શિક્ષણ યજ્ઞ:લોકભારતીના સવાસો તાલીમી શિક્ષકો ગીરના નેસડામાં 15 દિ બાળકોને ભણાવશે

જૂનાગઢ17 દિવસ પહેલાલેખક: અતુલ મહેતા
  • કૉપી લિંક
  • ગીરના નેસડાઓની શાળાઓમાં નવતર વિદ્યા ઉત્સવનું આયોજન

જૂનાગઢ શહેર શિક્ષણક્ષેત્રે હબ બન્યું છે. પણ આ જિલ્લામાં આવેલા જંગલ વિસ્તારમાં આવેલી નેસડાઓની શાળામાં અભ્યાસ કરતા ભૂલકાંઓને શિક્ષણ અને ટેક્નોલોજી સાથે અભ્યાસ કરવાની તક મળે તેમજ શાળાઓની પ્રવૃતિઓ કેવી હોવી જોઈએ, વિદ્યાર્થીઓએ શાળામાં શું કરવું જોઈએ તેનાથી લઇ રમતગમત અને યોગ સુધીનું માર્ગદર્શન આપવામાં આવશે. આ અંગે વિગતો આપતા પૂ ર્વ નાયબ નિયામક આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, "નેસ વિદ્યા ઉત્સવ' ના શીર્ષક હેઠળ આપણે આ પ્રથમ પ્રયોગ કરવા જઈ રહ્યાં છીએ.

રાજ્ય સરકાર શિક્ષણને ભુલકાંઓનો અધિકાર ગણીને કોઈ તેનાથી વંચિત રહી ન જાય તે માટે આગળ વધી રહી છે. ત્યારે વિસાવદર તાલુકાના ચાંપરડા ગામે શિક્ષણ સંસ્થા ચલાવતા ક્રાંતિકારી સંત મુક્તાનંદજી મહારાજના સાનિધ્યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પગલાંઓ ભરાતા આવ્યા છે. તેના ભાગરૂપે આંનદધારા વિદ્યા યજ્ઞ હેઠળ આનંદધારા પ્રોજેકટના નિયામક ડો.નલીન પંડિતના મા ર્ગ દ ર્શનમાં નવતર વિદ્યા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિદ્યા ઉત્સવમાં દેશભરમાં પ્રસિદ્ધ લોકભારતી સણોસરાના 125 તાલીમાર્થીઓ ગીર નેસમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા ભુલકાઓને શિક્ષણનું મહત્વ સમજાવી તેને કેમ સરળ કરી શકાય તે સમજાવશે. આગામી તા. 17 થી તા. 30 જાન્યુઆરી સુધી ગીર નેસમાં આવેલ 20 શાળાઓમાં શિક્ષણની ગુણવતા સુધારવા પોતાનું કૌશલ બતાવશે. જેનો બેઇઝ કેમ્પ નેસ જશાધાર અને તુલસીશ્યામ રહેશે. આ વિદ્યા ઉત્સવમાં કુલ 125 તાલીમાર્થીઓ કે જે ભવિષ્યના ઉત્તમ શિક્ષક સાબિત થવાના છે. તેઓ દ્વારા કુલ 13 ટિમ બનાવીને 15 દિવસ સુધી અલગ અલગ નેસ શાળાઓમાં શિક્ષણ આપશે એ ઉપરાંત આ તાલીમી શિક્ષકો નેસના બાળકોને શિક્ષણની સાથે રામતગમ્મ્ત તેમજ શાળાઓમાં બાળકોની પ્રવૃતિઓ અને આધુનિક શિક્ષણ અંગે માર્ગદર્શન આપશે.

15 દિવસ દરમ્યાન બાળકોને લેખન, વાંચન અને ગણિતનું જ્ઞાન આપવામાં આવશે. એ ઉપરાંત સામાજિક પ્રવૃતિઓ શું શું કરવી જોઈએ, તે કેવી રીતે થઇ શકે, તેનું માર્ગદર્શન આપશે. લોકભારતી સણોસરાના બીજા વર્ષના આ તાલીમી શિક્ષકોને ગીરની ભૂમિ ઉપર નેસડાઓમાં વસવાટ કરતા માલધારી પરિવારના ભૂલકાંઓને વિદ્યાદાન આપવાનો અવસર મળ્યો છે ત્યારે આગામી તા. 17 થી 15 દિવસ માટે ગીરમાં નેસડાઓની શાળાઓમાં એક નવો શિક્ષણ સૂર્યોદય થશે.

નેસના બાળકો મુક્તાનંદજીની શાળામાં ભણે છે
ચાંપરડાના ક્રાંતિકારી સંત મુક્તાનંદજી મહારાજે કોરોના કાળમાં નેસની શાળાઓમાં ટીવી સેટ મુકાવ્યા. એ પહેલા આવી શાળાઓ માટે શેડ બનાવવા માટે વન વિભાગને સાથે રાખીને ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. નેસ શાળાઓના બાળકો આગળ અભ્યાસ કરતા નથી. એવું ધ્યાનમાં આવતા તેમણે આવા 50 બાળકોને કોઈપણ જાતની ફી વગર પોતાની શાળામાં અભ્યાસ અને હોસ્ટેલ સેવા પુરી પાડી છે. તેમના માર્ગદર્શન હેઠળ આ વિદ્યા ઉત્સવ શરુ થવા જઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...