માંગ:જોષીપરામાં રસ્તાના પેચવર્કનું કામ નબળું, બંધ કરાવવા માંગ

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળામાં પાણીની લાઇન માટે રોડ ખોદ્યો હતો
  • હજુ ગેસની લાઇન નંખાતી હોય બાદમાં પેચવર્ક કરો

શહેરના જોષીપરામાં રસ્તાનું થતું પેચવર્ક અત્યંત હલકી ગુણવત્તાના મટિરીયલ્સ સાથે થતું હોય આ કામ બંધ કરાવવા સ્થાનિક લોકોએ માંગ કરી છે. આ અંગે જોષીપરાની શિવનગર સોસાયટીમાં રહેતા કચરાભાઇ ભૂવાએ કમિશ્નર રાજેશ તન્નાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, અમારા રહેણાંક વિસ્તારમાં ઉનાળામાં પાણીની લાઇનો નાંખવા માટે રોડ ખોદ્યો હતો. બાદમાં છેક હવે રસ્તાનું પેચવર્ક શરૂ કરાયું છે! દરમિયાન પેચવર્કની ગુણવત્તા સાવ હલકી કક્ષાની છે.

પરિણામે થોડા સમયમાં જ રોડની સ્થિતી પહેલા જેવી જ થઇ જશે માટે આ કામગીરી બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ છે. વળી, આ વિસ્તારમાં જ ગેસની પાઇપ લાઇનનું કામ પણ ચાલુ છે જેથી રોડ ફરી ખોદાશે. ત્યારે હાલ થતું પેચવર્કનું કામ અટકાવી પ્રજાના ટેક્ષના નાણાં બરબાદ ન કરવા તેમજ ગેસની લાઇન નંખાઇ જાય પછી જ પેચવર્ક કરવામાં આવે તેવી માંગ છે. આ પેચવર્ક સમયે પણ સારી ગુણવત્તાનું કામ થાય તે માટે સ્થાનિક રહિશોના અભિપ્રાય લેવા પણ માંગ છે.

અન્ય સમાચારો પણ છે...