જૂનાગઢ માંગે સસ્તો રોપ-વે:ગિરનાર રોપ-વેના કમરતોડ ભાવને લઇ સામાજીક સંસ્થા મેદાને આવી, કરણી સેનાએ કહ્યું ભાવ ઘટાડાશે નહીં તો જ્વલંત આંદોલન કરીશું

રાજકોટ2 વર્ષ પહેલા
  • 300થી 400 રૂપિયા જ ટિકિટનાં ભાવ હોવા જોઇએ તેવી માંગ

ગિરનાર રોપવેની ટિકિટનાં કમરતોડ ભાવને લઇ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં લોકોમાં વિરોધ ઉઠી રહ્યો છે. હવે સામાજીક સંસ્થાઓ પણ મેદાને આવી છે. સામાજીક સંસ્થાનું કહેવું છે કે જો ઉષા બ્રેકો કંપની રોપ-વેનાં ભાવમાં ઘટાડો નહી કરે તો નાછુટકે સામાજીક સંસ્થાઓને બહિષ્કારનો માર્ગ અપનાવવો પડશે. બીજી તરફ કરણી સેનાનું કહેવું છે કે જો ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જ્વલંત આંદોલન કરવામાં આવશે.

કરણીસેનાના અધ્યક્ષ જે.પી.જાડેજા, સામાજીક સંસ્થાના આગેવાન હરસુખભાઈ વઘાસિયા
કરણીસેનાના અધ્યક્ષ જે.પી.જાડેજા, સામાજીક સંસ્થાના આગેવાન હરસુખભાઈ વઘાસિયા

ટૂંક સમયમાં અમે જનઆંદોલન ચાલુ કરીશું- કરણીસેના
રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજાએ જણાવ્યું કે રોપવે ચાલુ થયો એ ખુબ આનંદની વાત છે. પણ રોપેવેનું સંચાલન કરતી કંપનીએ જે કમરતોડ ભાવ રાખ્યો છે, જેનો અમે વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ. આ ભાવ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. સાથે જ અમે કલેક્ટર સહિતના લોકોને આવેદનપત્ર આપીશું. આ કંપની પોતે સમજી લે કે ગુજરાતમાં તેની મનમાની નહીં ચાલે. સરકારને પણ કહેવા માંગુ છું કે ચૂંટણી નજીક છે અને લોકડાઉનના સમયમાં લોકો માટે આવો કમરતોડ ભાવ રાખવામાં આવશે તો સામાન્ય લોકો ગરવા ગિરનારની મુલાકાત લેવા નહીં જઈ શકે, ટૂંક સમયમાં અમે જનઆંદોલન ચાલુ કરીશું અને આ કંપની સામે વિરોધ કરીશું.

રોવપેના ભાવ ઘટાડવામાં નહીં આવે તો અમે બહિષ્કાર કરીશું- સામાજીક સંસ્થાના આગેવાન
સામાજીક સંસ્થાના આગેવાન હરસુખભાઈ વધાસિયાએ જણાવ્યું હતું કે રોપવે શરૂ થયો એ ખુશીની વાત છે. પણ તેના જે ભાવ છે તે મધ્યમ વર્ગના લોકોને પોસાય તેમ નથી. ભાવ વધારે હોવાથી સામાજીક સંસ્થાઓ વૃદ્ધોને દર્શન કરવા માટે લઈ શકતા નથી. રોપવેનો ભાવ 300-400 રૂપિયા હોવા જોઈએ. જો ભાવ નહીં ઘટે તો અમે બહિષ્કાર કરીશું

