પ્રજાને ભારે મુશ્કેલી:વરસાદ વિલન ન બને તો 16 મીથી રોડનું કામ શરૂ, બાકી દિવાળી પહેલાં

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાસકોએ સ્વીકાર્યું ગેસની લાઈન-ભૂગર્ભ ગટરના કામને કારણે રસ્તાઓ તૂટ્યા અને પ્રજાને ભારે મુશ્કેલીઓ પડી

જો વરસાદ વિલન નહીં બને તો આગામી 16 સપ્ટેબરથી જૂનાગઢ શહેરમાં રોડના કામો શરૂ થઇ જશે. અને જો વરસાદ આવશે તો કદાચ કામ ખેંચાઇ શકે. આમ છત્તાં દિવાળી પહેલાં અમે લોકોને સારા રસ્તા આપી દઇશું એવો ખુલાસો શાસક ભાજપે યોજેલી પત્રકાર પરિષદમાં કર્યો હતો.

જૂનાગઢ મહાનગરપાલિકાની ખાસ સ્થાયી સમિતીની બેઠક મળી હતી. શાસક ભાજપ માટે તૂટેલા રસ્તા માથાનો દુ:ખાવો બન્યા છે. ભાજપને લોકોનો રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે આજે યોજાયેલી સ્થાયી સમિતીની ખાસ બેઠકમાં રૂ. 112 કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે.

જેમાં જૂનાગઢના રસ્તાઓના નવિનીકરણ માટે રૂ. 38 કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું છે. એ ઉપરાંત સોનાપુર સ્મશાનમાં નવી ગેસ ભઠ્ઠી અને વિદ્યુત ભઠ્ઠી મૂકવાનું કામ, અર્બન હેલ્થ સેન્ટરોમાં ઓક્સિજન પ્લાન્ટ મૂકવાનું કામ ઉપરાંત નગરસેવકો દ્વારા સુચવવામાં આવેલા કામને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજૂર કરાયા છે.

આ ઉપરાંત નવું ફાયર સ્ટેશન પણ ઊભું બનાવાશે. 15 કરોડનાં ખર્ચે કચરાના નિકાલ માટેની યોજના પણ મંજૂર કરાઇ છે. ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે, જૂનાગઢની જનતાને 50 વર્ષ સુધી સુવિધાઓ મળતી રહે એવા કામો કરીશું. આ પત્રકાર પરિષદમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

ઇલેક્ટ્રીક ઇજનેરને સસ્પેન્ડ કરવા સ્ટેન્ડિંગનો ઠરાવ
બે દિવસ પહેલાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચેરમેન હરેશ પરસાણાએ ઇલેક્ટ્રીક ઇજનેર હાજાભાઇ ચુડાસમાને 10 વર્ષના કામનો હિસાબ રજૂ કરવા તાકીદ કરી હતી. જોકે ફોર્મેટ મુજબ હિસાબ રજૂ ન કરતાં ચેરમેન દ્વારા તેમને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આજની ખાસ સભામાં તેમને સસ્પેન્ડ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...