પ્રવાસનના વૈશ્વિક કેન્દ્રમાં યાત્રાધામ:સોમનાથના કિનારે બનેલા સુમદ્ર દર્શન વોક-વે પર ડ્રોનના સથવારે એક લટાર, PM મોદી શુક્રવારે કરશે લોકાર્પણ

વેરાવળ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ કિમી લાંબો 'સમુદ્ર દર્શન વોક-વે' પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર
  • સોમનાથના ઈતિહાસથી સાક્ષી કરાવશે 'સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર'

પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ હંમેશાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. એમાં પણ ખુશ્બૂ ગુજરાતી કી જેવા એડ કેમ્પેન બાદ તો સોમનાથ આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે. એની સાથે સાથે કેન્દ્ર અને રાજય સરકારના સહયોગથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં આવતા પ્રવાસીઓની સુવિધાઓમાં પણ ઉત્તરોતર વધારો કરવામાં આવી રહ્યો છે. એના જ ભાગરૂપે અહીં 50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલાં ત્રણ વિકાસકામનું શુક્રવારે પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. જાણકારોના મતે આ ત્રણ પ્રોજેક્ટના કારણે ધાર્મિક અને પ્રવાસનના નકશામાં સોમનાથને વિશેષ સ્થાન મળશે. ત્યારે આવો, જાણીએ શુક્રવારે વડાપ્રધાનના હસ્તે જે ત્રણ વિકાસકામોનું લોકાર્પણ થવાનું છે એની વિશેષતા શું છે?

દોઢ કિમી લાંબો સમુદ્ર દર્શન વોક-વે.
દોઢ કિમી લાંબો સમુદ્ર દર્શન વોક-વે.

દોઢ કિમી લાંબો સમુદ્ર દર્શન વોક-વે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે
સોમનાથ મંદિરની સમિપે દરિયાકિનાર 45 કરોડના ખર્ચે તૈયાર થયેલા દોઢ કિમી લાંબા વોક-વે પથ સોમનાથના સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણી સંગમના બંધાર સુધીનો બનાવવામાં આવ્યો છે. સોમનાથ આવતા યાત્રિકોને વોક-વે પરથી એક તરફ સોમનાથ મહાદેવનું મંદિર અને બીજી તરફ ઘૂઘવતા સમુદ્રનો નજારો માણી શકે એ માટે દૂરબીન પણ મુકાયેલું છે. વોક-વે પથ પર યાત્રિકો સાઈકલિંગ અને વોકિંગનો લહાવો લઇ શકશે. વોક-વેમાં યાત્રિકો સમુદ્ર સામે બેસી લહાવો લઇ શકે એ માટે બેસવાની સુવિઘા ઊભી કરવામાં આવી છે. વોક-વેની મઘ્‍યે ફૂડ કોર્ટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવી રહેલું હોય, જેનો ટૂંક સમયમાં લહાવો યાત્રિકોને મળતો થશે. ઉપરાંત વોક-વે પર પ્રવાસી ભારતની સંસ્કૃતિને લગતાં ચિત્રો નિહાળી શકશે, અહીં ગેલરીમાં રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદૃશ્ય કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે. રાત્રિના સમયે મ્યુઝિક અને રંગબેરંગી લાઈટ્સ વોક- વેની સુંદરતામાં વધારો કરશે.

શુક્રવારથી શરૂ થનારા આ વોક-વે પર પ્રવેશ માટે ત્રણ એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે. પ્રથમ સાગર દર્શન પાસેથી, બીજો હમીરજી ગોહિલ સ્‍મારક સામે પોસ્‍ટ ઓફિસ પાસેથી અને ત્રીજો ત્રિવેણી રોડ પર પ્રભાસપાટણ પોલીસ સ્‍ટેશનની સામેથી પ્રવેશ કરી શકાશે. વોક-વે પર પ્રવેશ માટે 5 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.

સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર.
સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર.

