છેતરપિંડી:કેશોદના યુવાનને કાર કંપનીની ડીલરશીપ આપવાના નામે 33 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા

જુનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવટી ડોક્યુમેન્ટ મોકલી વિશ્વાસમાં લઈ જુદી જુદી ફીના નામે રકમ ટ્રાન્સફર કરાવી

જૂનાગઢ જિલ્લાના કેશોદના યુવાનને કાર મોટર્સ કંપનીની ડીલરશિપ અપાવી દેવાના નામે ઠગોએ છેતર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવટી ડોક્યુમેન્ટ મોકલી વિશ્વાસમાં લઇ જુદી જુદી ફી ના નામે કટકે કટકે કુલ રૂ.33.67 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ થતા જૂનાગઢ સાયબર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદમાં આલાપ કોલોની વિસ્તારમાં રહેતા નિશીતભાઈ રામભાઈ યાદવ નામના યુવાને ગત તા.11-7-21 ના રોજ બારેક વાગ્યે પોતાના મોબાઈલ ફોનમાંથી રિવોલ્ટ મોટર ડીલરશીપ નામની વેબસાઇટ પર વિગત ભરી હતી. ત્યારપછી એકાદ માસ બાદ એક અજાણ્યા નંબર પરથી તેમને ફોન આવેલ ત્યારે નિશીતભાઈને સામેથી રિવોલ્ટ મોટર્સ કંપનીના ગુડગાવના કર્મચારી તરીકે ઓળખ આપી વાતચીત કરી પ્રથમ રજીસ્ટ્રેશન ફી ના નામે રૂ.1.35 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.

બાદમાં તમને ડીલરશીપની વધુ જાણકારી મેથ્યુ સર આપશે એમ જણાવ્યું હતું. બાદમાં રાહુલ મેથ્યુ નામના શખ્સે ફોન કરી ડીલરશીપ અંગે વિસ્તૃત જાણકારી આપી ગુજરાતમાં એક શહેર પસંદ કરવા કહેતા નિર્શીતભાઈએ જામનગરની પસંદગી કરી હતી. આથી આ ઠગ ટોળકીએ વિવિધ ફી અને ચાર્જના નામે તા.12-8-2021 થી તા.14-9-21 દરમ્યાન કુલ રૂ.33.67 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં નિશીતભાઈને આ અંગે જાણ થતાં તેમણે જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...