શાપુર- સરાડીયા ટ્રેન રાજાશાહી સમયથી નવાબે શરૂ કરી હતી. આ ટ્રેન છેલ્લા 39 વર્ષ 5 માસ અને 8 દિવસથી બંધ છે. આ ઉપરાંત 30 વર્ષ પહેલા રેલવે તંત્રએ શાપુરથી સરાડીયા સુધીના રેલવે પાટા સુધીનું લીલામ કરી નાંખતા આજે રેલવે સ્ટેશનના મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. આ અંગે રાકેશ લખવાણીએ કહ્યું હતુ કે, જૂનાગઢના નવાબ રસુલખાને 110 વર્ષ પહેલા આ ટ્રેન શરૂ કરી હતી. જે લોકો માટે ખુબ જ ઉપયોગી થતી હતી. આ સાથે માણાવદર- બાંટવા પંથક કપાસ માટે જાણીતો હોય કપાસની ગાંસડી પણ ગુડઝ ટ્રેન મારફત વિવિધ જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી.
વર્ષ 1977, 78માં આ ટ્રેન કોલસાના બહાના હેઠળ બંધ કરી દેવાઈ હતી. એ સમયે પણ રાકેશભાઈ લખવાણીએ અનશન શરૂ કરી ટ્રેન શરૂ કરાવી હતી. જો કે, બાદમાં 1980માં પણ આ સ્થિતીનું નિર્માણ થયું હતું. તેમજ 22 જુન 1983માં સોરઠ પંથકમાં તારાજી થતા શાપુર- વંથલી અને મેઘપુર ગામ વચ્ચેના ટ્રેકમાં ધોવાણ થયા બાદ આજદીન સુધી ટ્રેન શરૂ થઈ નથી.
એ સમયે 5 લાખના ખર્ચે ટ્રેકનું સમારકામ પણ કરાયું હતું. જ્યારે વધુમાં મળતી વિગત મુજબ ત્યાર બાદના સમયાંતરે પાટાની હરાજી પણ કરાઈ હતી. અને થોડા વર્ષ પહેલા ટ્રેન શરૂ કરવાની વાતો વહેતી થઈ હતી. અને સર્વે પણ હાથ ધરાયો હતો. પરંતુ ટ્રેન શરૂ થયેલ નથી. આ ટ્રેનને જૂનાગઢથી વાયા સરાડીયા, રાણાવાવ સાથે જોડી હાપાટ્રેન સાથે જોડવાની માંગ પણ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.