ભવ્ય ભૂતકાળથી અવગત કરાવશે 'સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર'
સોમનાથ સાંનિઘ્‍યે ટૂરિસ્‍ટ ફેસિલિટી કેન્‍દ્રના બિલ્‍ડિંગમાં તૈયાર કરાયેલા સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર (મ્‍યુઝિયમ)માં ભવ્‍ય ભૂતકાળ ધરાવતા સોમનાથ મંદિરના જૂના ખંડિત અવશેષો, પથ્‍થરો અને ભૂતકાળના સોમનાથ મંદિરની નાગર શૈલીની મંદિરની વાસ્તુકલાવાળી પ્રતિમાઓને પ્રદર્શિત કરવા માટે મૂકવામાં આવી છે. આ ઉપરાંત ભૂતકાળના સોમનાથ મંદિર ઉપર ઘટેલી ઐતિહાસિક ઘટનાઓની પ્રતીતિ કરાવતું સાહિત્‍ય, ફોટોગ્રાફસ પણ પ્રદર્શિત કરવા માટે મૂકવામાં આવ્યાં છે. આ મ્‍યુઝિયમ વર્તમાન અને ભાવિ પેઢીને પ્રથમ આદિ જયોતિર્લિંગ સોમનાથ મંદિરના ભવ્‍ય ભૂતકાળથી અવગત કરાવશે.

અહિલ્યાબાઈ મંદિર.
અહિલ્યાબાઈ મંદિર.

જૂના સોમનાથ મંદિર પરિસરને નવા રંગરૂપ મળ્યાં
સાડાત્રણ કરોડના ખર્ચે જૂના સોમનાથ મંદિર પરિસરનો વિકાસ કરી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ મંદિરને અહિલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે એને ઈન્દોરનાં મહારાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવાયું હતું. યાત્રાળુઓની સુરક્ષા અને સંવર્ધિત ક્ષમતા માટે સમગ્ર જૂના મંદિરના પરિસરનો સમગ્ર રીતે પુન:વિકાસ કરવામાં આવ્યો છે. એમાં મંદિરમાં યાત્રિકો સરળતાથી પ્રવેશ કરી બહાર નીકળી શકે એ માટે વિશાળ ખુલ્‍લું પરિસર અને પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં છે. પરિસરમાં જ 16 દુકાન બનાવવામાં આવી છે. આ મંદિર ઈન્દોરનાં મહારાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવાયું હોવાથી તેમની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

વેપારીઓને વિકાસકામોથી વિકાસના નવાં દ્વારા ખૂલવાની આશા
સોમનાથમાં એક બાદ એક વિકાસકાર્યો થવાને કારણે અહીંના વેપારીઓના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે. વેપારીઓ પણ માની રહ્યા છે કે નવાં વિકાસકાર્યોને કારણે વિશ્વના ધાર્મિક અને પ્રવાસનના નકશામાં સોમનાથને નવી ઓળખ મળી રહેશે. વેપારી આગેવાન હિરેન જીમુલિયાએ જણાવ્યું હતું કે અહીં સુવિધાઓમાં વધારો થતાં વધારેમાં વધારે પ્રવાસીઓ સોમનાથ આવતા થશે. આ તમામ કાર્યોને કારણે સમગ્ર વિશ્વના પ્રવાસીઓ સોમનાથ તરફ આકર્ષિત થશે, જેનો સીધો લાભ સ્‍થાનિક વેપારીઓ, લારી-ગલ્‍લાવાળા, ગેસ્‍ટહાઉસ સહિત પ્રવાસનને સંબંધિત તમામ નાના-મોટા વેપાર ધંધાને મળતો થશે, જેને લીધે યાત્રાધામનું અર્થતંત્ર ઘણું વિકસિત થશે.

નવનિર્મિત સમુદ્ર દર્શન વોક-વે.
નવનિર્મિત સમુદ્ર દર્શન વોક-વે.

PM મોદીના વિચાર બાદ વોક-વેનું નિર્માણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયા હતા. ત્યાર બાદ જ્યારે પણ આ વિસ્તારમાં કાર્યક્રમ હોય, તેઓ સોમનાથ મંદિરની મુલાકાત લેતા હતા. તેઓ વર્ષમાં જ્યારે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળે ત્યારે સોમનાથ મંદિરના વિકાસ માટે વિચારો પણ રજૂ કરતા હતા. સોમનાથના સમુદ્રકિનારે પ્રવાસીઓને આકર્ષી શકે એવો કોઈ પ્રોજેક્ટ બનાવવાનો પણ પ્રધાનમંત્રી તરફથી જ વિચાર રજૂ કરાયો હતો. ત્યાર બાદ પ્રોજેક્ટ બનાવવા પર મંથન અને સર્વે કરાયા બાદ વોક-વે બનાવવાનો નિર્ણય કરાયો હતો, જે હાલ તૈયાર થતાં આવતીકાલથી લોકો માટે ખુલ્લો મુકાશે.