સિંહોનાં ટોળાં હોતાં નથી એ કહેવતને ખોટી પાડતો એક વીડિયો ગીર સફારીમાં ડેડકડી રેન્જ વિસ્તારમાંથી સામે આવ્યો છે. એ વીડિયો નિહાળીને આપ પણ કહેશો કે 'હા સિંહોનાં ટોળાં હોય છે.." આ વીડિયોમાં એકસાથે તેર-તેર ડાલામથાં ભીની માટીમાં ઠંડક માણતાં નજરે પડે છે.
13 સાવજોનું ગ્રુપ એકસાથે
ધોમધખતો ઉનાળો માનવી જ નહીં, વન્ય પ્રાણીઓ, ખાસ કરીને સાવજોને પણ અકળાવતો હોય છે. ત્યારે ગીર સફારીમાં ડેડકડી રેન્જ વિસ્તારમાં બુધવારે સાંજના સમયે એકસાથે 13 સાવજોનું ગ્રુપ વોટર પોઇન્ટની ટાંકીમાંથી છલકાયેલા પાણીથી ભીની થયેલી માટીની ઠંડક માણતું જોવા મળ્યું હતું, જેનો વીડિયો સફારી ગાઈડ જીતુ સિંધવે કેમેરામાં કેદ કર્યો છે.
વન વિભાગ દ્વારા પાણીની ખાસ તકેદારી રખાય છે
ઉનાળાની સીઝનમાં ગીર જંગલ વિસ્તારમાં આવેલા કુદરતી પાણીના પોઈન્ટો સુકાઈ જતા હોય છે, જેથી સિંહ, દીપડા સહિતનાં વન્યપ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા ન રહે એ માટે વન વિભાગ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે કુદરતી અને આર્ટિફિશિયલ મળી 500 જેટલા પાણીના પોઇન્ટો સમગ્ર જંગલ વિસ્તારમાં ઊભા કરી ભરવામાં આવે છે. આ પોઈન્ટમાં વોટર ટેન્કર, સોલર પંપ અને પવનચક્કીથી નિયમિત ભરવામાં આવે છે. ઉનાળાની સમગ્ર સીઝન દરમિયાન સિંહ સહિતનાં વન્યપ્રાણીઓ આ પાણી ભરાતા પોઈન્ટો પરથી તરસ છીપાવે છે. અહીં ઘણીવાર એકસાથે અનેક સિંહો જોવા મળે છે, એ પૈકીનું આ એક દૃશ્ય છે.
સાવજોની એકસાથે ઝલક તસવીરમાં જોઈએ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.