શ્રદ્ધાળુઓનાં શિવને નમન:શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના રેકોર્ડબ્રેક પ્રત્યક્ષ 15 લાખ અને પરોક્ષ રીતે 7.47 કરોડ ભાવિકોએ દર્શન કર્યા

વેરાવળએક મહિનો પહેલા
સોમનાથમાં ભીડની ડ્રોનથી લેવાયેલ ફાઇલ તસ્વીર
  • ઇતિહાસમાં પ્રથમવખત શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવને 403 ઘ્‍વજા ભાવિકોએ ચડાવી
  • આ વર્ષે શ્રાવણ માસમાં મંદિર ટ્રસ્ટને રૂપિયા 7.99 કરોડની આવક

જન્‍માષ્‍ટમીના તહેવાર દરમિયાન સૌરાષ્‍ટ્ર સહિત રાજયભરના પ્રખ્‍યાત તીર્થસ્‍થાનોમાં લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જગવિખ્‍યાત સોમનાથ મંદિરે પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે મહાદેવના દર્શનાર્થે રેકર્ડબ્રેક ભાવિકોની સંખ્‍યા નોંધાઈ છે. જેમાં શ્રાવણ માસમાં 15 લાખ જેટલા ભાવિકોએ મંદિરમાં પ્રત્‍યક્ષ રીતે તો 45 દેશોના 7.47 કરોડ જેટલા ભાવિકોએ ઘરબેઠા ડીજીટલ માઘ્‍યમથી સોમનાથ મહાદેવના દર્શન કર્યા છે. તો સોમનાથ ટ્રસ્‍ટને 7.99 કરોડની આવક થઇ છે. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રાવણ માસમાં 403 ભાવિકોએ મહાદેવને ઘ્‍વજા ચડાવી છે.

બે વર્ષથી કોરોના મહામારીએ લોકોને પુરી દીઘા હોય તેમ દેવ-દર્શનાર્થે પણ લોકો બહાર નિકળી શકતા ન હતા. પરંતુ કોરોનાની બીજી લહેર ધીમી પડતા ચાલુ વર્ષે ઓગષ્‍ટ માસમાં શરૂ થયેલી શિવની ભકિત માટે ઉતમ ગણાતા એવા પવિત્ર શ્રાવણ માસ દરમ્‍યાન પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્‍યાન દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્‍યા અને ટ્રસ્‍ટની થયેલી આવક તેમજ ભાવિકો દ્વારા થતી ઘ્‍વજારોહણ સહિતની પૂજાવિધિમાં રેકર્ડબ્રેક વધારો નોંધાયો છે. જે કોરોના કાળ બાદ અને અગાઉ કરતા સૌથી વધુ હોવાનું ટ્રસ્‍ટના જાણકારો જણાવી રહ્યા છે.

પ્રથમ વખત સૌથી વધુ ધ્વજા ચડાવવામાં આવીઆ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્‍ટના સેક્રેટરી પી.કે.લહેરી અને જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકો સરળાતાથી કોવિડની ગાઇડલાઇનના પાલન સાથે મહાદેવના દર્શન અને પૂજાવિઘિ કરી શકે તે માટે ઉતમ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હતી. જેના લીધે ચાલુ વર્ષે શ્રાવણ માસમાં અત્‍યાર સુઘીમાં સૌથી વઘુ 403 જેટલી ઘ્‍વજા મહાદેવને ભાવિકોએ ચડાવી છે. મંદિર પર છેલ્લા પાંચ વર્ષમાં ચડેલી ઘ્‍વજાની વાત કરીએ તો વર્ષ 2016 માં 161, વર્ષ 2017માં 157, વર્ષ 2018 માં 231, વર્ષ. 2019 માં 236, વર્ષ 2020 માં 153 જેટલી ઘ્‍વજા ચડી હતી.

