તસ્કરો ત્રાટક્યા:જૂનાગઢમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 1 હજાર ડોલર તેમજ દાગીના મળી કુલ 4 લાખના મુદ્દામાલની ચોરી

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરીવાર પ્રસંગમાં ઘર બંધ કરી બહાર ગયા અને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
  • પોલીસમાં ફરિયાદ નોંધાતા અજાણ્યા તસ્કરોને શોધવા પોલીસે તપાસ હાથ ધરી

જૂનાગઢમાં કોન્વેન્ટ સ્કુલ પાછળ રહેતા વકીલ અને તેનો પરીવાર ગઈકાલે બે કલાક સુધી ઘર બંધ કરી સાંજે પ્રસંગમાં ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. મકાનમાંથી એક હજાર ડોલર, તેમજ રોકડ રકમ તથા દાગીના મળી કુલ 4 લાખની માલ મતાની ચોરી કરી હતી. જેની જાણ પરત આવ્યા બાદ વકીલને થતા ચોરી અંગે ફરીયાદ નોંધાવી છે. જેથી પોલીસે તસ્કરોને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં આવેલ કોન્વેન્ટ સ્કુલ પાછળ ટેનામેન્ટ મકાનમાં રહેતા વકીલ સુભાષચંદ્ર માલદેવભાઈ ગલ અને તેમના પરીવાર સાથે ગઈકાલે મોડી સાંજે આઠેક વાગ્યે ઘર બંધ કરી બહાર પ્રસંગમાં ગયા હતા. બે કલાક બાદ રાત્રીના પરત ઘરે આવ્યાં ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર લાઈટો ચાલુ હતી જ્યારે પાછળનો દરવાજો પણ ખુલ્લો હતો. જેથી ઘરમાં જઇ તપાસ કરતા બેડરૂમનો કબાટ ખુલ્લો જોવા મળ્યો હતો અને તેમાં રાખેલા બે પર્સ ગાયબ હતા. આ બંન્ને પર્સમાં રૂ.3.25 લાખ રોકડા, 1 હજાર ડોલર અને એક સોનાનો ચેઇન, એક સોનાનો કરડો મળી કુલ રૂ.4 લાખની માલમતાની ચોરી થઈ હોવાનું જણાયુ હતું.

આ ચોરી અંગે વકીલ સુભાષભાઈએ ફરીયાદ કરતા સી ડીવીઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બે કલાક જ બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્યો છે. તો ચારેક દિવસ પહેલા પણ શહેરમાં સમી સાંજે એક મકાનમાં ઘૂસી લૂંટની ઘટના બની હતી. આમ ઉપરા છાપરી ઘટનાઓથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...