આદેશનો ઉલાળિયો:રાત્રીનાં 12 વાગ્યે દુકાનો બંધ કરાવી રાજ્ય સરકારના આદેશનો ઉલાળિયો

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોવિસ કલાક દુકાનો ખુલી રાખવા રાજ્ય સરકારે શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કર્યો હતો
  • કોની સૂચનાથી પોલીસ દુકાનો બંધ કરાવે છે? આવી કામગીરી સામે જિલ્લા વહિવટી તંત્ર કેમ આંખ મિચામણાં કરે છે?

ગુજરાતમાં દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે તેવા મોટા બેનર હેઠળ વિજયભાઈ રૂપાણી સરકારમાં - રાજ્ય સરકારે શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કર્યો હતો. સુધી મોડી રાતના 12 વાગ્યા પછી દુકાનો બંધ રખાતી હતી તેમાં 2019 માં નવા કાયદા હેઠળ નિયમ બદલી અને શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદા હેઠળ ગુજરાતભરમાં હોટલો,મોલ-રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે અને ધંધો કરી શકાશે તેવો શ્રમ અને રોજગાર વિભાગે આ માટે શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં ખાસ સુધારો કર્યો હતો.2019 માં અનેક શહેરોમાં રાત્રીના બાર વાગતાં જ પોલીસે બજારો બંધ કરાવવાની ફરજ પડતી હતી. જોકે, રેલ્વે સ્ટેશન,બસ સ્ટેન્ડ, એરપોર્ટ પર 24 કલાક ટ્રાફિક ધમધમતો હોય છે.

2019 માં પસાર કરેલ કાયદા હેઠળ 24 કલાક દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને લેવાનો હેતુ વેપારીઓ અને ગ્રાહકો બંન્નેને ફાયદો થાય તે છે. મોડી રાત્રે લોકો ખાણીપીણીનો આનંદ માણી શકે સાથે સાથે ખરીદી પણ કરી શકે અને રિટેલ માર્કેટમાં ક્રાંતિ સર્જાય, લોકોને રોજગારી પણ મળી રહે, ગ્રાહકો પોતાના અનુકુળ સમયે ખરીદી કરી શકે, જેના લીધે ધંધા રોજગારને વેગ-પ્રોત્સાહન સાંપડે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવેલ હતો.

આ નિર્ણય જાહેર કરી સરકારે એવા નિયમો પણ ઘડયાં છેકે,રાત્રે ઓવરટાઇમ કરનારાંને ડબલ પગાર ચૂકવવો પડશે.મહિલા કર્મચારીઓને સવારે 6થી રાત્રીના 9 વાગ્યા સુધી નોકરી પર રાખી શકાશે.જયાં 30થી વધુ મહિલા કર્મચારી હોય ત્યાં ઘોડિયાઘરની પણ વ્યવસ્થા કરવાની રહેશે. જો 100થી વધુ કર્મચારી હશે તો,કેન્ટીનની ય સુવિધા ઉભી કરવી પડશે.જે દુકાન કે રેસ્ટોરન્ટમાં 10થી ઓછાં કર્મચારી હશે તેને રજીસ્ટ્રેશન કરવું નહી પડે.

આ કાયદાનો અમલ થયા બાદ પોલીસ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી રાત્રીના સમયે દુકાનો કે બજાર બંધ કરાવી શકશે નહીં. સરકારે ખાતરી ઉચ્ચારી છે કે,આવારા તત્વો જો દુકાનદારોને રાત્રે હેરાન કરશે તો કાયદો કાયદાનું કામ કરશે. ઉપરાંત વેપારીઓ અને કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને જોગવાઇ કરવામાં આવી છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ માટે બિનજરૂરી 1948ના કાયદાની જોગવાઇઓને રદ પણ કરવામાં આવી છે.

