આજથી 71 વર્ષ પહેલા ઇ.સ.1951 માં વૈશાખ સુદ પાંચમના દિવસે બાર જ્યોતિલીંગ પૈકીના પ્રથમ આદિ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અખંડ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવી હતી. જેથી આજે મંદિરનો 72મો સ્થાપના દિવસ હોવાથી સોમનાથ મંદિરમાં મહાપુજા, શણગાર સહિતના વિશેષ ધાર્મીક કાર્યક્રમો થકી ઉજવણી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગના સાક્ષી એવા સોમનાથના ટ્રસ્ટી જે.ડી.પરમાર આજના શુભ દિન અંગે કહે છે કે, સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે શિવલિંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલિંગ સ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તે સમયે 108 પવિત્ર તીર્થ સ્થાનોના અને સાત સમુદ્રોના પવિત્ર જળથી મહાદેવના શિવલિંગનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ ધન્ય ક્ષણે 101 તોપોની સલામી અને ગગનભેદી નાદ સાથે મંદિરમાં ઘંટનાદ થયો હતો.
શિવપ્રસાદ નિર્માણના અધિકૃત ગ્રંથ દીપાર્ણવમાં ઉલ્લેખ છે કે, આવુ શિવલિંગ સર્વલિંગોમાં શ્રેષ્ઠ છે. ગર્ભગૃહ સુર્વણથી મઢેલ છે અને દ્વારો-દ્વારશાખ તથા આગળના સ્થંભો સુર્વણ મઢેલા છે મંદિરના સાત માળ છે. સોમનાથ મંદિર નિર્માણ સદીની મોટી ઘટના હોવાથી ઈતિહાસમાં નોંધાઈ છે. 800 વર્ષ પછી નાગરશૈલીમાં નિર્માણ પામનારા આ પ્રથમ દેવાલય છે. જેને કૈલાશ મહામેરૂ પ્રાસાદથી પણ પ્રચલિત છે.
પ્રાચીન યુગથી વર્તમાન યુગ સુધી વારંવાર આક્રમણ, વિસર્જન, સર્જન, આસ્થા, રાજવીઓ શહિદોના સમર્પણ અને શિલ્પકલાનું બેનમુન શિવાલય અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાનનુ જીવંત સાક્ષી આ શિવાલય દર્શન પૂજાવિધીથી વર્તમાન યુગમાં દેશ-વિશ્વમાં સાત સમંદર પાર ઓનલાઈન-સોશ્યલ મીડિયા માધ્યમથી પહોંચે છે.
આજે જગવિખ્યાત સોમનાથ મંદિરના 72 માં સ્થાપના દિવસ નિમિત્તે આજથી 71 વર્ષ પૂર્વે સવારે 9:46 મિનીટએ મહાપૂજા કરવામાં આવેલી એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલી શૃંગારની પ્રતિકૃતિ રૂપ શણગાર મુખ્ય પૂજારી વિજય ભટ્ટ તથા પૂજારી વૃંદ દ્વારા કરવામાં આવેલ હતો. આ પ્રસંગે અધિકારીગણ અજય દુબેના હસ્તે મહાદેવને વિશેષ મહાપુજા કરવામાં આવી હતી. ત્યારબાદ પરીસરમાં રહેલ સરદાર પટેલની પ્રતિમાને ફુલ હારથી સરદાર વંદના કરવામાં આવી હતી. સાંજે આરતી સમયે સોમનાથ મહાદેવને વિશેષ શણગાર અને દિપમાલા કરવામાં આવશે.
આ ઉજવણીમાં શિવ ભક્તો, પુજારીગણ, તીર્થ પુરોહિતો જોડાયા હતા. હાલ મંદિરને 71 વર્ષ પુર્ણ થયા છે. મંદિરના નૃત્યમંડપ અને સભામંડપ ઉપર આવેલા કળશો યજમાનોના અનુદાનથી સુવર્ણ મંડિત થયા છે. સોમનાથ મંદિર સંદેશ આપે છે કે, વિનાશક શક્તિ પર હંમેશા સર્જનાત્મક શક્તિનો વિજય થાય છે જે આ રીતે ભવ્ય હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.