જૂનાગના ઝફર મેદાનમાં સ્પોર્ટસ સંકુલ બનાવવા તત્કાલિન ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ રૂ. 3.18 કરોડ ફાળવ્યા એ વખતે આજના ગીર-સોમનાથ સહિત આખા જિલ્લાના રમતવીરો રાજીના રેડ થઇ ગયા હતા. પણ આજે સ્થિતી એ છેકે, હજી સુધી તે કાર્યરત નથી થયું. દિવ્ય ભાસ્કરે મેળવેલી વીગતોમાં એવી વાત બહાર આવી કે, આખા મામલે નેતાગીરી ઝડપથી આ પ્રોજેક્ટ કાર્યરત થાય એવું ઇચ્છતી હતી. પણ તેનું નિર્માણ કરનાર માર્ગ અને મકાન વિભાગ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત વચ્ચે પત્રવ્યવહારોની ઝડપ એટલી બધી મંથર હતી કે કામ આગળ ધપાવવું મુશ્કેલ બની ગયું હતું.
જોકે, હવે આખું કોમ્પલેક્ષ પવડીએ હાલની સ્થિતીએ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતને હસ્તાંતરિત કરી દીધું છે. અને હવે તેના કામમાં ઝડપ આવવાની આશા સેવાઇ રહી છે.જૂનાગઢમાં સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે સૌપ્રથમ વર્ષ 2006 માં રૂ. 3.18 કરોડના ખર્ચ અંદાજની સામે 14.98 ટકા નીચા ભાવે રૂ. 2.55 કરોડનું ટેન્ડર મંજૂર થયું હતું. 11 માસમાં કામ પૂરું કરવાનું હતું. એટલેકે, તા. 18 નવે. 2007 ના રોજ કામ પૂરું કરી દેવાનું હતું. પણ ચાલુ કામે સ્પોર્ટસ ઓથોરિટી અને કન્સલ્ટન્ટે જે સુધારા-વધારા સુચવ્યા તેને લીધે મટીરીયલનો જથ્થો વધી જતો હતો અને આઇટમો પણ તેમાં ઉમેરાઇ.
આની વહીવટી મંજૂરી માંગવી પડી. 2007 માં જે કામ પૂરું કરવાનું હતું તેમાં સુધારા માટેની વહીવટી મંજૂરી છેક તા. 10 મે 2012 માં મળી. 6 વર્ષ વિતી ગયા એટલે બધીજ વસ્તુઓના ભાવ વધી ગયા, મજૂરી પણ વધી. યોજનાનો ખર્ચ વધીને રૂ. 5.03 કરોડ થઇ ગયો. આટલું મોડું થયું હોવાથી એજન્સીને છૂટી કરવાની નોબત આવી. ટેન્ડરની શરતો મુજબ, વાંક ન હોવા છત્તાં એજન્સીએ 10 ટકા લેખે રૂ. 30 લાખનો દંડ ચૂકવવો પડ્યો. કારણકે, પવડી એજન્સીએ એમને એમ છૂટી નથી કરી શકતી. આખો મામલો ટ્રીબ્યુનલમાં જાય. વળી તેને બ્લેક લિસ્ટ પણ કરવી પડી. સુધારેલી વહીવટી મંજૂરી માટે રીટેન્ડરીંગ થયું.
એજન્સીને વર્ક ઓર્ડર તા. 16 સપ્ટે. 2015 ના રોજ મળ્યો. એ કામ તા. 18 સપ્ટે. 2016 સુધીમાં પૂરું કરવાનું હતું. ફરીથી કામ શરૂ થયું અને વળી પાછું સ્વીમીંગ પુલ અને ઇન્ડોર સ્ટેડિયમની છતની ડીઝાઇનમાં ફરી પાછો સુધારો સુચવાયો. આથી કામગીરી ફરી તા. 17 ઓગષ્ટ 2018 સુધી લંબાઇ ગઇ. જોકે, આ વખતે એજન્સીને ચાલુ રખાઇ. ત્યાં સુધીમાં તેને થયેલી કામગીરી પેટે રૂ. 2.37 કરોડનું ચૂકવણું કરાયું. પણ જે જથ્થાનો વધારો અને વધુ કામગીરીનો ખર્ચ બધું મળીને રૂ. 7.17 કરોડ થયો. જોકે, પવડીએ તેની સૈદ્ધાંતિક તા. 18 મે 2018 ના રોજ આપી દીધેલી. પણ તેની દરખાસ્ત પાછી રમતગમત વિભાગ પાસે ગઇ.
