જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના લુશાળામાં ગઈકાલે ચેકીગ કરવા ગયેલી વીજટુકડી પર હુમલા મામલે પોલીસે સરપંચ સહિત છ શખ્સોને પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા જેલહવાલે કરવા હુકમ કર્યો હતો. આ મામલે પીજીવીસીએલ દ્વારા સરપંચ સામે પગલાં લેવા અંગે ડીડીઓને પત્ર લખી રજુઆત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વંથલી તાલુકાના લુશાળામાં ગઈકાલે વીજ ચેકીંગ કરવા ગયેલી ટુકડી પર સરપંચ સહિતના 40 થી 50 લોકોના ટોળાએ હુમલો કરી ચેકીંગ શીટ, સીઝર મેમો, કલીપઓન મીટર લૂંટી લીધું હતું અને વીજકર્મીઓને માર મારી ફરજમાં રૂકાવટ કરી ગાળો ધમકી આપી હતી. આ અંગે જુનિયર ઈજનેર ભરતભાઈ ભગવાનભાઈ કરમટાએ ફરિયાદ નોંધાવતા પોલીસે સરપંચ બટુક ડાંગર સહિતનાઓ સામે ગુનો દાખલ કર્યો હતો.
આ મામલે વંથલી પોલીસે સરપંચ બટુક ડાંગર, મોકા હીરા ડાંગર, રવિ ડાંગર, વિક્રમ સહિત છ શખ્સને પકડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલહવાલે કરવા હુકમ કર્યો હતો. ગઈકાલે વીજ ટુકડી પર હુમલાની ઘટના બાદ પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરે ડીડીઓને પત્ર લખી વીજચોરીમાં મદદગારી કરવા બદલ લુશાળાના સરપંચ બટુકભાઈ ડાંગર સામે કડક પગલા લેવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.