નિર્ણય:શેરી ગરબીને મંજુરી મળી પણ મનપા સિમેન્ટ, ગ્રીટ નહિ આપે!

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ ઓટા બનાવવા સિમેન્ટની થેલી, ગ્રિટનું ટ્રેકટર અપાતું હતું

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી પ્રાચિન શેરી ગરબીને ઓટા બનાવવા સિમેન્ટની થેલીઓ અથવા ગ્રિટ અપાતી હતી. ગત વર્ષે તો ગરબાને મંજૂરી મળી ન હતી પરંતુ આ વર્ષે શેરી ગરબાને મંજૂરી મળી છત્તાં મનપા મહાનગરપાલિકા સિમેન્ટ કે ગ્રિટ નહી આપે !આ અંગે મળતી વિગત મુજબ મહાનગરપાલિકા પ્રાચિન શેરી ગરબીઓને ઓટા બનાવવા માટે સિમેન્ટની 5 થેલી અથવા ગ્રિટનું ટ્રેકટર આપતી હતી. વર્ષ 2017માં કુલ 201 શેરી ગરબીઓની મહાનગરપાલિકામાં નોંધણી થઇ હતી. આમાંથી 184 શેરી ગરબીઓને સિમેન્ટની 5-5 થેલી અપાઇ હતી જ્યારે 17 શેરી ગરબીને ગ્રિટના ટ્રેકટર અપાયા હતા.

દરમિયાન 2018માં નિયમ બદલાયો હતો જેમાં સિમેન્ટની થેલી કે ગ્રિટનું ટ્રેકટર દેવાને બદલે રૂપિયા 1,000 દેવાનું નક્કી કરાયું હતું. વર્ષ 2018માં માત્ર 152 ગરબીની જ નોંધણી થઇ હતી જેને મનપા દ્વારા એક એક હજારના ચેક અપાયા હતા. બાદમાં 2019માં ફરી સિમેન્ટની થેલી અને ગ્રિટ દેવાનું નક્કી થયું હતું. ત્યારે મહાનગરપાલિકામાં 127 શેરી ગરબી નોંધાઇ હતી જેને સિમેન્ટની થેલી અથવા ગ્રિટ અપાઇ હતી.

દરમિયાન 2020માં કોરોનાના કારણે ગરબી બંધ રહી હતી. જ્યારે 2021માં શેરી ગરબીને મંજૂરી મળી છે, પરંતુ આ વખતે રોકડ કે સિમેન્ટની થેલી કે ગ્રિટ એવું કાઇ દેવાનું નક્કી થયું નથી! આ માટે ઠરાવ જ થયો ન હોય શેરી ગરબીને આ વર્ષે સરકારની મંજૂરી છત્તાં મનપા તરફથી કંઇ મળશે નહિ.

પ્રાચિન શેરી ગરબીની સંખ્યામાં થતો ચિંતાજનક ઘટાડો
વર્ષ 2017માં જૂનાગઢના વિવિધ 201 સ્થળો પર પ્રાચિન શેરી ગરબીઓ થતી હતી. આ સંખ્યા 2018માં ઘટીને 152 થઇ ગઇ હતી અને 2019માં 127 થઇ ગઇ છે. દરમિયાન 2020માં કોરોનાના કારણે ગરબી થઇ ન હતી. ત્યારે આ વર્ષે સરકારની મંજૂરી બાદ પ્રાચિન શેરી ગરબીની સંખ્યા વધે છે કે ઘટે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...