700 રૂપિયા જેટલી ટિકિટ હોવાથી દાતાઓને પણ ખર્ચનો બોજ વધી જાય છે- સામાજીક સંસ્થા
સામાજીક સંસ્થાઓનું કહેવું છે કે ગિરનાર રોપ-વેનાં ભાવ 300 થી 400 હોવા જોઇએ. ટિકિટનાં ભાવ ઘટાડવામાં નહીં આવે તો રોપ-વેનો બહિષ્કાર કરવાની નોબત આવશે. સામાજીક સંસ્થાઓ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃતિ થતી હોય છે. જેમાં વૃધ્ધો, દિવ્યાંગો, જરૂરીયાત મંદ લોકો, વિધવા મહિલાઓને આર્થિક સહાય પુરી પાડવામાં આવતી હોય છે. વર્ષમાં એકાદ વખત યાત્રાધામોનાં દર્શન પર કરાવે છે. હાલ રોપ-વે શરૂ થતા જરૂરીયાત મંદ લોકોને માં અંબાનાં દર્શન કરાવવાનું નકકી કર્યું હતું. જોકે રોપ-વે દ્વારા 700 જેટલા ભાવ રાખવામાં આવ્યો હોય જેના કારણે દાતાઓને પણ ખર્ચનો બોજ વધી જાય છે. પરિણામે જરૂરીયાતમંદ લોકોને દર્શન કરાવાનું પણ માંડીવાળવું પડ્યું છે.

જૂનાગઢની આ સંસ્થા મેદાને આવી

  • સત્યમ સેવા યુવક મંડળ : ભાવ લઇને ભારે રોષ છે. ભાવ ઘટશે નહીં તો બહિષ્કાર એકજ ઉપાય રહેશે.
  • બોલબાલા ટ્રસ્ટ: દિવ્યાંગ અને સિનીયર સિટીઝન માટે મફત હોવું જોઇએ. ભાવ ઘટાડો.
  • લેઉવા પટેલ મહિલા મંડળ : સેવા કરતી સંસ્થાને ટિકીટમાંથી બાકત રાખો. તાત્કાલી ભાવ ઘટાડો.
  • લાયન્સ કલબ જૂનાગઢ : ભાવ એટલા છે કે મહેમાને કઇ રીતે લઇ જવા. સામાન્ય ભાવ રાખવા જોઇએ.
  • જાગૃતીબેન ખારોડ ચેર.ટ્રસ્ટ : અમારી ઇચ્છા તો લોકોને બેસાડી લઇ જવાનાં હોય. તો ભાવ ન પરવડે.
  • સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન : ભાવ નહી ઘટે ત્યાં સુધી ટ્રસ્ટનાં એક પણ સભ્ય રોપ-વેમાં જશે નહીં.
  • સમસ્ત બ્રહ્મ યુવા મહિલા મંડળ: બહેનો સેવાકીય પ્રવૃતિ કરે છે. ત્યારે આ ભાવ યોગ્ય નહી. ભાવ ઘટવા જોઇએ.
  • શ્રી આહિર મહિલા મંડળ : રોપ-વેનાં ભાવ નહીં ઘટે ત્યાં સુધી અમે જશુ નહીં.અમે બહિષ્કાર કરી છીએ.

ભાવ ઘટાડવા માટે ફરી આંદોલનની જરૂર
ગિરનાર રોપ વે યોજના મંજુર કરાવવા માટે 2009માં રસ્તા રોકો આંદોલન થયું હતું. જેમાં સાધુ સંતો અને સર્વ પક્ષિય લોકો જોડાયા હતાં. ફરી ટિકિટનાં ભાવ ઘટાડવા મુદે આંદોલનની જરૂર છે. ભારત સાધુ સમાજે તે સમયે આગેવાની લીધી હતી. જેમાં તમામ લોકો જોડાયા હતા. ભાજપ કોંગ્રેસ તમામ ધર્મ સંસ્થાના લોકો આ આંદોલનમાં જોડાયા હતા. અને રોપવે યોજના મંજૂર કરવા લડત ચલાવી હતી.

રોપવેમાં GST માફ કરે : વેપારી
ઉદ્યોગને જેમ શરૂઆતમાં સરકાર 4થી 5 વર્ષ GSTમાંથી મુક્તી આપે છે. તેમ રોપ-વેમાં પણ GSTમાંથી મુક્તી આપવી જોઇએ. મહત્વનું છે કે ટિકિટનાં ઉંચા ભાવને લઇને ભારે ઉહાપોહ થતા ઉષાબ્રેકો કંપનીએ ભાવમાં સામાન્ય અને ટૂંકા સમય માટે ભાવ ઘટાડો કર્યો છે. જે પ્રજાને મંજૂર નથી. ત્યારે વધુ ભાવ ઘટાડો કરી લાંબા સમય માટે અમલી બનાવે તેવી માંગ કરી છે.

(અતુલ મહેતા-જૂનાગઢ)