જૂનાગઢમાં મેઘરાજા મહેરબાન:શહેરમાં બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પાણી...પાણી...થયા, દાતાર પર વરસેલા વરસાદના કારણે ઝરણાઓ વહેતા થયા

જુનાગઢએક મહિનો પહેલા
  • જિલ્લાના માળીયા હાટીના, મેંદરડા અને વંથલી પંથકને પણ મેઘરાજાએ ઘમરોળ્યા

જૂનાગઢ શહેર અને જિલ્લાના મેંદરડા, માળીયાહાટીના અને વંથલી તાલુકાને મેઘરાજાએ ફરી ઘમરોળી ધોધમાર વરસાદ વરસાવી દેતા પાણી પાણી થઈ ગયુ છે. જૂનાગઢ શહેરમાં બપોરે બે કલાકમાં 3 ઈંચ જેવો વરસાદ વરસાવી દેતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો અન્ય તાલુકાઓમાં પડેલ વરસાદથી રસ્તાઓ પણ વરસાદી પાણી વહેતા થયા હતા. તો આજનો વરસાદ ખેતરોમાં લહેરાતી સુકી મૌલતોને નવજીવન સમાન હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. તો નદી-નાળાઓમાં નવા નીર વહેતા થતા પૂરની સ્થિતિ જોવા મળી રહી હતી.

કયા તાલુકામાં કેટલો વરસાદ?
અષાઢી બીજથી જૂનાગઢ જિલ્લામાં શરૂ થયેલ મેઘસવારીએ બે દિવસથી જોર ધીમું કર્યા બાદ આજે સવારથી ફરી ગતિ પકડી છે. સવારે દસેક વાગ્યાથી જિલ્લામાં માળીયાહાટીના પંથકથી મેઘસવારી શરૂ થયા બાદ મેંદરડા, વંથલી અને જુનાગઢમાં ધોધમાર વરસાદ વરસાવ્યો છે. જ્યારે જિલ્લાના અન્ય કેશોદ, માંગરોળ અને માણાવદરમાં ઝાપટા વરસી રહ્યા હતા. આજે જિલ્લામાં સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં વરસેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો જુનાગઢમાં 93 મીમી (3.5 ઈંચ), મેંદરડા 81 મીમી (3 ઈંચ), માળીયાહાટીના 35 મીમી (1.5 ઈંચ), વંથલીમાં 63 મીમી (2 ઈંચ), માણાવદરમાં 27 મીમી, કેશોદમાં 10 મીમી વરસેલ છે.

મેઘરાજાએ મનપા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી
આજે સવારે ધીમીધારે શરૂ થયા બાદ બપોરે બાર વાગ્યા બાદ જૂનાગઢ શહેર અને ગીરનાર જંગલમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ શરૂ કરી ધોધમાર વરસાદ વરસાવવાનું શરૂ કર્યુ હતુ. શહેર - પંથકમાં બે કલાકમાં 3 ઈંચ જેટલો ભારે વરસાદ વરસાવી દેતા સર્વત્ર પાણી પાણી થઈ ગયુ હતુ. શહેરના નીચાણવાળા વિસ્તારો અને બજારોમાં પાણી ભરાવવા લાગ્યા હતા. બે કલાક સુધી શહેરમાં વરસેલ ધોધમાર વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાયા ગયા હતા. જેમાં જીઆઇડીસી-2 વિસ્તાર, ગાંધીચોક, સાબલપુર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરના અમુક વિસ્તારો અને રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ભારે વરસાદના પગલે ઉદભવેલ પાણી ભરાવવાની સમસ્યાનો કોઈ ઉકેલ ન આવેલ હોવાથી નગરજનોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો આજના ભારે વરસાદે મનપા તંત્રએ કરેલ પ્રીમોન્સુનની કામગીરીની પોલ નાંખી હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળ્યા હતા.

સોનરખ નદીમાં પૂરના પગલે દામોદર કુંડમાં ધસમસતા પાણી વહેતા થયા
આજે જૂનાગઢની સાથે ગીરનાર જંગલમાં પણ ભારે અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે જંગલમાંથી નીકળતી અને શહેરમાંથી પસાર થતી સોનરખ નદીમાં ધસમસતા વરસાદી પાણી વહેતા થતા પુર આવ્યુ હતુ. જેના પગલે પ્રખ્યાત દામોદર કુંડમાં પણ જોરદાર પાણી વહેતા થતા છલકાય ગયાના દ્રશ્યો જોવા મળતા હતા. જે જોવા શહેરીજનો દામોદર કુંડ ખાતે ઉમટી રહ્યા હતા.

જિલ્લાના અન્ય તાલુકાઓને પણ મેઘરાજાએ ઘમરોળ્યા
જિલ્લાના વંથલીમાં 2 ઈંચ, માળીયા હાટીનામાં 1.5 ઈંચ અને મેંદરડામાં 3 ઈંચ જેવો ધોધમાર વરસાદ વરસેલ હતો. આ ત્રણેય પંથક ઉપર બપોરથી મેઘરાજા ઓળઘોળ બની હેત વરસાવી રહ્યા હતા. જેના પગલે ગ્રામ્ય વિસ્તારોની નદી-નાળાઓમાં નવા નીર આવ્યા હતા. તો આ પંથકોના ખેતરોમાં લહેરાતા સૂકી મૌલતોને નવ જીવન મળવા સમાન વરસાદ વરસતા ખેડુતો ખુશખુશાલ થઈ ગયા હતા.જ્યારે માળીયા તાબાના ગડુમાં પણ ધોધમાર વરસાદ વરસ્યાના પગલે ખોરાસા ગીર જવાના રસ્તા ઉપર ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા હતા. જેના લીધે ચાલકોને મુશ્કેલી પડી રહી હતી.

ઉબેણ ડેમમાં ભરપુર આવક થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
આજે વરસેલ ભારે વરસાદના પગલે જિલ્લાનો ઉબેણ વિયર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીની પરિસ્થિતિમાં પહોચી જતા તંત્ર એલર્ટ બન્યુ હતુ. કેરાળા પાસે આવેલા ઉબેણ ડેમમાં પાણીની સતત આવક ચાલુ હોવાથી તેની હેઠળ નીચાણવાળા આવતા કેરાળા, મજેવડી , વધાવી તથા વંથલી તાલુકાના બાલોટ, ધંધુસર સહિતના 10 ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. આ દસેય ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...