ખુશીયાં મનાઓ દિવાળી આવી:કપડાં, બૂટ, કલર, ફટાકડાં, તોરણ, મુખવાસની ધૂમ ખરીદી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ, કેશોદ,તાલાલા, વેરાવળ, કોડીનાર, ઊના સહિત સમગ્ર સોરઠમાં આજથી દિવાળીના તહેવારનો માહોલ
  • આજે ધનતેરસ :શુભ મુહૂર્તમાં ચોપડા, સોના, ચાંદીની વસ્તુ ખરીદવા માટે પણ લોકો ઉમટી પડશે

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં ધનતેરસથી દિવાળીના પવિત્ર તહેવારનો શુભારંભ થશે. ધનતેરસથી લઇને છેક લાભ પાંચમ સુધી તહેવારોની ભરમાર રહેશે. લોકો તહેવારની ઉજવણીમાં મશગૂલ બની ગયા છે. પરિણામે ગામે ગામ, શહેરે શહેરમાં દિવાળીની વસ્તુની ખરીદી માટે બજારોમાં ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને સાંજના સમય બાદતો બજારોમાં ખરીદી માટે એટલા લોકો ઉમટી પડે છે કે, જાણે બજારો સાવ સાંકડી લાગવા લાગે છે.

બજારોમાં મેળાની જેમ માનવ મહેરામણ ઉમટી પડે છે. લોકો ખાસ કરીને કપડાં, બુટ, ચપ્પલ, ફટાકડાં, કટલેરી, મિઠાઇ, ફરસાણ, તોરણ, મુખવાસ, રંગોળીના કલર, વિવિધ પ્રકારની લાઇટીંગ વાળી સિરીઝોની ધૂમ ખરીદી કરી રહ્યા છે. જૂનાગઢ ઉપરાંત કેશોદ, તાલાલા, વેરાવળ, કોડીનાર, ઉના સહિતના સમગ્ર સોરઠ પંથકમાં દિવાળીના તહેવારોને લઇ બજારોમાં રોનક જોવા મળી રહી છે. ગત વર્ષે કોરોનાના કારણે વેપાર ધંધા ઠપ્પ રહ્યા હતા. ચાલુ વર્ષે બીજી લહેર લગભગ સમાપ્ત થઇ ગઇ છે. ત્યારે સરકારે આપેલી છૂટછાટના કારણે વેપારીઓના જીવમાં પણ જીવ આવ્યો છે.

પરિણામે અવનવી વેરાઇટીની વેપારીઓએ ખરીદી કરી હતી. ત્યારે હાલ બજારમાં જે રીતે ખરીદદારી થઇ રહી છે તે જોતા વેપારીઓને આ વર્ષ જરૂર ફળશે. જ્યારે લોકો પણ કોરોનાની કેદમાંથી માંડ બહાર આવ્યા હોય મનભરીને તહેવારોને મનાવી લેવા થનથગની રહ્યા છે. પરિણામે લોકો સાવ ખુલ્લા મને દરેક આઇટમોની ખરીદી કરી રહ્યા છે. દરમિયાન મંગળવારે ધનતેરસ હોય લોકો શુભ મુહૂર્તમાં ચોપડા, સોના, ચાંદીની વસ્તુની પણ ખરીદી કરશે. આમ, ધનતેરસથી લઇને છેક લાભ પાંચમ સુધી તહેવારને મનાવવામાં લોકો લીન થયા છે.

પોલીસનો ચાંપતો બંદોબસ્ત
દિવાળી દરમિયાન લોકો શાંતિથી ખરીદી કરી શકે તેમજ દિવાળીનો તહેવાર શાંતિથી ઉજવી શકે તે માટે પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

નૂતન વર્ષે અનેક મંદિરોમાં ભગવાનને અન્નકુટ ધરાશે
5 નવેમ્બર 2021ને શુક્રવારના નૂતન વર્ષે દાણાપીઠમાં આવેલ પ્રાચિન મહાલક્ષ્મી માતાજીનું મંદિર, જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્ય મંદિર,છાયા બજારમાં આવેલા જગન્નાથજીના મંદિરે તેમજ પંચહાટડીમાં આવેલ નગરશેઠની હવેલીમાં નવ નિર્મિત મહાલક્ષ્મી માતાજીના મંદિરે અન્નકોટ ધરવામાં આવશે.

ધનતેરસ : ચોપડા ખરીદવાના મુહૂર્ત
2 નવેમ્બર 2011 મંગળવારે ધનતેરસ છે જેનો પ્રારંભ સવારે 11:31થી થાય છે અને પુર્ણાહૂતિ બુધવારે સવારે 9 :02 મિનીટે થશે.ધનતેરસે ચોપડા ખરીદવા, પૂજા કરાવવા શુભ મુહૂર્તો સવારે11:31 થી બપોરે 1: 56 સુધી ચલનો અમુક ભાગ તેમજ લાભ અને અમૃત ચોઘડીયા છે.બપોરે 3:20થી 4:44 સુધી શુભ ચોઘડીયું, રાત્રે 7:42થી 9 :18 મિનીટ સુધી લાભ ચોઘડીયું જ્યારે રાત્રે 10:54થી મધરાતે 3:42 સુધી શુભ, અમૃત અને ચલ ચોઘડીયું છે. જ્યારે બુધવારે સૂર્યોદય પછી સવારે 6:56 મિનીટથી સવારે 9 :02 મિનીટ સુધી લાભ તેમજ અમૃત ચોઘડીયાનો અમુક ભાગ છે.

દિવાળી
4 નવેમ્બર 2021 ગુરૂવારના દિવાળી હોય શારદા પૂજન માટેના શુભ મુહૂર્તોમાં સવારે 6:56 મિનીટથી 8:20 સુધી શુભ, 11:08થી બપોરના 3:20 સુધી ચલ, લાભ, અમૃત ચોઘડીયું, 4:44 થી સાંજના 6:08 સુધી શુભ, 6:08થી રાત્રીના 9:20 સુધી અમૃત તેમજ ચલ ચોઘડીયું છે. રાત્રે 12:32થી 2:08 સુધી લાભ ચોઘડીયું રહેશે.

નૂતન વર્ષ
5 નવેમ્બર 2021 શુક્રવારે કારતક સુદ એકમ સાથે વિક્રમ સવંતના નવા વર્ષ 2078નો પ્રારંભ થશે. નૂતન વર્ષે ચોપડામાં મિતી પધરાવવાના મુહૂર્તોમાં દિવાળીની પાછલી(ગુરૂવારની) રાત્રીના 3 :44 મિનીટથી બીજા દિવસે સવારે 6:56 સુધી શુભ તેમજ અમૃત ચોઘડીયું, સૂર્યોદય પછી શુક્રવારે 6:56થી સવારે 11:08 સુધી ચલ, લાભ તેમજ અમૃત ચોઘડીયું રહેશે.

ભાઇબીજ, લાભપાંચમ
ભાઇબીજ 6 નવેમ્બર શનિવારે મનાવાશે જ્યારે લાભ પાંચમ 9 નવેમ્બર 2021ના મંગળવારે મનાવવામાં આવશે. જ્યારે 10 નવેમ્બર 2021ને બુધવારે જલારામ જયંતિ મનાવાશે. આ તમામ મુહૂર્ત જ્યોતિષી દિનેશ અનંતરાય ભટ્ટે આપેલા છે.

અન્ય સમાચારો પણ છે...