રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને પગલે મેઘમહેર થઈ રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગીર જંગલ વિસ્તારમાં સતત વરસાદ વરસતાં મછુન્દ્રી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેને લઈ ગીર-ગઢડા પાસે આવેલો પ્રખ્યાત દ્રોણેશ્વર ડેમ (બંધારો) ઓવરફ્લો થયો હતો. ત્યારે ડેમનાં આહલાદક કુદરતી દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ નજારો જોવા આસપાસથી મોટી સંખ્યામાં લોકો ડેમ સાઈટ પર ઊમટી પડ્યા હતા.
મછુન્દ્રી નદીમાં વરસાદી પાણી વહેતું થયું
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. ગીર જંગલ વિસ્તારમાં કાળાં ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. ગીર જંગલમાં સારોએવો વરસાદ વરસ્યો હોવાથી એનું પાણી નદી-નાળાઓ મારફત ગીર-ગઢડા તાલુકામાંથી પસાર થતી મછુન્દ્રી નદીમાં વહેતું થયું હતું, જેને પગલે આ નદી પર પ્રખ્યાત દ્રોણેશ્વર ધામ નજીક આવેલો દ્રોણેશ્વર ડેમ (બંધારા) છલકાયો હતો. જેથી આહલાદક દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ વર્ષે ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે આ ડેમનાં અદભુત દૃશ્યો જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકો ઊમટી પડ્યા હતા.
ડેમ છલકાતાં આહલાદક નજારો
આ દ્રોણેશ્વર ડેમ અને મછુન્દ્રી નદી તેમજ આસપાસના વિસ્તારોનાં આકાશી દૃશ્યો પણ સામે આવ્યાં છે. મછુન્દ્રી નદીમાં ધસમસતા નવા નીરને કારણે ડેમ છલકાતાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. તો વરસાદી માહોલના લીધે ડેમ અને નદીની આસપાસના વિસ્તારોમાં કુદરતી લીલોતરી સોળે કળાએ ખીલી ઊઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.