રેલવે સ્‍ટેશનનું અપગ્રેડેશન:સોમનાથના રેલવે સ્ટેશનને 134 કરોડના ખર્ચે આધુનિક અપગ્રેડેશન કરાશે, રેલવે તરફથી બીડ મંગાવવામાં આવી

ગીર સોમનાથ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેશનમાં સોમનાથ મંદિરના વારસાને દર્શાવતું વિશિષ્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાનું આયોજન
  • ઉર્જા બચત માટે ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અપનાવીને સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના રેલવે સ્‍ટેશનનું આગામી સમયમાં આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડેશન કરવાનું રેલ વિભાગે વિચારણા હાથ ધરી છે. યાત્રાધામ સાથે જોડાયેલા આ રેલવે સ્‍ટેશનના અપગ્રેડેશન માટે રીકવેસ્‍ટ ફોમ પ્રપોઝલ રેલ લેન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરીટી દ્વારા ખાનગી કંપનીઓ પાસેથી મંગાવવામાં આવી છે. સોમનાથ રેલવે સ્‍ટેશનના અપગ્રેડશનમાં નવી સુવિધાઓ વધારવા સહિતના કામો કરવા પાછળ 134 કરોડના ખર્ચનો અંદાજ આંકવામાં આવ્‍યો છે. આ સ્‍ટેશનના પુન:વિકાસનો ઉદેશ્‍ય દેશ-વિદેશથી સોમનાથ આવતા મુસાફરોને સર્વશ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરવાનો હોવાનું જાણવા મળ્યું છે.

રેલ વિભાગ નીચે કામ કરતુ રેલ લેન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરીટી (RLDA) નવી દિલ્હી દ્વારા જગવિખ્‍યાત યાત્રાધામ સોમનાથના રેલવે સ્ટેશનનું આધુનિક અપગ્રેડેશન કરવાનું નકકી કર્યુ છે. જેના માટે ઓથોરીટી દ્વારા રીકવેસ્‍ટ ફોર પ્રપોઝલ ખાનગી કંપનીઓ પાસેથી મંગાવવામાં આવી છે. સોમનાથના રેલ્‍વે સ્‍ટેશનના આધુનિક અપગ્રેડશન પાછળ રૂ.134 કરોડનો ખર્ચ થનાર હોવાનો અંદાજ વ્‍યકત કરવામાં આવ્‍યો છે. ત્‍યારે સોમનાથ રેલ્‍વે સ્‍ટેશનમાં કંઇ કંઇ સુવિધાઓનો ઉમેરો થશે તે અંગે રેલ વર્તુળોમાંથી જાણવા મળેલ વિગત મુજબ સ્‍ટેશનનું બિલ્‍ડીંગ સોમનાથ મંદિરના વારસાને દર્શાવતું બનાવવામાં આવશે. જેમાં ટ્રેનના આગમન અને પ્રસ્‍થાન માટે અલગ-અલગ લાઉન્‍જ ઉપરાંત પ્‍લેટફોર્મની સંખ્‍યા વઘારવાનું આયોજન છે. ઉર્જા બચત માટે ગ્રીન બિલ્‍ડીંગ કોન્‍સેપ્‍ટને અપનાવીને સોમનાથ રેલ્‍વે સ્‍ટેશનનો વિકાસ કરવામાં આવશે. સ્‍ટેશન અપગ્રેડેશનનું કામ બે વર્ષના સમયગાળામાં પુર્ણ કરવાનું આયોજન છે. ભવિષ્યમાં સોમનાથ રેલ્‍વે સ્ટેશનને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના (GSRTC) બસ સ્ટેન્ડ સાથે જોડાવાનું વિચારણામાં છે.

સોમનાથ રેલવે સ્‍ટેશનના પુન:વિકાસ અંર્તગત આધુનિક સુવિધાઓ ઉભી કરવા પાછળના હેતુ અંગે રેલ વર્તુળોના જણાવ્‍યા મુજબ સોમનાથ મહાદેવ મંદિરના સાંનિઘ્‍યનું શહેર પ્રાચીન મહત્‍વ ધરાવે છે. બારેમાસ દેશ-વિદેશમાંથી કરોડો ભાવિકો યાત્રાધામ સોમનાથની મુલાકાતે આવે છે. આ ઉપરાંત સોમનાથનું જોડીયુ વેરાવળ શહેર મત્‍સ્‍યધોગનું વિશ્વનું હબ છે. ભારતના મોટા બંદરો પૈકીનું વેરાવળ બંદર એક છે. અહીં જીઆઇડીસીમાં 100 થી વધુ ફીશ પ્રોસેસીંગના પ્‍લાન્‍ટો કાર્યરત છે. જેમાંથી અમેરીકા, જાપાન, ચીન, સાઉથ એશીયા, ગલ્‍ફના દેશો અને યુરોપીયન દેશોમાં ફીશનું મોટાપાયે એક્ષપોર્ટ થાય છે. વેરાવળ-સોમનાથ જોડીયુ શહેર ટુરીઝમ અને ઓદ્યોગીક ગતિવિધિનું કેન્‍દ્ર બિંદુ હોવાને ઘ્‍યાને લઇ અહીં કાયમી વેપાર અને ફરવા અર્થે યાત્રીકોનો ધસારો રહે છે. જેને ઘ્‍યાને લઇ સોમનાથ રેલવે સ્‍ટેશનનું અપગ્રેડેશન કરવાનો વિચાર કરવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...