જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના લાલપુર નજીક ગતરાત્રે ધારીથી કેટરર્સનું કામ કરી આવતી રીક્ષા પુલ નીચે ખાબકતા ચાલકનું મૃત્યુ નિપજતા ગમગીની પ્રસરી ગયેલ જયારે રિક્ષામાં સવાર નવ મહિલાઓને ઇજા પહોંચતા પ્રથમ વિસાવદર બાદમાં જૂનાગઢ રીફર કરવામાં આવેલ હતી. આ અકસ્માત અંગે વિસાવદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તાલુકાના પલાસવા ગામમાં રહેતા અને કેટરર્સનું કામકાજ સાંભળતા અશોકભાઈ ઉકાભાઈ નાવલિયા (ઉ.વ.44) અને તેના ગામના નવ મહિલાઓ ગઈકાલે ધારીમાં એક પરિવારના લગ્ન પ્રસંગમાં જમણવારના કામે ગયા હતા. જ્યાં રસોડાનું કામ પુરૂ થયા બાદ અશોકભાઈ અને નવ બહેનો તેમની રિક્ષામાં ધારીથી પરત પલાસવા ગામ આવી રહ્યા હતા. ત્યારે રાત્રિના એકાદ વાગ્યા આસપાસ તેઓની રિક્ષા વિસાવદર તાલુકાના લાલપુર નજીક મેલડી માતાજીના મંદિર પાસેના વળાંકમાં પહોંચેલ ત્યારે અશોકભાઈએ રીક્ષા પરનો કાબુ ગુમાવી દેતા રિક્ષા રોડ પરથી પુલની નીચે ખાબકી હતી. ત્યારે રીક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો.
જેમાં અશોકભાઈ નાવલિયાને ગંભીર ઇજાઓ પહોંચેલ જ્યારે રિક્ષામાં સવાર અન્ય બહેનોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. દરમ્યાન કેટરર્સનું કામ રાખનાર વિપુલભાઈ હીરપરા પાછળ મેટાડોરમાં આવી રહ્યા હતા. એ સમયે રસ્તા પર ઉભેલ મહિલાઓ તેમને અકસ્માત અંગે જાણ કરી હતી. બાદમાં અશોકભાઈને અને અન્ય ઇજાગ્રસ્ત બહેનોને પ્રથમ વિસાવદર સારવારમાં ખસેડાયેલ હતા જ્યા અશોકભાઈ નાવલિયાને ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ અને ઇજાગ્રસ્ત મહિલાઓને પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં મોસમીબેન, પ્રિયંકાબેન સહિતની બહેનોને વધુ ઇજાઓ હોવાથી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા.આ અંગે વિપુલભાઈએ ફરિયાદ કરતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ચાલકના મૃત્યુથી નાના એવા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.