45 દેશોમાં રહેતા ભક્તોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દર્શન કર્યાવધુમાં તેઓએ જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે પણ ગત વર્ષે શ્રાવણ માસમાં સોમનાથ મંદિરે 1.81 લાખ ભાવિકો પ્રત્‍યક્ષ દર્શનાર્થે આવ્યાં હતા. જેની સામે આ વર્ષે શ્રાવણ માસ દરમ્‍યાન કોરોનાના કેસમાં ઘટાડો થવાથીસાત ગણા વધુ એટલે કે 15 લાખ જેટલા ભાવિકોએ પ્રત્‍યક્ષ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવ્‍યા છે. તો સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા દેશ-વિદેશમાં ઘરબેઠા મહાદેવના દર્શન કરી શકે તે માટે શ્રાવણ માસ દરમયાન જુદા-જુદા શણગાર અને ત્રણ ટાઇમ આરતીના વીડિયો તથા ફોટા ડીજીટલ માઘ્‍યમ પર સોમનાથ ટ્રસ્‍ટ અધિકારીક પેજ પર મુકવામાં આવતા હતા. જેને 45 દેશોમાં રહેતા 7.47 કરોડ જેટલા ભાવિકોએ ઘરબેઠા મહાદેવના દર્શન-આરતીનો લાભ લીઘો છે. જેમાં વાત કરીએ તો સોશિયલ મીડિયાના માઘ્‍યમ પર સોમનાથ ટ્રસ્‍ટના ફેસબુક પેજ પરથી 2.72 કરોડ, ઇન્‍સ્‍ટાગ્રામ પરથી 1.64 કરોડ, યુ ટયુબ પરથી 2.22 કરોડ, ટવીટર પર 87 હજાર ભાવિકોએ દર્શનનો લ્‍હાવો લીધો છે. શ્રાવણ માસ સિવાય દર મહિને 6 કરોડ જેટલા ભકતો ઘરબેઠા લાભ લઇ રહ્યા છે.

ટ્રસ્ટને 7.99 કરોડની આવક થઈ

ચાલુ વર્ષે સોમનાથ મહાદેવાના પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે દર્શન કરનારા ભાવિકોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારાને અસર ટ્રસ્‍ટને થયેલી આવક પર પણ જોવા મળી છે. જે અંગે જીએમ ચાવડાએ જણાવ્યું કે, ચાલુ વર્ષે શ્રાવણ માસમાં મંદિર ટ્રસ્‍ટને કુલ રૂપિયા 7 કરોડ 99 લાખની આવક થઇ છે. જેમાં ગોલોખબોક્ષ થકી રૂપિયા 1.76 કરોડ, પૂજાવિધિ થકી રૂપિયા 1.50 કરોડ, પ્રસાદીના વેંચાણ થકી રૂપિયા 2.62 કરોડ (શ્રાવણ માસમાં પ્રસાદી અને સાહિત્‍ય વેંચાણમાં જોઇએ તો ભાવિકોએ મંદિર વિષેની માહિતી અંગેના પુસ્‍તકો સહિતની સામગ્રની રૂપ્યા 5,25,867 ની ખરીદી કરી છે. જયારે લાડુ પ્રસાદના વેંચાણ થકી રૂ.68,76,440, ચીકી પ્રસાદ રૂ.40,68,830, મગફળી ચીકી રૂ.23,86,575, મગસ પ્રસાદી રૂ.1,12,16,885, મહાપ્રસાદ કોમ્બો રૂ.16,35,450 ની આવક થઇ છે.), ડોનેશન રૂ.50.71 લાખ, વોક વે રૂ.1.50 કરોડ, ભોજનાલયો થકી રૂ.78 લાખ અને ટ્રસ્‍ટના ગેસ્‍ટહાઉસો થકી રૂ.94 લાખ મળી કુલ રૂ.7.99 કરોડની આવક થઇ છે. તો રૂ.5 કરોડ જેવો ખર્ચે પણ યાત્રી સુવિધાઓ પાછળ થયો છે. જયારે ગત વર્ષે શ્રાવણ માસમાં રૂ.2.50 કરોડ જેવી આવક મંદિર ટ્રસ્‍ટને થઇ હતી.

વાવાઝોડા દરમ્‍યાન અસરગ્રસ્તોને સહાય કરાઈઅત્રે નોંઘનીય છે કે, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણ લહેરીના માર્ગદર્શન હેઠળ કોરોના કાળ સમયે સ્થાનીક તેમજ વાવાઝોડા દરમ્‍યાન ત્રણ જિલ્લાઓમાં અસરગ્રસ્‍ત લોકોને અઢળક સહાય કરી લોકોના દુ:ખમાં પડખે ઉભા રહ્યા હતા. ચાલુ વર્ષે વરસાદને ઘ્‍યાને લઇ મંદિર પરીસરમાં પ્રથમ વખત જ યાત્રિકોને દર્શન કરવા જવાના પથ પર વોટરપ્રૂફ ડોમ, નિ:શુલ્ક રાત્રી નિવાસ માટે વોટરપ્રુફ ડોમની વિશાળ વ્યવસ્થા દાતાના સહયોગથી ટ્રસ્ટે ઉભી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...