ચોરીનો પ્રયાસ:માંગરોળના આરેણામાં બેંકમાં પાછળની બારી તોડી તસ્કરો ઘૂસ્યા, કઇ હાથ ન લાગતા પથ્થર વડે એટીએમ તોડવા પ્રયાસ

જુનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરો ચોરીમાં નિષ્ફળ રહ્યા બાર ઓળખ છુપાવવા એટીએમના સીસીટીવી કેમેરાનું ડીવીઆર લઈ નાસી ગયા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામમાં આવેલી બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં ગતરાત્રીના અજાણ્યા શખ્સોએ પાછળની સાઈડની બારી તોડી ચોરી કરવા અંદર ઘૂસ્યા હતા, પરંતુ કંઈ હાથ ન લાગતા નાસીપાસ થઈ પથ્થર વડે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તસ્કરો ઓળખ છુપાવવા એટીએમના સીસીટીવીના ડીવીઆર અને હાર્ડ ડીસ્કની ચોરી કરી નાસી ગયા હતા. આ ચોરીના પ્રયાસ મામલે બેંક અધિકારીએ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ તાલુકાના આરેણા ગામમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં ગત મોડીરાત્રીના સમયે અજાણ્યા શખ્સો બિલ્ડીંગમાં પાછળની બાજુએ આવેલી બારી તોડી ચોરી કરવાના ઇરાદે અંદર ઘુસ્યા હતા. બેંકમાં ફાંફા ફોર કરેલ પરંતુ કંઈ હાથ લાગેલ ન હતુ. જેથી હતાશ થયેલ તસ્કરોએ બેંકના એટીએમમાં ઘૂસી પથ્થર વડે એટીએમ મશીન તોડવા પ્રયાસ કરેલ પરંતુ એટીએમ ન તુટતા કાંઈ હાથમાં આવ્યુ ન હતુ.

આ દરમિયાન રાત્રીના સમયે બેંકના નેટવર્ક ઓફિસર સાગર રાણપરીયાએ બેંક મેનેજર દેવાંગભાઈ જેઠાભાઈ રાઠોડને ફોન કરીને જાણ કરેલી કે, બેંકના એટીએમમાં કોઈ શખ્સો છેડછાડ કરી રહ્યા છે. જે અંગે જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ પણ ત્યા દોડી આવી તપાસ હાથ ધરી હતી. જેમાં બેંકમાંથી રોકડ કે અન્ય કોઈ વસ્તુ ચોરી થઈ ન હોવાનું અને તસ્કરો પાછળની બારીમાંથી અંદર આવ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે, તસ્કરો પોતાની ઓળખ છુપાવવા માટે એટીએમ રૂમમાં રહેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને હાર્ડ ડીસ્કની ચોરી કરી નાસી ગયા હતા. આ ચોરીના પ્રયાસ અંગે બેંક મેનેજર દેવાંગભાઇ રાઠોડે ફરિયાદ કરતા માંગરોળ મરીન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...