રજૂઆત:ઓવરબ્રિજનું કામ સત્વરે ચાલુ કરાવવાની રજૂઆત સાથે સોમનાથના ધારાસભ્ય શહેરી વિકાસ મંત્રીને મળ્યા

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જે ફાટકએ બ્રીજ બનાવવાની માંગણી છે ત્‍યાં પરેશાન થતા લોકો - Divya Bhaskar
જે ફાટકએ બ્રીજ બનાવવાની માંગણી છે ત્‍યાં પરેશાન થતા લોકો
  • 2019/20ના બજેટમાં મંજૂર થઈ ગયેલા વેરાવળના ઓવરબ્રીજનું કામ શરૂ કરવાની માંગ
  • ઓવરબ્રીજ ના હોવાથી લોકોનો સમય બગડવાની સાથે થાય છે પારાવાર મુશ્કેલી

જિલ્લામથક વેરાવળ શહેરમાં 80 ફૂટ રોડ પર આવેલ રેલ્વે ફાટક ઉપર મંજૂર થયેલા ઓવરબ્રિજનું કામ સત્વરે ચાલુ કરાવવા તેમજ હરસિધ્ધિ સોસાયટી પાસે આવેલા રેલ્વે ફાટક ઉપર વહેલી તકે ઓવરબ્રિજ મંજૂર કરવા માટે સોમનાથના ધારાસભ્યએ ગાંધીનગર ખાતે નાણાં મંત્રી અને શહેરી વિકાસ મંત્રીને રૂબરૂ મળી રજૂઆત પાઠવી માંગણી કરી હતી.

સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ મંત્રી તથા નાણાં મંત્રીને રૂબરૂ મળી કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, શહેરમાં 80 ફૂટ રોડ પાસે આવેલા રેલ્વે ફાટક તથા હરસિધ્ધિ સોસાયટી વિસ્તારમાં આવેલા રેલ્વે ફાટક ઉપરથી દિવસમાં અનેક ટ્રેનો પસાર થાય છે. આ બંન્ને ફાટકો ટ્રેન નીકળવાની હોય તેના અડધા કલાક પહેલા બંધ કરવામાં આવે છે અને ટ્રેન નીકળી ગયા બાદ 10 મિનિટ પછી ખોલવામાં આવે છે. આ સમસ્યાના કારણે ફાટકની આસપાસ આવેલી જલારામ સોસાયટી, અલીભાઇ સોસાયટી, સોમનાથ ટોકીઝ વિસ્તાર, ભાવના સોસાયટી, 80 ફૂટ રોડ સહીતના વિસ્તારોમાં રહેતા લોકોને આવન- જાવનમાં પરેશાની થાય છે. બંન્ને ફાટકો પરથી દિવસ દરમિયાન 10થી 12 વખત ટ્રેનો અવર જવર કરતી હોવાથી હજારો લોકોનો સમય બગડવાની સાથે મુશ્કેલી સહન કરવી પડે છે. ફાટકો વારંવાર લાંબા સમય સુધી બંધ રહેતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે.

મંત્રીની રજુઆત કરી રહેલ ઘારાસભ્‍ય ચુડાસમા
મંત્રીની રજુઆત કરી રહેલ ઘારાસભ્‍ય ચુડાસમા

જેને લઈ અનેક રજૂઆતો બાદ 80 ફૂટ રોડ પાસેના રેલ્વે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે બે વર્ષ પહેલા 2019-20ના વર્ષના બજેટ સત્રમાં ઓવરબ્રિજનું કામ મંજૂર કરાયું હતુ. તેને એક વર્ષથી વધારે સમય વીતી ગયો હોવા છતાં આજની તારીખે ઓવરબ્રિજનું કામ શરૂ થયું નથી. જેના લીધે ફાટક આસપાસની સોસાયટી વિસ્તારમાં રહેતા લોકોને ઇમરજન્સીમાં દવાખાને સારવાર માટે જવા સમયે એમ્બ્યુલન્સના આવન જાવનમાં પણ ઘણી વખત હાલાકી ભોગવી પડતી હોવાથી ઘણા દર્દીઓ સમયસર સારવાર ન મળવાના લીધે ગંભીર સ્થિતિમાં ધકેલાઈ જાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારના જણાવ્યા મુજબ જીયુડીસી દ્વારા શહેરી વિકાસ અંતર્ગત નગરપાલિકાઓને ગ્રાન્ટ ફાળવી દીધી છે. તો પછી હજુ હજુ સુધી કામ કેમ શરૂ થયુ નથી? જેના લીધે લોકોને હજુ પણ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી લોકો ત્રાસી ગયા છે. જેથી વહેલી તકે ઓવરબ્રિજનું કામ શરૂ કરાવવા માંગણી કરી હતી.

વેરાવળમાં ઓજી વિસ્તાર પાસે આવેલ હરસિધ્ધિ સોસાયટી વિસ્તારની ડઝન સોસાયટીઓમાં દસથી પંદર હજાર લોકોનો વસવાટ છે. આ વિસ્તારના રહીશોને પણ વારંવાર રેલ ફાટક બંધ રહેતું હોવાથી અવર-જવર કરવામાં હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ફાટક પર પણ લોકોની લાગણી મુજબ વહેલી તકે ઓવરબ્રિજ કે અન્ડરબ્રિજ બનાવવાની માંગણી હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...