માવઠું વરસ્યું:જૂનાગઢ, મેંદરડા અને તાલાલાના ધાવા-ઉમરેઠી ગીર ગામમાં કમોસમી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

જૂનાગઢ2 મહિનો પહેલા
  • સવારથી સૂર્યનારાયણની ગેરહાજરી વચ્ચે ધાબળીયુ વાતાવરણ છવાયેલું જોવા મળ્યું
  • કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી

સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે બુધવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ ઠંડકભર્યુ વાતાવરણ અમુક તાલુકામાં છવાયું હતું. જેમાં આજે ગુરૂવારે વહેલી સવારે જૂનાગઢ, મેંદરડા અને તાલાલા ગીર તાલુકામાં અને ગામોમાં કમોસમી વરસાદનું માવઠું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદ વરસવાના એંધાણના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી હતી.

રાજ્યના હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી મુજબ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. જેમાં ગઈકાલે બપોરે તડકા બાદ એકાએક સાંજથી જ બંન્ને જિલ્લાના ઘણા શહેરો અને વિસ્તારોમાં ધાબળીયું વાતાવરણ છવાયું હતુ. ગતરાત્રી દરમિયાન અને આજે વહેલી સવારમાં જૂનાગઢ શહેરમાં મધુરમ સહિતના વિસ્તારોમાં તથા મેંદરડા શહેર અને ગીર સોમનાથના તાલાલા ગીર પંથકના ધાવા અને ઉમરેઠી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદના ઝાપટા માવઠા રૂપી વરસ્યા હતા. જેના લીધે મકાનોની અગાસી અને રસ્તાઓ ભીના થઈ ગયેલા જોવા મળ્યા હતા.

બંન્ને જિલ્લાના અમુક વિસ્તારોમાં પડેલા માવઠાના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે બંન્ને જિલ્લાના ઘણા શહેરો-વિસ્તારોમાં પણ આજે ગુરૂવારે સવારથી સૂર્યનારાયણની ગેરહાજરી વચ્ચે ધાબળીયુ વાતાવરણ છવાયેલું જોવા મળ્યું હતુ. એકાએક પડેલ માવઠાના લીધે ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જન્મી હતી. તો હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ સુધી આવા જ ધાબળિયા વાતાવરણ વચ્ચે માવઠું વરસવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...