ગરીબ દંપત્તિએ દીકરીના લગ્ન માટે બચાવીને રાખેલા નાણાં એક વ્યક્તિને આપ્યા બાદ તેમણે નાણાં પચાવી પાડવાનો કારસો ઘડ્યો હતો. જોકે, આ અંગેની રજૂઆત બાદ પોલીસે જ્ઞાન આપતા તે વ્યક્તિએ નાણાં પરત કર્યા હતા.
આ અંગે મળતી વિગત મુજબ કેશોદની પંચવટી પાર્ક સોસાયટીમાં રહેતા ગરીબ દંપત્તિએ દીકરીના લગ્નમાં કામ આવે અને સારૂં વળતર મળે તે માટે 1,80,000ની રકમ બામણાસા ઘેડના એક વ્યક્તિને આપ્યા હતા. નાણાં લીધા બાદ તે વ્યક્તિએ વળતર તો ન આપ્યું, દીકરીના લગ્ન માટે નાણાં માંગતા હાથ અદ્ધર કરી દીધા હતા. ત્યારે દીકરીના લગ્ન માટે બચાવેલી 1,80,000ની રકમ ગૂમાવવાનો વારો આવવાના ભયે ગરીબ દંપત્તિ મુંઝાઇ ગયું હતું.
બાદમાં દંપત્તિએ જૂનાગઢ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી રજૂઆત કરી હતી. બાદમાં ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.બી.કોળી અને સ્ટાફને મોકલી અરજદારની સામેવાળા અને તેના દિકરાને બોલાવી વાત કરતા તેઓએ સૌ પ્રથમતો ગલ્લા તલ્લા કર્યા હતા. જોકે, પોલીસે જ્ઞાન આપતા પોલીસનો મૂડ પામી જઇ અરજદારને તાત્કાલીક 1,30,000 આપી દીધા હતા.
જ્યારે બાકીના 50,000 દિવાળી સુધીમાં આપી દેવા નોટરી લખાણ કરી સોગંદનામું પણ કરી આપ્યું હતું. ત્યારે નાણાં મળ્યા ન હોત તો દિકરીના લગ્ન કરવા મુશ્કેલ બન્યા હોત તેમ જણાવી દંપત્તિએ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.