ધમકી:જૂનાગઢના RTO આસી. ઇન્સ્પેક્ટરે ઓવરલોડ મામલે ડમ્પરનો મેમો ફાડતા બે ઈસમોએ અપશબ્દો બોલી ધમકી આપી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડમ્પરમાં નિયત કરતા 20 હજાર કિલો વધુ વજન હોવાથી કાર્યવાહી કરી 29 હજારનો મેમો આપવામાં આવ્યો હતી
  • આરટીઓ અધિકારીએ ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ બાયપાસ રોડ પર નિયત લોડ કરતા 20 હજાર કિલોથી વધુ વજન કપચી ભરેલા ડમ્પરને જૂનાગઢ RTOના આસી. ઇન્સ્પેક્ટરે મેમો ફાડ્યો હતો. જેને લઈ બે શખ્સોએ તેમને ફોન કરી અપશબ્દો બોલી ભવિષ્યમાં ડમ્પર નહીં રોકવા ધમકી આપી હતી. આ અંગે આરટીઓ અધિકારીએ ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ RTO કચેરીમાં આસીસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હિતેશ વિનોદભાઈ પંડિત અન્ય સ્ટાફ સાથે તા.15 ના સવારે જૂનાગઢ બાયપાસ પર વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે જીજે 11 વીવી 1227 નંબરનું કપચી ભરેલું ડમ્પર ઝાંઝરડા ચોકડી તરફથી આવતા તેને રોકયું હતું.

ડમ્પરમાં કેપેસિટી કરતા વધુ વજન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા વે બ્રીજમાં વજન કરાવતા તેમાં ડમ્પરનું વજન 48,950 કિલો થયું હતું. જે તેની કેપેસિટી કરતા 20,950 કિલો વધુ હતું. જેથી આરટીઓના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર હિતેશ પંડિતે ડ્રાઇવર મધ્યપ્રદેશના દિનેશ દ્વિવેદી પાસે લાયસન્સ માંગ્યું હતું. પરંતુ તેની પાસે લાયસન્સ પણ ન હતું. તેણે આ ડમ્પર નિલેશ ડાંગરનું હોવાનું જણાવ્યું હતું. આથી ઓવરલોડ અને ડ્રાઇવર પાસે લાયસન્સ ન હોવાને લઈ આરટીઓ દ્વારા 29 હજારનો મેમો આપવામાં આવ્યો હતો. જેમાં ડ્રાઇવરએ સહી કરવાની ના પાડી હતી.

આરટીઓના આસી. ઇન્સ્પેક્ટર હિતેશ પંડિત ઘરે હતા. એ સમયે મોબાઈલ પર નિલેશ ડાંગરનો ફોન આવ્યો હતો અને તેઓએ કહ્યુ કે મારી 70 ગાડી ફરે છે તેને કોઈ રોકીને મેમો આપતું નથી તમે કેમ આપ્યો. બાદમાં મેમો આપવા મુદ્દે તુકારે બોલાવી રાજુભાઈને ફોન આપતા સામેથી રાજુ ડાંગર બોલું છું, અને મેમો આપવા બાબતે ગાળો આપી હતી અને હવે બીજી વાર વાહન નહીં રોકવા ધમકી આપી હતી. બાદમાં અવારનવાર ફોન કરી ગાળો આપી હતી.

આ અંગે આરટીઓના આસી.ઇન્સ્પેક્ટર હિતેશ પંડિતે નિલેશ ડાંગર અને રાજુ ડાંગર વિરૂદ્ધ ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...