વેરાવળના પોશ વિસ્તારની સોસાયટીમાં દવાખાનાના કામથી અમદાવાદ ગયેલા પરીવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂ.40 હજાર તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.18 લાખના મુદામાલની ચોરી કરી ફરાર થયા હતા. આ ચોરીની ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપવા તપાસ હાથ ધરી છે. દરમિયાન તસ્કરો જુનાગઢ એલસીબીના હાથે ઝડપાઇ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં 60 ફુટ રોડ ઉપર રહેતા દર્શનગીરી યશવંતગીરી અપારનાથીના પિતાને પેરાલીસીસની બીમારી હોવાથી તેઓ ગત તા. 28 મેના રોજ અમદાવાદ હોસ્પિટલે ઘર બંધ કરી ગયા હતા. દરમ્યાન ગત તા. 3 જૂનની રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તાળા તોડ્યાં હતાં. તેમણે અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલા કબાટનું લોક તોડી લોકરમાં રહેલો સોનાનો નેકલેસ દોઢ તોલા કિંમત રૂ. 37 હજાર 500, સોનાના નાના 2 પેન્ડલ અડધા તોલા કિંમત રૂ. 12 હજાર 500, રૂદ્રાક્ષના સોનાના મઢેલા 2 પારા, 1 આંકોડીયો તથા નાકમાં પહેરવાના સોનાના 5 દાણા મળી આશરે એક તોલા કિંમત રૂ. 25 હજાર અને ચાંદીના લક્ષ્મીજીની છાપ વાળા 8 સિક્કા રૂ. 1600, ચાંદીના 2 જોડી સાંકળા કિંમત રૂ. 1500 અને કબાટના લોકરમાં રહેલા રોકડા રૂ. 40 હજાર મળી કુલ રૂ. 1 લાક 18 હજાર 100ના રોકડ-મુદ્દામાલની ચોરી કરી હતી.
આ ચોરીની જાણ માલિકને બીજા દિવસે સારવાર કરાવી પરત ઘરે આવતાં થઈ હતી. જેથી આ અંગે ફરીયાદ કરતાં પોલીસે તસ્કરોને ઝડપવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ ચોરી કરનારા તસ્કરો જુનાગઢ એલસીબીએ એકાદ દિવસ પહેલા પકડી પાડ્યા હોવાનું પોલીસના સૂત્રો મારફતે જાણવા મળ્યું હતું. જેથી ત્યાં તપાસ પૂર્ણ થયા બાદ તસ્કરોને વેરાવળ લાવવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.