ભાસ્કર એક્સલુઝિવ:ધો. 6, 7 અને 8 ના બાળકોને ભણાવવા માટે થાય છે ચૂંટણી

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોરઠ પંથકમાં આવેલી વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવતું હોય છે

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે બહુ ઓછી જાણીતી પણ રસપ્રદ બાબત એ છે કે, વર્ષ 2019 થી ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળ સંસદની ચૂંટણી યોજાય છે. ધો. 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓ તેમાં મતદાર હોય છે. અને અભ્યાસક્રમના ભાગરૂપે આ પ્રવૃત્તિ થતી હોય છે.

ચૂંટણીમાં દરેક શાળા પોતાની રીતે જાહેરનામું
જેમાં ધો. 6, 7 અને 8 માં ભણતા બાળકો પ્રત્યક્ષરૂપે ભાગ લઇને લોકશાહીમાં ચૂંટણી પદ્ધતિ કેવી હોય છે તેના પાઠ ભણે છે. વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય, નેતૃત્વના ગુણો વિકસે અને જવાબદારીનું વહન કરતાં શીખે, સમસ્યાનું વિશ્લેષણ કરીને નિર્ણય લેવાની ક્ષમતા વધે, સમુદાયની ભાવના કેળવાય એ માટે આ પ્રવૃત્તિ યોજાય છે. આ ચૂંટણીમાં દરેક શાળા પોતાની રીતે જાહેરનામું બહાર પાડે છે.

સામાન્ય ચૂંટણીની જેમજ મતદાર યાદી તૈયાર

તેમાં હોદ્દાઓ અને તેની સંખ્યા પણ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે રહે છે. તેનું જાહેરનામું બહાર પાડ્યાથી લઇને મતગણતરી સુધી લગભગ 22 દિવસનો સમયગાળો રહે છે. જેમાં ફોર્મ ભરવાની તારીખ, ફોર્મ ચકાસણીની તારીખ, ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ, ચૂંટણીની તારીખ અને મતગણતરી તેમજ પરિણામના દિવસો નક્કી કરાય છે.ઉમેદવાર બનનાર બાળકને નિશાન ફાળવવામાં આવે છે. અને બેલેટ પેપર પર બોલપેનથી ચોકડીની નિશાની કરીને મત આપવાનો હોય છે. સામાન્ય ચૂંટણીની જેમજ મતદાર યાદી તૈયાર થાય છે. જેમાં શિક્ષકો પણ સામેલ થાય છે.

ચૂંટણી પ્રક્રિયા માટે શાળના એક શિક્ષકને કમિશ્નર
​​​​​​​જોકે, ધો. 1 થી 5 સુધીના બાળકો તેમાં મતદાર નથી હોતા. પોલીંગ બુથની રચના અને સ્ટાફ સામાન્ય ચૂંટણી જેવાજ રહે છે. એકમાત્ર મત આપનારની આંગળીએ અવિલોપ્ય શાહીને બદલે માર્કર પેનથી કાળું ટપકું કરાય છે. મતકુટિરમાં જઇને વિદ્યાર્થી મત પણ આપે છે. હા અહીં કોઇ ઉમેદવાર પોતાનું ગૃપ ન બનાવે અને મત ન મળે તો મનદુ:ખ ન રહે એ માટે વિજયની ચીચીયારી કે ઉજવણી નથી કરી શકતા. ઉમેદવારી માટે ભરવાનાં ફોર્માં એક ટેકેદારનું નામ અને સહી પણ લેવામાં આવે છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે શાળના એક શિક્ષકને કમિશ્નર પણ બનાવાય છે. દરેક શાળામાં સામાજીક વિજ્ઞાનનાં શિક્ષક સામાન્ય રીતે ચૂંટણીના કમિશ્નર બની સમગ્ર પ્રવૃત્તિ હાથ ધરે છે.

ઉમેદવારે આપવાની બાંહેધરીઓ

  • શાળામાં બાળકો નિયમીત આવે અને ગેરહાજરીનું પ્રમાણ ઘટે એવા પ્રયત્નો કરીશ.
  • શાળાનાં તમામ વિદ્યાર્થીઓ સ્વચ્છતાનાં ગુણ કેળવે એવા પ્રયત્નો કરીશ.
  • શાળાના તમામ વિદ્યાર્થીઓ મધ્યાહ્ન ભોજનમાં હાથ ધોઇનેજ વ્યવસ્થિત જમવા બેસે તેના પ્રયત્નો કરીશ.
  • શાળાની જાહેર મિલકતોને કોઇ નુકસાન ન પહોંચાડે એ માટેની તકેદારીના પ્રયત્નો કરીશ.

- શાળાના તમામ વિદ્યાર્થીઓ વૃક્ષોનું જતન કરે એવા પ્રયત્નો કરીશ.

અમારી શાળામાં 2 મહામંત્રી અને 18 ઉપમંત્રીની ચૂંટણી થઇ

અમારી શાળાની બાળ સંસદમાં 2 મહામંત્રી અને 18 ઉપમંત્રી માટેની ચૂંટણી યોજાઇ હતી. જે વર્ષ 2022-23 માટેની હતી. કોઇ શાળા દર વર્ષે યોજે તો કોઇ શાળામાં દર બે વર્ષે યોજાય છે. અમારી શાળામાં સામાજીક વિજ્ઞાનના શિક્ષિકા મીન્ટુબેન હિંસુએ આ પ્રવૃત્તિ હાથ ધરી હતી. -તરુણભાઇ કાટબામણા, આચાર્ય, કન્યાશાળા નં. 4, જૂનાગઢ

અન્ય સમાચારો પણ છે...