વિશિષ્ટ ખેતી:ગીર સોમનાથના વલાદર ગામે ખેડૂતોને પ્રેરણા આપતી ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી કરાઇ

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 પ્રકારની કેરીઓનું સંપૂર્ણ પણે ઓર્ગેનિક ઉત્પાદન લેવાય છે
  • આશ્રમની ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતીથી ખેડૂતોને નવી રાહ ચિંઘી છે

ગીર જંગલની બોર્ડર પર આવેલા વલાદર ગામે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી થઈ રહી છે. આદ્યશક્તિ યોગાશ્રમના કેસર કેરીના બગીચામાં પૂર્ણરૂપે પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે હોમાફાર્મિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ અર્થાત કોસ્મીક હેલીંગની ઉર્જા વડે ખેતી થઈ રહી છે. આશ્રમની અંદાજે 300 વીઘા જમીન પર 3 હજાર આંબા પર મીઠી મધુરી કેસર ઉપરાંત રાજાપુરી, દુધપેંડો, હાફૂસ, આંબળી સહિત 10 પ્રકારની કેરીઓનું સંપૂર્ણ પણે ઓર્ગેનિક ઉત્પાદન લેવાય છે.

આધ્યાત્મિક શક્તિઓની ઉર્જા સાથેની ખેતી

ભારત દેશ કૃષિપ્રધાન દેશ હોવાથી કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારની કૃષિ પદ્ધતિઓ અમલમાં હોય છે. જે પૈકી પ્રાકૃતિક ખેતી અને તેમાં પણ હોમોફાર્મિંગ એટલે કે આદ્યાત્મિક શક્તિ આધારિત ખેતી પણ ખેડૂતો કરી રહ્યાં છે. વર્તમાન પરિસ્થિતિમાં ખેતીમાં વધુ ઉત્પાદન લેવાની લ્હાયમાં રાસાયણીક દવાઓનો ભરપુર ઉપયોગ થઈ રહ્યો હોય જે માનવજીવ માટે જોખમી સાબીત થઈ રહ્યો છે. જો કે, હવે લોકો સંપૂર્ણ શુદ્ધ ખેત પેદાશો મેળવવાનો આગ્રહ રાખી રહ્યા હોવાથી ખેડૂતો પણ હવે ફરી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે તે માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં જૂજ ખેડૂતો જ આ પ્રકારની ની ખેતી કરે છે. અને તે ખેતી છે હોમો ફાર્મિંગ અર્થાત આધ્યાત્મિક શક્તિઓની ઉર્જા સાથેની ખેતી જેને કોસ્મિક ફર્ટિલાઈઝર પણ કહેવામાં આવે છે. ત્‍યારે ગીર સોમનાથના જંગલ બોર્ડર પર આવેલા વલાદર ગીર ગામે આવી જ કંઈક વિશિષ્ટ ખેતી થઈ રહી છે.

20 વર્ષથી સંપૂર્ણ પણે પ્રાકૃતિક સજીવ ખેતી થઈ રહી છે

વલાદર ગીરમાં આવેલ આદ્યશક્તિ આશ્રમ ખાતે થઇ રહેલ વિશિષ્ટ ખેતી અંગે આશ્રમના સંચાલક મિલનભાઈએ એક વાતચીતમાં જણાવેલું કે, શિવપુરાણમાં વર્ષો પૂર્વે દુષ્કાળના વર્ષોમાં ગૌતમ ઋષિ સવારે વાવતા અને સાંજે લણતા તેવા પ્રકારની ઋષિખેતીનો ઉલ્લેખ જોવા મળે છે. અર્થાત ઋષિમુનિઓ આધ્યાત્મિક ઉર્જાની શક્તિ વળે ખેતી કરતા. અહીં આદ્યશક્તિ યોગાશ્રમ ખાતે 20 વર્ષથી સંપૂર્ણ પણે પ્રાકૃતિક સજીવ ખેતી થઈ રહી છે. જેમાં છેલ્લા આઠેક વર્ષથી કોસ્મીક હેલીંગ એટલે કે આધ્યાત્મિક સાધના શક્તિની ઉર્જાને ખેતીમાં પ્રવાહિત કરી રહ્યા છે. અગ્નિહોત્રી યજ્ઞની ઉર્જા એટલે કે ધૂપ ઉપરાંત જીવામૃતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ ખેડૂતોને પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે વિશિષ્ટ હોમાફાર્મિંગ એટલે કે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી તરફ વળવાનો ઉમદા હેતુ વ્યક્ત કર્યો છે.

આંબાવાડીમાં મંત્ર સાધના વડે દિવ્ય ઊર્જા પણ પ્રવાહિત કરાય છે

આશ્રમના મિલનભાઈએ વધુમાં જણાવેલ કે, આશ્રમની અંદાજે 300 વીઘા જમીન પર 3 હજાર આંબા પર સંપૂર્ણ પણે ઓર્ગેનિક એવી મીઠી મધુરી કેસર ઉપરાંત રાજાપુરી, દુધપેંડો, હાફૂસ, આંબળીની વિવિધ ત્રણ જાતો સહિત 10 પ્રકાર કેરીઓનું વિશિષ્ટ ખેતી કરી મબલખ ઉત્પાદન થાય છે. આના થકી થતી આવકને ગૌશાળાના નિર્માણ અને ખેડૂતોને કોસ્મીક હેલિંગ સાથે હોમો ફાર્મિંગ માટે શિક્ષિત બનાવવા પાછળ કરાયેલ કાર્યોમાં વાપરવાનો નીર્ધાર વ્યકત કર્યો છે. ખેડૂતોને અપીલ છે કે, તેઓ સજીવ ખેતી ઉપરાંત પોતાના ખેતર કે આંબાવાડીમાં મંત્ર સાધના વડે દિવ્ય ઊર્જા પણ પ્રવાહિત કરે અને કૃષિ ઋષિનું બિરુદ પ્રાપ્ત કરે આકાશીય ઊર્જા વડે પોતાના જીવનને ધન્ય કરે. પ્રકૃતિને નમો એટલે પ્રકૃતિ જરૂર આશીર્વાદ વરસાવે છે માટે જ પ્રકૃતિ સાથે તાદમ્ય સાધી ખેતી માટે ખેડૂતોને જાગૃત કરી પ્રશિક્ષિત કરાઈ રહ્યા છે.

કેરીની ગુણવતા ગયા વર્ષ કરતાં ઉંચી છે

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરોના કારણે દર વર્ષે ગીર પંથકની કેસર કેરીનો સરેરાશ 30 થી 50 ટકા પાક નિષ્ફળ જઈ રહ્યો છે. આ વર્ષે પણ ગીર પંથકમાં કેરીનો અડઘો અડઘ પાક નિષ્ફળ ગયો છે. જેની પાછળનું કારણ ગ્‍લોબલ વોર્મ‍િગની અસરો જવાબદાર હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ત્‍યારે વલાદરના આદ્યશક્તિ યોગાશ્રમ પર દિવ્ય મંત્રોના પ્રભાવથી કેરીનો પાક સારો એવો આવેલ છે. અને કેરીની ગુણવતા ગયા વર્ષ કરતાં ઉંચી છે. જે કોસ્‍મીક હેલીંગની ઉર્જા વડે થતી કેરીની ખેતીનો સફળતાની સાબિતી આપી રહી છે.