રાહ જોવી પડશે!:કેસર કેરી બજારમાં 25 દિ' મોડી આવશે, બદલાતા વાતાવરણથી વંથલી અને કેશોદ પંથકમાં પણ પાક મોડો અને ભારે નુકસાન

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોળીનાં તહેવાર બાદ આંબાવાડીઓમાં ઉત્પાદનનો અંદાજ લગાવી શકાશે

આ વર્ષે વારંવાર વાતાવરણમાં પલ્ટો આવી રહ્યો છે. જેથી રવિ પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યુ હતું. વાતાવરણની અસર આંબાવાડીઓમાં પણ જોવા મળી રહી છે અને આ વર્ષે ફૂટ મોડી છે. ઉપરાંત રોગચાળો પણ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જ્યારે કેશોદ અને વંથલી પંથકની વાત કરીએ તો અહીંયા પણ પૂષ્કળ પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય છે. જો કે, આ વર્ષે બંધારણ મોડુ થયું છે.

ખેડૂતે જણાવ્યું હતું કે, આંબાવાડીઓમાં સામાન્ય રીતે જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં મોર આવી જતા હોય છે. જે આ વર્ષે માર્ચ મહિનામા પણ બંધારણ જોવા મળી રહ્યું છે. અને ઉત્પાદન પણ 30 થી 35 ટકા જ થવાનો અંદાજ છે. જેથી જ કેશોદ અને વંથલી પંથકની કેસર કેરી બજારમાં 25 દિવસ મોડી આવી શકે છે. જો ચોમાસાની સિઝન નજીક આવી જશે તો ખેડૂતોને ગત વર્ષની જેમ આ વર્ષે પણ નુકસાન સહન કરવું પડી શકે છે.

અત્રે નોંધનીય છે કે, સામાન્ય રીતે કેરીનાં બગીચાનાં ઇજારાઓ વહેલા અપાઇ જતાં હોય છે પરંતુ આ વર્ષે હજુ ઇજારા ન દેવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરમાં ઈંયળ જોવા મળી રહી છે
વંથલી પંથકનાં મોટા કાજલીયાળા ગામનાં ખેડૂત જનકભાઈ ડાંગરે કહ્યું હતું કે, હાલ આંબાવાડીઓમાં મોર જોવા મળી રહ્યા છે. જેમાં ઈંયળનો ઉપદ્વવ પણ છે. જેથી ઉત્પાદન ઘટી શકે છે.

ગત વર્ષ 20 % આવક જોવા મળી’તી
વંથલી શિવફ્રુટનાં દિપકભાઈ દાદવાણીએ કહ્યું હતું કે, ગત વર્ષે પણ માત્ર 20 ટકા આવક જ જોવા મળી હતી. અને સરેરાશ 10 કિલોનાં બોક્સ દીઠ રૂ.300 થી 400નો ભાવ ખેડૂતોને મળ્યો હતો. હોળીનાં તહેવાર બાદ આંબાવાડીઓમાં કેરીનું કેટલું ઉત્પાદન થશે. તેમનો અંદાજ લગાવી શકાશે.

વંથલી મેંગો માર્કેટમાં ક્યા ક્યા વિસ્તારમાંથી આવક
વંથલી મેંગો માર્કેટમાં આશરે 20 કિમીની ત્રિજ્યામાંથી કેરીની આવક થાય છે. જેમાં શાપુર, કાજલીયાળા, ધંધુસર, નાવડા, સાંતલપુર, કેશોદનાં મઘરવાડા, માણેકવાડા સહિતના ગામોમાંથી ખેડૂતો કેરીના વેંચાણ અર્થે આવે છે.

અન્ય સમાચારો પણ છે...