તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય વધારવા માંગ:મત્‍સ્‍યોદ્યોગ માટે જાહેર કરાયેલા રૂ.105 કરોડનું રાહત પેકેજ માછીમારો માટે ટેકારૂપ બની રહેશે

વેરાવળ23 દિવસ પહેલા
વેરાવળ બંદરમાં પાર્ક કરાયેલ બોટોની તસ્‍વીર
  • પેકેજમાં સહાય રકમ સામે થોડી વઘુ રકમ ફાળવણીની માછીમાર સમાજને અપેક્ષા

તાઉ-તે વાવાઝોડાના કારણે દરીયાકાંઠના બંદરોને તથા ફીશીંગ બોટોને મોટું નુકસાન થયુ છે. જેમાં રાજય સરકારે પ્રથમ વખત મત્‍સ્‍યોદ્યોગ માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. સૈયદ રાજપરા બંદરના આગેવાને રાહત પેકેજમાં સ્‍થળાંતરીત માછીમારોને કંઇ રીતે સહાય મળશે તેની સ્‍પષ્‍ટતા ન હોવાનો અને નુકસાની સામે અપૂરતી રકમ ફાળવી હોવાનો મુદ્દો ઉઠાવી ફેરવિચારણા કરી પેકેજની રકમ વઘારવા માંગણી કરી છે.

માછીમાર સમાજના આગેવાનો રાહત પેકેજને આવકારી રહ્યાં છે

વાવાઝોડાના કારણે ગીર સોમનાથ જીલ્‍લાના દરીયાકાંઠાના બંદરો અને તેમાં રહેલ ફીશીંગ બોટોને ખુબ મોટું નુકસાન પહોચ્‍યુ છે. જેને ઘ્‍યાને લઇ આજે રાજય સરકાર દ્વારા માછીમારો માટે રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ રાહત પેકેજ કપરા સમયનો સામનો કરી રહેલા માછીમારોને ટેકા રૂપ બની રહેશે તેવું ગીર સોમનાથ જીલ્‍લાના માછીમાર સમાજના આગેવાનો જણાવી રાજય સરકારના રાહત પેકેજને આવકારી રહ્યાં છે.

રૂ.80 કરોડ મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે

રાજયના ઇતિહાસમાં પ્રથમ વખત વાવાઝોડા જેવી કુદરતી આફતથી માછીમારો અને બંદરોને થયેલા નુકસાનથી મુશ્‍કેલીમાં મુકાયેલા અસરગ્રસ્ત માછીમારોને બેઠા કરવા મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રૂ.105 કરોડ જેવી માતબર રકમનું રાહત સહાય પેકેજ જાહેર કર્યુ છે. રૂ.105 કરોડના રાહત પેકેજમાંથી રૂ.25 કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુકસાનની રાહત માટે તથા રૂ.80 કરોડ મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનની મરામત માટે ફાળવણી કરવામાં આવ્યા છે.

રાહત પેકેજને આવકારતા માછીમાર આગેવાન તુલસીભાઇ અને સોમવારભાઇ
રાહત પેકેજને આવકારતા માછીમાર આગેવાન તુલસીભાઇ અને સોમવારભાઇ

રાહત પેકેજ માછીમારો માટે ટેકારૂપ બની રહેશે

રાજય સરકારે મછીમારો અને મત્‍સ્‍યોદ્યોગ માટે જાહેર કરેલા રાહત પેકેજ અંગે અખીલ ભારતીય ફીશરમેન એસો. ગુજરાત પ્રાંતના અધ્યક્ષ તુલસીભાઇ ગોહેલ અને નવાબંદરના સરપંચ અને માછીમાર અગ્રણી સોમવરભાઇ મજેઠીયાએ જણાવેલુ કે, અત્‍યાર સુઘીમાં રાજયમાં અનેક વાવાઝોડા આવ્‍યા છે. તે સમયે માછીમારો દર વખતે નુકસાન સહન કરતા હોવા છતાં ભુતકાળમાં કયારેય કોઇ સરકારે માછીમારો માટે રાહત પેકેજ જાહેર કર્યું ન હતુ. જયારે વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે માછીમારો માટે પ્રથમ વખત જાહેર કરાયેલા રાહત પેકેજ માછીમાર સમાજ માટે ટેકારૂપ સમાન હોવાથી આવકાર દાયક છે. રાહત પેકેજમાં જાહેર કરાયેલી રકમ ટેકારૂપી સમાન છે. પરંતુ રાહત પેકેજમાં નુકસાનીની જાહેર કરાયેલી સહાય રકમ સામે થોડી વઘુ રકમ ફાળવણીની માછીમાર સમાજને અપેક્ષા હતી.

