતીમાં યોગ્ય રીતે રજૂ કરવા જણાવ્યું હતું. જોકે, આ અધિકારીને સસ્પેન્ડ કરવા માટે અગાઉ પણ જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ થયો હતો. જોકે, અધિકારીની પહોંચ દિલ્હી સુધી હોય સસ્પેન્ડ કરવાના બદલે તેને વધુ એક શાખાની જવાબદારી સોંપાઇ હતી! જોકે, બાદમાં તેમણે વધારાની જવાબદારી પરત કરી હતી.

દિવાળી સુધીમાં સીટી બસ સેવા ફરી શરૂ કરી દેવાશે
શહેરમાં કોરોના કાળથી સીટી બસ સેવા બંધ છે. દરમિયાન સીટી બસ સેવા શરૂ કરવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. દિવાળી સુધીમાં સીટીબસ સેવા શરૂ થઇ જશે તેમ પણ સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું છે.

સરગવાડામાં 35 પશુ ભૂખમરા જેવી સ્થિતીમાં, 1નું મોતનો આક્ષેપ
સરગવાડા ખાતે પ્લોટમાં 95 જેટલા પશુને રખાયા છે. સામાન્ય રીતે પશુ 10 કિલો ખોરાક લેતા હોય 950 કિલો ખાણની જરૂર હોય છે જેની સામે માત્ર 600 કિલો ન ખાણ(ખોરાક) અપાય છે. પરિણામે 35 જેટલા પશુ ભૂખમરાનો સામનો કરી રહ્યા હોવાનું અમારી રૂબરૂ મુલાકાતમાં જણાયું છે. જ્યારે એક ખુંટીયો તો અમારી નજર સામે મૃત્યુ પામેલો પડ્યો હતો.- લલીતભાઇ પણસારા,કોર્પોરેટર.

13,50,000ના ખર્ચે આધાર કાર્ડની 9 કિટ ખરીદાશે
શહેરમાં આધાર કાર્ડ અપડેશનની કામગીરી જે કેન્દ્રો પર થાય છે તે કેન્દ્રો પર કુલ 9 નવી કિટ ખરીદીને મુકાશે. આ કિટ ખરીદી માટે 13,50,000ની રકમને મંજૂરી અપાઇ છે.

આઉટ સોર્સિંગથી 68 જગ્યા ભરાશે
મનપાની જુદી જુદી શાખામાં યોગ્ય કામગીરી થઇ શકે તે માટે આઉટ સોર્સિંગથી 68 જગ્યાઓ ભરવામાં આવશે.

પશુ પકડી નિભાવ કરવા 25 લાખના ખર્ચને મંજૂરી
શહેરમાં રખડતા ભટકતા પશુનો ત્રાસ દૂર થાય તે માટે ગૌવંશને પકડી પાડી તેને મનપા કહે તે સ્થળે પહોંચાડવાની કામગીરી માટેના ભાવો મંજૂર કરાયા છે. સાથે પકડાયેલા પશુના નિભાવ માટે 25 લાખના ખર્ચને મંજૂરી અપાઇ છે. જ્યારે દરરોજ પકડતા પશુને સાવજના ડેલામાં રખાતા હોય જો જગ્યા ઘટશે તો ટોરેન્ટ ગેસ પાસેના ખુલ્લા પ્લોટની 40 ટકા જગ્યા વધારાના પશુને રાખવા માટે રિઝર્વ રાખવાનો પણ નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...