મન્ડે પોઝિટિવ:સરગવાની શિંગ ગટરના પાણીને પણ શુદ્ધ કરી શકે, ROની કેન્ડલમાં પણ સરગવાનો ઉપયોગ થવો જોઈએ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટ પાણીને ઉપયોગમાં લઈ શકાય એ માટે કરાયું સંશોધન-પરીક્ષણ
  • ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં થયું સંશોધન

ગિરનારના જંગલમાં પરજીવી વનસ્પતિ શોધવામાં સફળ થયેલા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગને વધુ એક મહત્ત્વના સંશોધનમાં સફળતા મળી છે. આ શોધને ઇન્ટરનેશનલ જર્નલમાં પણ પ્રસિદ્ધિ મળી છે, જેમાં સરગવાની શિંગમાં રહેલાં બીજને અલગ કરી એના ગર્ભમાંથી અશુદ્ધ પાણીને શુદ્ધ કરવામાં સફળતા મળી છે.

આ સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે ખાવામાં ઉપયોગી નથી એવા જંગલી સરગવાની શિંગમાંથી પણ અશુદ્ધ પાણીને શુદ્ધ કરી શકાય છે.જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગના વડા ડો. સુહાસ વ્યાસ, ડો. દુષ્યંત દુધાગરા અને વૈશાલી વરસાણીએ વેસ્ટ અથવા તો આપણે જેને પ્રદૂષિત કહેવું પડે એવા ગંદા પાણીના શુદ્ધીકરણ માટે એક સંશોધન હાથ ધર્યું હતું, જેમાં સરગવાની શિંગમાંથી બીજને અલગ કર્યા બાદ એના ગર્ભને સૂકવી નાખી એનો પાઉડર બનાવ્યો. ત્યાર બાદ એમાં એસિડિક દ્રાવણ મેળવી ફરીથી સૂકવી આ પાઉડરને અશુદ્ધ પાણીમાં ભેળવી દેવાથી પાણીની શુદ્ધતામાં કેટલો તફાવત જોવા મળે છે એનો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

અશુદ્ધ પાણીમાં આ પ્રકારની પ્રોસેસ કર્યા બાદ જોવા મળેલી શુદ્ધતાથી એ સાબિત થયું છે કે આપણે જે પાણીને ગંદું ગણીને ઉપયોગ નથી કરતા એનો આ રીતે શુદ્ધીકરણ બાદ ફરીથી ઉપયોગ કરી શકાય છે. પ્રાથમિક તબક્કામાં થયેલા સંશોધન દરમિયાન એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે જે ગંદા પાણીનો ઉપયોગ ક્યાંય ન થઈ શકતો હોય એનું આ ટ્રીટમેન્ટથી શુદ્ધીકરણ થાય. આ પાણીનો કમસે કમ સિંચાઈ માટે તો ઉપયોગ થઈ જ શકે છે. ગંદા પાણીની ટર્બિનિટી ઓછી થઈ ગઈ હોવાનું પરીક્ષણમાં જોવા મળતાં સ્પષ્ટ થઈ ગયું હતું કે જો આ રીતે પ્રોસેસ કરવામાં આવે તો પાણીમાં રહેલા બેક્ટેરિયા અને વાઇરસનો પણ ખાત્મો બોલી જાય.

ડો. દુષ્યંત દુધાગરાએ જણાવ્યું હતું કે પ્રથમ કાઈનેટિક સ્ટડી કરવામાં આવ્યો હતો, જેમાં એક લિટર પાણીમાં માત્ર 1 ગ્રામ પાઉડર ઉમેરવાથી ખૂબ મોટી કહી શકાય એવી સફળતા મળી હતી. જોકે આ પ્રોજેકટને મોટે પાયે અમલી બનાવવા માટે હજુ વિચારણા ચાલી રહી છે.આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે જેનો ઉપયોગ આપણે ખાવા માટે નથી કરતા એવા જંગલી સરગવાનો ઉપયોગ કરવાથી પણ આ પ્રકારનું પરિણામ મળે છે.

આર.ઓ. પ્લાન્ટની કેન્ડલમાં ઉપયોગી : આર.ઓ. પ્લાન્ટમાં જે કેન્ડલ વપરાય છે એ સરગવાની શિંગના મટીરિયલમાંથી બનાવવામાં આવે તો પીવાના પાણીની મેડિશનલ વેલ્યુ પણ વધે.

30 મિનિટમાં અશુદ્ધિ દૂર થઈ ગઈ : લાઈફ સાયન્સ વિભાગના વડા ડો. સુહાસ વ્યાસ અને દુષ્યંત દુધાગરાએ કહ્યું હતું કે સંશોધન દરમિયાન ગટરના અશુદ્ધ પાણીને અલગ અલગ પાંચ પ્રોસેસથી શુદ્ધ કરવાની પ્રક્રિયા બાદ માત્ર 30 મિનિટમાં જ પાણીમાં રહેલી મોટાભાગની અશુદ્ધિઓ દૂર થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...