ઠંડીથી બચવા વ્યવસ્થા:જૂનાગઢના સક્કરબાગમાં કડકડતી ઠંડીમાં પ્રાણીઓને રક્ષણ આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી

જુનાગઢ3 મહિનો પહેલા

સૌરાષ્ટ્રમાં હાલ ઠંડી પડવાની શરૂઆત થઈ ચૂકી છે.લોકો તાપણા, રૂમ હીટર અને ગરમ કપડાનો સહારો લઇ રહ્યા છે.ત્યારે સકકરબાગમાં વસતા વન્યજીવોને આ ઠંડીથી રક્ષણ આપવા માટે ઝૂ સત્તાવાળાઓએ ખાસ વ્યવસ્થા કરી છે.

હાલમાં શીયાળાની મોસમ ચાલી રહી છે.લોકો કામ સિવાય ઠંડીથી બચવા બહાર નિકળવાનુ ટાળી રહ્યા છે.આવા સંજોગોમાં જૂનાગઢ સકકરબાગ ઝૂ દ્રારા વન્યજીવોને ઠંડીથી રક્ષણ આપવા અલાયદી વ્યવસ્થા કરવમાં આવી છે.ઝૂ સત્તાવાળાઓએ પક્ષીઓ માટે પીંજરા ઉપર નેટ પાથરવામાં આવી છે.તો હિસક પ્રાણીઓ માટે હિટર ગોઠવાયા છે.

શિયાળાને લીધે ઝૂ સત્તાવાળાઓ દ્વારા પ્રાણીઓના ભોજનમાં પણ ફેરફાર કરે છે. જેમાં માંસાહારી પ્રાણીઓને ભોજનમાં વધારો કરવામાં આવ્યો છે. જેને લીધે તેના શરીરનું તાપમાન જાળવી રાખે. તેમજ વળી સરીસૃપ વર્ગ માટે માટલામાં લેમ્પ ગોઠવાયા છે.જેના કારણે બહારના તાપમાન કરતા પાંચથી 6 ડીગ્રી તાપમાન વધુ રહે છે.આમ સકકરબાગમા પ્રાણીઓ ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.

સક્કરબાગ ઝૂના RFO નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, સક્કરબાગના વન્યપ્રાણીઓમાં સિંહ, વાઘ અને દીપડા જેવા પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે તેના પાંજરાની દીવાલોને ગાર માટીથી લીપવામાં આવી છે, એટલું જ નહીં રાત્રીના સમયે આ પ્રાણીઓને શેલ્ટર હાઉસમાં શિફ્ટ કરી દેવામાં આવે છે, જ્યાં લાગેલા હિટરથી તેઓને પૂરતી ગરમી મળી રહે છે. જ્યારે તૃણભક્ષી પ્રાણીઓને શિયાળાની કાતિલ ઠંડીથી બચાવવા માટે, તેમના પાંજરામાં સૂકું ઘાસ પાથરી દેવામાં આવ્યું છે, જેથી પાંજરામાં તે પ્રાણીને ગરમીનો અહેસાસ થઈ શકે અને ઠંડીથી રક્ષણ મેળવી શકે.આમ, જુદાજુદા પ્રાણીઓ માટે જુદાજુદા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે....

અન્ય સમાચારો પણ છે...