જોકે તેમ છત્તાં ભવનાથ સહિત જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં રાત્રિના 12 પછી પોલીસ દ્વારા દુકાનો બંધ કરાવાય છે ! ત્યારે લોકોના મનમાં આશ્ચર્ય થાય છે કે, કઇ રીતે અહિં રાજ્ય સરકારના આદેશનો ઉલાળ્યો કરાય છે?! વળી, પોલીસ કર્મીઓ કોના આદેશના આધારે રાત્રિના 12 પછી દુકાનો બંધ કરાવે છે? આ માટે કોઇ નિયમ છે ખરો? હોય તો જનતાના હિતાર્થે જાહેર કરવો જોઇએ. અન્યથા આવી કામગીરી બંધ કરાવવી જોળએ. જોકે, અહિં તો પોલીસની કામગીરી સામે જિલ્લા વહિવટી તંત્ર પણ મૂક પ્રેક્ષક બની રહ્યું છે! ત્યારે જિલ્લા વહિવટી તંત્ર કેમ આવી કામગીરી સામે આંખ મિચામણાં કરી રહ્યું છે?

કયાં ક્યાં ૨૪ કલાક દુકાનો ખુલ્લી રહેશે? - મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો(શહેરો), નેશનલ હાઇવે, રેલ્વે પ્લેટફોર્મ, એસટી સ્ટેન્ડ,પેટ્રોલપંપ પાસેની દુકાનો. નગરપાલિકા,સ્ટેટ હાઇવે પરની દુકાનો રાત્રીના બે વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેવી પણ આ કાયદામાં જોગવાઈ કરવામાં આવેલ હતી.

સરકારે પરિપત્ર બદલવો જોઇએ - પોલીસ રાત્રિના 12 પછી દુકાન બંધ કરાવતી હોય તો સ્વાભાવિક જ કોઇકની સૂચના હોય તો જ કામગીરી કરતી હોય. આખી રાત્રિદુકાનો ખુલી રાખવાના બદલે રાત્રિના 12 વાગ્યે બંધ કરવાની હોય તો સરકારે નવો પરિપત્ર બહાર પાડવો જોઇએ. > ભાવેશભાઇ વેકરીયા.

પ્રજાને સુરક્ષા આપવાના બદલે ઘરે મોકલી દેવા કેટલે અંશે યોગ્ય?
પોલીસે પ્રજાને સુરક્ષા આપવી જોઇએ તેને બદલે પરાણે ઘરે મોકલી દે તે કેટલે અંશે વ્યાજબી છે? ખરેખર તો ત્રિપલ સવારી, ચિત્ર વિચિત્ર હોર્નવાળા વાહનો તેમજ મોટા અવાજ કરતા સાઇલેન્સર વાળા વાહનો લઇને ધૂમ સ્ટાઇલમાં નિકળતા આવારાતત્વોને સજા કરવી જોઇએ, નહિ કે શાંતિથી બેઠેલા લોકોને. > અમૃતભાઇ દેસાઇ.

પ્રવાસીની સલામતી માટે કાર્યવાહી જરૂરી - પોલીસ દ્વારા રાત્રિના 12 પછી ભવનાથમાંથી લોકોને ઘરે મોકલી દેવાય છે કે, દુકાનો બંધ કરાવી દેવાઇ છે તે આવનાર પ્રવાસીની સલામતી માટેની કાર્યવાહી છે. કારણ કે રાત્રિના સમયે ગિરનાર ચડવા મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. ત્યારે ભીડ, ટ્રાફિકજામની સમસ્યા ન સર્જાઇ તે માટે આ કામગીરી જરૂરી છે. માત્ર ભવનાથમાં જ નહિ શહેરના ટીંબાવાડી, ઝાંઝરડા, મોતીબાગ, ભૂતનાથ, બસ સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા આ કાર્યવાહી કરાય છે. દુકાન બંધ કરાવવા અંગે કોઇ વેપારીએ ફરિયાદ કરી નથી. > હિરેનભાઇ રૂપારેલીયા.

અન્ય સમાચારો પણ છે...