જે છેલ્લે તા. 28 સપ્ટે. 2021 ના રોજ મંજૂર થઇ. આમ સાડાત્રણ વર્ષે મંજૂરી આવી હોવાથી છત માટેનાં સ્ટીલની આઇટમો, મજૂરી વગેરેમાં અસહ્ય ભાવ વધારો આવી ગયો. આથી એજન્સીને કામ આગળ ચલાવવું જ પોષાય એમ નહોતું. આથી એજન્સીએ છૂટા થવા રજૂઆત કરી. આખરે રમત ગમત વિભાગ અને પવડીના સચીવો વચ્ચે આ મામલે મીટીંગ થઇ.
જેમાં એવો નિર્ણય લેવાયો કે, એજન્સીને કરારમાંથી છૂટી કરી દેવી અને યથાવત સ્થિતીએ આખું માળખું સ્પોર્ટસ ઓથોરિટીને હસ્તાંતરિત કરી દેવું. હાલની સ્થિતીએ પવડી દ્વારા એજન્સીને છૂટી કરવાની અને સ્પોર્ટસ ઓથોરીટી દ્વારા બાકીનું કામ પૂરું કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. હવે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતનું પ્લાનીંગ અને ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ બાકીનું કામ પૂર્ણ કરશે.
મંજૂરીનાં અભાવે એજન્સીને પણ ખર્ચ વધ્યો
બેંક ગેરંટી 4 વખત રીન્યુ કરાવવામાં રૂ. 2.25 લાખ, સાઇટ પરનું ટેમ્પરરી લાઇટ બીલ, મશીનરીનું ભાડું માત્રને માત્ર 4 વર્ષ સુધી કામની મંજૂરીનાં અભાવે ચૂકવવું પડ્યું.
પે એન્ડ પ્લેની સીસ્ટમ લાગુ પડશે
સ્પોર્ટસ સંકુલ તૈયાર થયા બાદ અહીં સુવિધા બધીજ ઓલિમ્પિક કક્ષાની મળશે. પણ આવનારે તેના માટે નિયત ફી ચૂકવવાની રહેશે. જોકે, તેના દર સાવ મામુલીજ હોય છે.
હજુ આટલું તો બાકીજ છે
બિલ્ડીંગનું ઓલિમ્પિક કક્ષાનું લાઇટીંગ, માટીને બદલે સિન્થેટીક ટ્રેક. આ બધા ખર્ચ તો હજી બાકી જ છે.
આટલી રમતો માટે સુવિધા તૈયાર થશે
400 મીટરનો એથ્લેટીક ટ્રેક, ફૂટબોલ, સ્વીમીંગ પુલ, ઇન્ડોર સ્ટેડિયમ, બાસ્કેટ બોલ, વોલીબોલ, ખોખો ગ્રાઉન્ડ, કબડ્ડી, ટેનીસ, હેન્ડબોલ.
સંપૂર્ણ તૈયાર થવામાં 2 વર્ષ લાગી શકે
તજજ્ઞોના મતે કદાચ અમુક રમતો નજીકના ભવિષ્યમાં શરૂ થઇ શકે. પણ ફૂલફ્લેજમાં શરૂ થતાં હજી 2 વર્ષ લાગી શકે છે.
મટીરીયલમાં વધારો આ કારણને લીધે થયો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.