તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબાહી ડ્રોનની નજરે:આકાશી સુનામીનાં દૃશ્યો, માણાવદર પંથકમાં ધોધમાર વરસાદથી ભાદર નદીનાં પાણી ખેતરોમાં અને હાઇવે પર ફરી વળ્યાં

માણાવદર7 દિવસ પહેલા
  • પંથકનાં ખેતરોમાં મગફળી સહિતના પાકોને ભારે નુકસાન
  • નાનાં-મોટાં તમામ વાહનો માટે બે દિવસ સુધી હાઇવે બંધ હતો

જૂનાગઢ જિલ્લામાં બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો, જેને પગલે અનેક ડેમો અને નદી-નાળાં છલકાઈ ગયાં છે. ત્યારે જૂનાગઢ-પોરબંદરને જોડતા મુખ્ય હાઇવે પર માણાવદર તાલુકાના સરાડિયા ગામ પાસે ભાદર નદીનાં પાણી ફરી વળ્યાં હતાં, જેને લીધે હાઇવેનું પણ ધોવાણ થયું હતું. હાઇવે તથા આસપાસનાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલું હોવાથી હાઇવે તમામ વાહનો માટે બે દિવસ સુધી બંધ થઈ ગયો હતો. જોકે ગઈકાલે મંગળવારે સાંજથી ફક્ત મોટાં વાહનો હાઈવે પરથી નીકળવાનું શરૂ થયું હતું. જ્યારે નાનાં વાહનો માટે હાઇવે હજુ પણ બંધ છે, કારણ કે વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક જગ્યાએ હાઇવે ધોવાઈ ગયો છે, જેથી સતર્કતાના ભાગરૂપે નાનાં વાહનો માટે હાઈવે હાલ બંધ રાખવામાં આવ્યો છે.

અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં
આ હાઇવે સહિતના આસપાસના ખેતરોમાં ભાદર નદીના પાણી ફરી વળ્યાં બાદ હજુ પાણી ભરાયેલા છે. ત્યારે માણાવદર તાલુકાના સરાડીયા, ચીખલોદરા, દેશીંગા, મરમઠ, વડા, વેકરી, કંટોલ સહીતના ઘેડ પંથકના ગામોમાં ભાદરના પાણી ફરી વળતાં ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. જેના લીધે આ તમામ ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમ્યાન આજે બુધવારે સવારથી હાઇવે પર પાણી ઓસરવા લાગ્યાં હતા.

4 સ્ટેટ હાઇવે બંધ કરાયા
જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે પાણી ફરી વળતા 4 સ્ટેટ હાઇવેને બંધ કરવાની ફરજ પડી હોવાનું માર્ગ અને મકાન વિભાગના અધિકારી વિવેક ગૌસ્વામીએ જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં બે દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે. બે દિવસમાં સિઝનનો 30 ટકા વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં સીઝનો 100 ટકા વરસાદ પડી ગયો છે. એટલું જ નહી સતત ત્રીજા વર્ષે જૂનાગઢ જિલ્લામાં 100 ટકા વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...