માછીમારોને કંઇ રીતે સહાય મળશે તેનો પેકેજમાં કોઇ ઉલ્‍લેખ નથી : આગેવાન

સૈયદ રાજપરા બંદરના માછીમાર આગેવાન ભરતભાઇ કામળીયાએ રાજય સરકારના રાહત પેકેજમાં અનેક વિસંગતા હોવાથી તે બાબતે સ્‍પષ્‍ટ કરવા માંગણી કરતા જણાવેલુ કે, રાહત પેકેજમાં સ્‍થળાંતરીત માછીમારોને સહાય મળશે તેવો કોઇ સ્‍પષ્‍ટ ઉલ્‍લેખ કરાયેલ નથી. કારણ કે, સૈયદ રાજપરા બંદરમાં જ 300 સ્‍થળાંતર માછીમાર પરીવારો રહે છે. કે જે તમામ પરીવારો આજુબાજુના ગામોના વતની છે. આ સ્‍થળાંતરીત માછીમાર પરીવારોને વાવાઝોડાના કારણે ઘરવખરીથી લઇ બોટોનું મોટુ નુકસાન થયુ હોવાથી તેઓ અમારા ગામમાં સહાયના ફોર્મ ભરવા જાય છે. ત્‍યારે તેઓને તેમના વતનમાં ફોર્મ ભરવા જવાનું અઘિકારીઓ જણાવે છે. ત્‍યારે આ સ્‍થળાંતરીત માછીમારોના ગામોમાં તો કોઇ નુકસાન થયુ ન હોવાથી તેઓ સહાયથી વંચિત રહી જાય છે. જેથી સ્‍થળાંતરીત માછીમારોને સહાય મળી રહે તે બાબતે રાજય સરકારએ સ્‍પષ્‍ટ નિર્દેશ કરવા જોઇએ તેવી માંગ છે.

રાહત પેકેજ અંગે પ્રતિભાવ આપતા સૈયદ રાજપરાના ભરતભાઇ કામળીયા
રાહત પેકેજ અંગે પ્રતિભાવ આપતા સૈયદ રાજપરાના ભરતભાઇ કામળીયા

રાહત પેકેજમાં રકમની ફાળવણીની ફેરવિચારણા કરવાની માંગણી કરી

ભરતભાઇ કામળીયાએ જણાવેલુ કે, રાહત પેકેજમાં નુકસાનીના અવેજમાં ઓછી રકમ ફાળવી છે. જેમ કે, વાવાઝોડાના લીઘે 1 થી 3 લાખનું નુકસાન થયુ હોવાની સામે પેકેજમાં પુરતી રકમ ફાળવી નથી. નવી બોટ રૂ.10 થી 30 લાખની કિંમતમાં તૈયાર થાય છે. ત્‍યારે વાવાઝોડામાં બોટ જતા ટોટલ લોસ થયાના કિસ્‍સામાં પેકેજમાં મામુલી રકમની ફાળવણી કરી છે. જે માછીમારોને અન્‍યાય સમાન હોવાથી માછીમારોમાં પેકેજને લઇ અસંતોષ છે. જેથી રાહત પેકેજમાં આવી અનેક અપૂરતતા હોવાથી ફેરવિચારણા કરી પેકેજમાં સુઘારો કરી વઘુ રકમ ફાળવવી જોઇએ તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...