કોંગ્રેસને ઝટકો:દિવ મ્યુનિસિપલ કોર્પોરેશનના સતાધારી કોંગ્રેસના સાત સભ્‍યો ભાજપમાં જોડાયા

દિવ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના પ્રભારીએ સાતેય કોંગી કાઉન્‍સીલરો અને તેમના ટેકેદારોને ભગવો ખેસ-ટોપી પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્‍યો

સંઘપ્રદેશ દિવ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર એક દાયકાથી શાસન કરતી કોંગ્રેસ સાથે ખેલા હોબે થયો હોય તેમ સાત કોંગી સભ્‍યોએ એકાએક ભાજપમાં પ્રવેશ કરી ભગવો ખેસ અને ટોપી પહેરતા રાજકારણ ગરમાયુ છે. આજે દિવ-દમણના ભાજપ પ્રભારીની હાજરીમાં યોજાયેલા સમારોહમાં સાતેય કોંગ્રેસના સભ્‍યોએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો છે. આમ, આગામી બેએક મહિનામાં આવી રહેલ દિવ મ્‍યુનસીપાલટીની ચૂંટણી પહેલા સંઘપ્રદેશ દિવ કોંગ્રેસ મુકત થઇ રહ્યાનો દાવો ભાજપના નેતાઓ કરી રહ્યા છે.

છેલ્‍લા એક દાયકાથી સંઘપ્રદેશ દિવ શહેરની મ્યુનસીપાલીટી કોંગ્રેસના કબજામાં હતી. હાલ પણ દિવ મ્‍યુનસીપાલીટીમાં કોંગ્રેસના 10 અને ભાજપના 3 સભ્‍યો હતા. હવે દિવ મ્‍યુનસીપાલટીની ચૂંટણી આડે ગણતરીના મહિનાઓ જ બાકી છે. એવા સમયે જ સતાઘારી કોંગ્રેસ પક્ષના સાત સભ્‍યોએ એકી સાથે ભાજપમાં જોડાતા સંઘપ્રદેશના રાજકારણમાં રાજકીય ભુકંપ સર્જાયો છે. આ સભ્‍યોને પ્રવેશને લઇ આજે ઘોઘલા ફીશરમેન શેડ ખાતે સંઘપ્રદેશ દિવના ભાજપ પ્રભારી વિજયાબેન રાહતકરના અઘ્‍યક્ષસ્‍થાને સમારોહ યોજાયો હતો. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાઉન્‍સીલરોમાં હરેશ પાંચા કાપડીયા, દિનેશ સાકર કાપડીયા, રવિન્‍દ્ર દેવાગી સોલંકી, નિકીતાબેન દેવાંગ શાહ, ભાજનાબેન પ્રદિપ દુઘમલ, રંજનબેન રાજુ, ભાગ્‍યવંતીબેન ચુનીલાલ સોલંકીને ભાજપના આગેવાનોએ ભગવો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવેલ હતો. આ સાથે સાતેય કાઉન્‍સીલરોના મોટી સંખ્‍યામાં ટેકેદારો તથા ઉષા મહિલા મંડળના પ્રમુખ હેમાક્ષીબેન રાજેશભાઇ રાજપુત તેમના સાથીદારોને પણ ખેસ પહેરાવી પક્ષમાં પ્રવેશ કરાવ્‍યો હતો.

આ તકે દિવના પ્રભારી વિજયાબેન રાહતકરએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સભ્‍યો વડાપ્રઘાન મોદીજીની વિકાસની રાજનિતીથી પ્રભાવિત થઇ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ મુકત દેશ થઇ રહ્યો છે એવા સમયે આજે સંઘપ્રદેશ દિવ સંપૂર્ણ કોંગ્રેસ મૂક્ત બની ગયો છે. લોકોની અપેક્ષા કોંગ્રેસના શાસકો પુરી કરી શકયા ન હોવાથી આજે કોંગ્રેસના કાઉન્‍સીલરો ભાજપમાં જોડાયા છે. દિવ શહેરના વિકાસ માટે ભાજપ કટીબઘ્‍ઘ હોય આગામી દિવસોમાં ડબલ એન્‍જીનની સરકાર થકી દિવના સર્વાગી વિકાસને વઘુ ગતિ મળશે.

આજના કાર્યક્રમમાં ખારવા સમાજના શિક્ષ‍િત યુવાન ભવ્‍યેશ રામજીભાઇ ચૌહાણની તથા નાગવાના અગ્રણી મોહનભાઇ બામણીયાની દિવ જીલ્‍લા ભાજપના મહામંત્રી તરીકે નિયુકતી કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. જેના પગલે ખારવા સહિતના સમાજમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે. આ કાર્યક્રમામં સંઘપ્રદેશ દિવ-દમણના પ્રદેશ અઘ્‍યક્ષ દિપેશભાઇ ટંડેલ, ઉપાઘ્‍યક્ષ કિરીટ વાજા, દિવ જી.પ.પ્રમુખ અમૃતાબેન બામણીયા, જીલ્‍લા ભાજપ પ્રમુખ બિપીન શાહ, મંત્રી જજ્ઞેશ પટેલ, હિનાબેન સોલંકી, શશીકાંત સોલંકી, રામજીભાઇ પારસમણી સહિત મોટી સંખ્‍યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્‍થ‍િત રહ્યા હતા.

આમ, કોંગ્રેસના કબજામા રહેલી દિવ મ્‍યુનસીપાલીટીના 7 કોંગી સભ્‍યો ભાજપમાં જોડાતા હવે ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 3 સભ્‍યો જ બચ્યા છે. જ્યારે દિવ મ્‍યુનીસીપાલીટીના પ્રમુખ સામે આવક કરતા વધું સંપતિનો કેસ હોવાના કારણે તેમને લાંબા સમયથી સસ્પેન્ડ કરાયા છે. ત્‍યારે કોંગ્રેસના સાત સભ્‍યોનું જૂથ પલ્ટી જતા સંઘપ્રદેશ દિવમાં કોંગ્રેસ તુટી ગઈ છે. ત્‍યારે સંભવત: આગામી જુન માસમાં દિવ મ્‍યુનસીપાલીટીની ચુંટણી સમયે ભાજપે બાજી પલ્ટી નાંખી બિનહરીફ કરાવવા અત્‍યારથી જ કમ્‍મર કસી રહ્યુ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...