તાઉ-તે વાવાઝોડું ગુજરાતને ધમરોળી રહ્યું છે, ત્યારે રાજ્યમાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ ઉનામાં જોવા મળી રહી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ વેરાવળથી ઉના તરફ જવા નીકળી ત્યારે ઠેર ઠેર રસ્તા પર વૃક્ષો, પતરાં પડેલાં જોવા મળ્યાં હતાં. હાલ દિવ્ય ભાસ્કરની ટીમ ઉનાથી 10 કિમી દૂર છે, ત્યારે 15થી 20 મિનિટનો રસ્તો પાર કરવા માટે 2 કલાક જેટલો સમય લાગી શકે તેટલો વિનાશ વેર્યો છે. 10 કિમીના મુખ્ય હાઇવે પર વૃક્ષોનો પથારો જોવા મળી રહ્યો છે. આ હાઇવે પર બે એમ્બ્યુલન્સ ફસાઇ છે, જેમાં એકને માથામાં પતરું વાગ્યું તે મહિલા છે અને બીજીમાં કોરોનાના દર્દી છે. ઉના જવાના તમામ રસ્તા બંધ થઇ ગયા છે.
ઉના સંપર્કવિહોણું બન્યું
મોબાઇલ ટાવર ધરાશાયી થતાં ઉના સંપર્કવિહોણું બન્યું છે, આથી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવી મુશ્કેલ બની છે. ઉનામાં જનજીવન ખોરવાયું હોવાનું જાણવા મળ્યું છે. ઉના પહોંચવા માટે એકપણ રસ્તો હાલ ખુલ્લો નથી અને ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં છે. ભારે વરસાદને કારણે કાચા રસ્તાઓ અને સિંગલ પટ્ટીના રોડ પણ ધોવાઈ ગયા છે, આથી મોટું નુકસાન પહોંચ્યું છે. હાલ દિવ્ય ભાસ્કરની ટીમ ઉના પહોંચવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
તાઉ-તે તોફાને વિનાશ વેર્યો
ઉનામાં વાવાઝોડાની અસર વ્યાપક પ્રમાણમાં થઇ હોવાનું જાણવા મળ્યું છે. ઠેર ઠેર વીજપોલ ધરાશાયી થતાં ગત રાતના 8 વાગ્યાથી વીજળી ડૂલ થઇ ગઇ છે. સાંજના 6 વાગ્યા બાદ પવનની ગતિ વધી હતી અને તોફાની પવને વિનાશ વેરવાનું શરૂ કર્યું હતું. 130થી વધુની સ્પીડે પવન ફૂંકાયો હતો. ઉના, દીવ, વણાંકબારા, દેલવાડા સહિતના આસપાસના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વાવાઝોડાની અસર થઇ છે. અનેક ગામો સંપર્કવિહોણા થયાં છે. પરિસ્થિતિ અતિગંભીર બની છે. સાચો ચિતાર દિવ્ય ભાસ્કરની ટીમ ઉના પહોંચે ત્યારે જ ખબર પડે તેમ છે.
વાડીએ જતા મહિલાને પતરૂ વાગ્યું- 108ના પાયલોટ
108ના પાયલોટ અભિષેકભાઇ સોલંકી એ જણાવ્યું હતું કે, ડોળાસાથી ઉના હોસ્પિટલ તરફ જઇ રહ્યાં છીએ. અડધઆ કલાકથી અહીં ફસાયા છીએ, મેઇન રસ્તો બંધ છે. અંદર મહિલા દર્દી છે. તેઓ વાડીએ જતા હતા ત્યારે તેમને પતરૂ વાગ્યું છે. બીજી ગાડીમાં ડોળાસાથી કોરોના પેશન્ટને ઉના હોસ્પિટલે લઇ જવામાં આવી રહ્યાં છે. તંત્ર કામે લાગ્યું છે આથી થોડા સમય વાર લાગશે. કોડીનાર તરફનો રસ્તો સાફ છે.
ઉના તરફ જતી દૂધની ગાડી પણ અટવાઇ
ઉનામાં રોજ દૂધની ગાડી જાય છે. પરંતુ આજે વાવાઝોડાના કારણે રસ્તો બંધ હોવાથી દૂધની ગાડી રસ્તામાં જ ફસાઇ ગઈ છે. આથી ઉનામાં દૂધને લઇને પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમ જેમ રસ્તો સાફ થઇ રહ્યો છે તેમ તેમ વાહનો ઉના તરફ આગળ વધી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.