જૂનાગઢ એટલે શિક્ષણની ભૂમિ અહીં શિક્ષણએ ખુબ મોટા પ્રમાણમાં યુવાનો માટે નવી ક્ષિતિજો ખોલી છે. જૂનાગઢમાં રહીને અંદાજે 14 હજાર જેટલા યુવક-યુવતીઓ સરકારી નોકરી મેળવવા માટે જુદીજુદી પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે.
એટલું જ નહીં જીપીએસસી અને યુપીએસસીની તૈયારી કરતા યુવાઓ પણ તેમાં સામેલ છે. આ ઉચ્ચ પદની સરકારી નોકરી મેળવવા માટે પોતાના અમૂલ્ય એવા 5 કે 7 વર્ષ મહેનત કરતા યુવક યુવતીઓ માટે 5 વર્ષ પહેલાં જૂનાગઢ ખાતે સ્પીપાનું કેન્દ્ર શરુ થયું હતું.
જેમાં સ્પીપા મારફત પ્રવેશ પરીક્ષા પાસ કરીને 50 ઉમેદવારો આગળના અભ્યાસ માટે આવ્યા હતા. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રીએ રાજીનામું આપતાં માત્ર 3 મહિનામાં જૂનાગઢ ખાતે સ્પીપાના કેન્દ્રને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવક-યુવતીઓ માટે સ્વામી વિવેકાનંદ સ્કૂલની બાજુમાં બંધ પડેલા આઈટીઆઈ વિભાગની ઇમારતમાં તાત્કાલિક અસરથી કેન્દ્ર શરુ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના આદેશથી સ્પીપા દ્વારા અદ્યતન લાયબ્રેરી માટે ખુબ ઉપયોગી પુસ્તકો પણ મોકલી દેવાયા હતા.
અભ્યાસ વર્ગ શરુ થયા બાદ જૂનાગઢનું કેન્દ્ર રાજ્યમાં પ્રથમ નંબરે ચાલી રહ્યું હતું. જેમાં 50 ઉમેદવારો અભ્યાસ કરતા હતા. તેના ભવિષ્યનો વિચાર કર્યા વગર જ સ્પીપાના કેન્દ્રને બંધ કરી દેવામાં આવ્યું હતું. એ પછી અહીં અભ્યાસ માટે આવેલા 3 ઉમેદવારો પોતાની રીતે પ્રયાસ કરીને તાલુકા વિકાસ અધિકારી બની પણ ચૂક્યા છે.
જૂનાગઢ ઉપરાંત સમગ્ર રાજ્યમાં જિલ્લાવાર બનાવવામાં આવેલા સ્પીપાના કેન્દ્રોને તાળા મારી દેવા પાછળ શું કારણ હતું. એ હજુ સુધી બહાર આવ્યું નથી. હાલ આ બિલ્ડિંગમાં મોટા મોટા કલાસરૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ છે. શાંત વાતાવરણ છે એ ઉપરાંત અહીં કંઈજ તૈયારીઓ કરવી પડે તેવું નથી. એવા સંજોગોમાં જૂનાગઢ ખાતે ફરીથી સ્પીપાનું કેન્દ્ર શરુ થાય તે માટે પ્રયાસ કરવા જરૂરી છે.
હજારો યુવક યુવતીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક એવું મંદિર છે. જે કારકિર્દી બનાવવામાં ઉપયોગી થઇ શકે. જૂનાગઢ ખાતે સ્પીપાના કેન્દ્રમાં ફાળવવામાં આવેલ પુસ્તકો સહિતની તમામ વસ્તુઓ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવી છે. બીજીબાજુ જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારીઓ કરતા યુવક યુવતીઓ ખાનગી કોચિંગ કલાસમાં હજારો રૂપિયા ખર્ચીને જે જ્ઞાન નથી મેળવી શકતા તે સ્પીપાનું કેન્દ્ર મળતા જ શરુ થઇ શકે છે.
જૂનાગઢમાં સ્પીપાનું કેન્દ્ર અત્યંત આવશ્યક
જૂનાગઢ ખાતે સ્પીપાનું કેન્દ્ર શરુ થતા રાજ્ય સરકાર દ્વારા આ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓની વ્યાખ્યાતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. અભ્યાસ શરુ થઇ ગયો હતો. અન્ય જિલ્લામાં તો પ્રવાસી વ્યાખ્યાતાઓ પણ મળવા મુશ્કેલ હતા. જૂનાગઢમાં બધી જ સુવિધા હોવા છતાં સ્પીપાનું કેન્દ્ર બંધ થઇ જવા પાછળ ક્યાં કારણો જવાબદાર હતા.
તે કોઈ જાણતું નથી. પણ આ સુવિધા છીનવાઈ જવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવક-યુવતીઓના સ્વપ્નાઓ રોળાઈ ગયા છે. ત્યારે અહીં વિજ્ઞાન વિષયના લેક્ચર માટે જેની પસંદગી થઇ હતી. તેવા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક બળદેવપારીએ કહ્યું હતું કે, જૂનાગઢના હજારો યુવક-યુવતીઓ માટે સ્પીપાનું કેન્દ્ર એક સૌથી પહેલી જરૂરિયાત છે.
નવા ધારાસભ્યે ચૂંટણી પહેલાં સ્પીપા કેન્દ્રનું વચન આપ્યું છે
ગુરુવારે જૂનાગઢના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય સંજય કોરડીયાએ પોતાના ચૂંટણી વચનોમાં જૂનાગઢમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવક-યુવતીઓને વચન આપ્યું છે કે, જો તેઓ ચૂંટાશે તો જૂનાગઢમાં અદ્યતન લાયબ્રેરી સાથે સ્પીપાનું કેન્દ્ર શરુ કરાવશે. હવે જોવું રહ્યું કે યુવા મતદારોને આકર્ષવામાં સફળ રહેલા ધારાસભ્ય યુવાનો માટે કેટલા સમયમાં આ કેન્દ્ર શરુ કરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.