શહેરના વોર્ડ નંબર 11 માં છેલ્લા 15 દિવસથી તળાવના બ્યુટીફિકેશનની કામગીરીના કારણે નર્મદેશ્વર મહાદેવની બાજુમાં આવેલ વોકળાનું પાણી બ્લોક કરી દેવામાં આવ્યું છે. પરિણામે વોકળો આખો ભરાઈ ગયેલ છે. હવે ધીમે ધીમે ગટરનું પાણી ભૂગર્ભ જળની સાથે મિશ્રિત થવા માંડ્યું છે.જેને લીધે એકતોબોર, કુવાના પાણીમાં પણ દુર્ગન્ધ આવવા માંડી છે. બીજું પાણી સ્થિર થઈ જવાને લીધે તેમાં મચ્છરનો અસહ્ય ઉપદ્રવ શરૂ થઈ ગયો છે.
ઘરના બારી દરવાજા એક સેકન્ડ માટે પણ ખુલ્લા રાખી શકાતા નથી. ફળિયામાં કે પેસેજમાં બેસી શકાય એવી સ્થિતિ નથી. જો આમને આમ થોડા દિવસ વધારે થયું તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતી છે. આ અંગે કોર્પોરેટર, સીટી એન્જિનિયર અલ્પેશભાઇ ચાવડાને તેમજ બ્યુટીફિકેશનની કામગીરી માટે નિમવામાં આવેલ દીપભાઈ થાબલીયાને પણ જાણ કરી આ વાત ધ્યાને દોરવામાં આવેલ છે. જોકે, તેમ છતાં હજુ ગંભીરતા લેવાતી નથી. આ પાણી વધારે પડતું બોર,કુવાની સાથે ભળી જશે તો પાણીનો પીવા માટે તો ઠીક નહાવા માટે ઉપયોગ કરવો પણ અશક્ય થઈ જશે.
આ બાબતની ગંભીરતાને સમજી યુદ્ધના ધોરણે વોકળાનું પાણી ડાયવર્ટ કરવામાં આવે તેવી માંગ છે. જો તેમ કરવામાં નહિ આવે તો ના છુટકે આંદોલનનો માર્ગ લેવો પડશે અથવા તો આ એરિયામાંથી મોટેપાયે લોકોને હિજરત કરવી પડશે તેવી સ્થિતી નિર્માણ પામી છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ કામગીરી શરૂ કરીને આ વિસ્તારની જનતાને ગટરના પાણી અને મચ્છરના ત્રાસથી બચાવે તેવી વોર્ડ નંબર 11ના સ્થાનિક રહેવાસીઓની માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.