ખેડૂતોને ડબલ માર:ડીઝલના ભાવ વધતા થ્રેશર, ખેતી કામમાં પ્રતિકલાકે રૂપિયા 200થી 400નો વધારો

ઊના/કેશોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મગફળીનો પાક તૈયાર કરવા પાછળનો ખર્ચ વધ્યો
  • સરકારે ટેકાના ભાવ 1110 જાહેર કર્યા, જૂનાગઢ યાર્ડમાં રૂા.700થી 1102 ભાવ

ડીઝલનો ભાવ વધતાં માત્ર જીવનજરૂરી ચીજવસ્તુનું પરિવહનજ નહીં, ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલથી ચાલતા ઓજારો ચલાવવા પણ મોંઘા બન્યા છે. સોરઠમાં હાલ મગફળીની સીઝન છે. એવામાં થ્રેશર પ્રત્યેક ખેડૂતોની જરૂરિયાત છે. બધા પાસે પોતાના થ્રેશર હોતા પણ નથી. પણ ડીઝલનો ભાવ વધતાં થ્રેશર ચલાવવાનો અને ખેતર સુધી લઇ જવાના ખર્ચમાં વધારો થયો.

જેની સીધી અસર પાક જણસની પડતર કિંમત પર પડશે. બીજી તરફ ખેડૂતોને ડીઝલ તો બજાર ભાવેજ ખરીદવું પડે છે. આથી એમાં કોઇ જાતની રાહત મળતી નથી. જો ટેકાના ભાવમાં સરકાર વધારો કરી દે તો ખેડૂતોની કમાણી જળવાઇ રહે. તો જેઓને પોતાની જણસ યાર્ડ સુધી પહોંચાડવાની છે તેના વાહન ભાડામાં પણ વધારો થવાનો જ છે. આમ ખેડૂતોને જણસ તૈયાર કરવાથી લઇને વાહન ભાડાંનો માર પડવાનો છે એ નક્કી.

અમારે ફરજિયાત થ્રેશરનો ભાવ ડબલ કરવો પડશે
મારી પાસે 20 વર્ષથી થ્રેશર છે. ડીઝલનો ભાવ વધ્યો હોવાથી અમે પણ ભાવ વધાર્યા. બધા પાસે ટ્રેક્ટર કે થ્રેશર ન હોય. પહેલાં અમે 1 કલાકના 400 રૂપિયા લેતા. પણ ડીઝલના ભાવ વધવાથી અમારે આ વર્ષે ફરજિયાત 800 રૂપિયા કરવા પડશે. જો આવુંજ રહેશે તો ખેડૂતો ફરી બળદગાડાએ આવી જશે. અને પહેલાંની જેમ હાથેથી મગફળી ખંખેરવાનો વારો આવશે. - કિશોરભાઇ ગોવિંદભાઇ કણસાગરા, ખાંભલા, તા. માણાવદર

ખેડવાનો ખર્ચ ડબલ થઇ ગયો
અમારી પોતાની જમીન ખેડવામાં 10 વર્ષ પહેલાં વિઘે 300 રૂપિયા લેખે 29 વીઘાનો રૂ. 9 હજાર ખર્ચ થતો. જે ડીઝલના ભાવ વધવાની 1 વીઘાનો ખર્ચ 600 રૂપિયા થઇ ગયો છે. આમ હવે અમારો ખર્ચ રૂ. 18 થી 20 હજાર થઇ ગયો. - મનસુખભાઇ ગોહેલ, ઉમેજ, તા. ઊના

​​​​​​​વાહનોના ભાડા વધ્યા
ડીઝલના ભાવ રૂ. 100 થતાં મજૂર સાથેના થ્રેશરના ભાવ 700 માંથી હવે 1100 રૂપિયા થશે. જ્યારે મારા ખેતરથી ઘર દોઢ કિમી થતું હોઇ ટ્રેક્ટરના એક ફેરાનું ભાડું 400 થી વધીને હવે 600 રૂપિયા થશે. જ્યારે મજૂરી પણ વધી ગઇ છે. આમ ખેડૂત જેટલી કમાણી કરે એ પાક તૈયાર કરવા મજૂરીના રૂપમાં પાછી આપી દે છે. - મોહનભાઇ નાનજીભાઇ કમાણી, કેવદ્રા, તા. કેશોદ

​​​​​​​અત્યારે તો સોલાર પણ ન ચાલે
થ્રેશરની જરૂરિયાત સીઝનલ હોય છે. નાના ખેડૂતોને એ ન પોષાય. હવે મોટાભાગના નાના ખેડૂતોજ રહ્યા છે. ત્યાં લાઇટ ન હોય. અને સોલાર સીસ્ટમ ફીટ કરીએ તો પણ તડકો હોય તો જ ચાલે. એમ ખેડૂતોનું કહેવુ છે.

ઉત્પાદન સામે મજૂરી મોંઘી
દરેક પ્રકારના પાકના ભાવ કરતાં તેની મજૂરી વધી છે. સ્થાનીક મજૂરો મોંઘા થતાં બહારના મજુરો બોલાવવા પડે છે. એમાં પાછા ડીઝલના ભાવ આસમાને જતાં મગફળી તૈયાર કરવા થ્રેશરના 1 વીઘાના 400 ની જગ્યાએ 600 રૂપિયા ચૂકવવા પડશે. - રામભાઇ પુંજાભાઇ કરંગિયા, બામણાસા (ઘેડ)

ટ્રેકટર ભાડું મોંઘું થયું
છેલ્લા કેટલાક સમયથી ડીઝલના ભાવ સતત વધી રહ્યાં છે. આથી ખેડૂતોને ખેતી કામમાં ટ્રેકટર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. - ભરતભાઇ વીરડા, માણેકવાડા, તા. કેશોદ

​​​​​​​પહેલાં 150 હતા હવે 250 રૂપિયા થયા
પહેલાં આશરે 1 વિઘામાં રાંપ, માઢ ચલાવવા માટે રૂ. 150 નો ખર્ચ થતો હતો. હવે રૂ. 200 થી લઈ 250 ચૂકવવા પડે છે. - શાદૂરભાઇ ડાંગર, વડાળા, તા. કુતિયાણા

અન્ય સમાચારો પણ છે...