જૂનાગઢમાં આરટીઆઇ એક્ટિવિસ્ટના પુત્રને ઉછીના આપેલા 20 હજારની ઉઘરાણીના બદલામાં વ્યાજ સહિત રૂપિયા પોણા બે લાખની ઉઘરાણી કરી 4 શખ્સોએ એક્ટિવિસ્ટના ગળે છરી રાખી 55 હજાર લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. જૂનાગઢના આરટીઆઇ એક્ટિવિસ્ટ તુષારભાઇ સોજીત્રાના પુત્ર હર્ષએ ગાંધી જેન્તીભાઇ સોલંકી નામના શખ્સ પાસેથી રૂ. 20 હજાર હાથ ઉછીના લીધા હતા.
તેની ઉઘરાણી માટે તા. 16 મે 2022 ના રોજ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં તુષારભાઇ અને હર્ષ તળાવ દરવાજા પાસે આવેલી હિતેષભાઇ જોષીની દુકાને બેઠા હતા ત્યારે ગાંધી જેન્તીભાઇ સોલંકી, સુનીલ પ્રવિણભાઇ સોલંકી, વિરાટ ડાભી અને ગૌતમ પાતર ત્યાં આવ્યા હતા. અને હર્ષ પાસેથી ઉઘરાણી કરી તારે હવે 20 હજાર નહીં પણ રૂ. 1,75,000 આપવાના છે એમ કહી હર્ષ પાસે એમ બોલાવડાવ્યું કે મારે તને રૂ. 1,25,000 મૂળ રકમ અને રૂ. 50,000 વ્યાજ આપવાનું છે.
તેનું વીડિયો રેકોર્ડીંગ કરાવ્યું હતું. બાદમાં ગાંધીએ તુષારભાઇના ગળે છરી રાખી હતી. અને મારે અત્યારે જ રૂપિયા જોઇએ. એમ કહેતાં તુષારભાઇએ તેના મિત્ર પાસેથી રૂ. 50,000 મંગાવી દીધા હતા. અને પોતાની પાસેથી રૂ. 5 હજાર મળી કુલ રૂ. 55,000 ગાંધીને આપ્યા હતા. જતી વખતે તેઓએ બાકીના રૂપિયા નહીં આપો તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બનાવની તપાસ પીએસઆઇ કે. કે. મારુ ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.