તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ શહેરમાં રિક્ષા ભાડામાં ડબલ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વ્યક્તિ દીઠ 10 રૂપિયા ભાડું વસુલ કરવામાં આવતું હતું તેમાં વધારો કરી રૂપિયા 20 કરી દેવામાં આવ્યું છે. આ અંગે એકતા રિક્ષા ચાલક એસોસિએશને જણાવ્યું છે કે, હાલમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં તોતીંગ વધારો થઇ રહ્યો છે. પરિણામે ખર્ચમાં પણ વધારો થયો છે. ઓછા ભાડામાં હવે રિક્ષા ચાલકોને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.
અગાઉ કોરોના મહામારીના કારણે લાંબો સમય સુધી રિક્ષાના ધંધા પડી ભાંગ્યા હતા. હવે ગાડી પાટે ચડી છે પરંતુ પેટ્રોલ, ડિઝલના તેમજ અન્ય સ્પેર પાર્ટસના ભાવમાં થતા વધારાના કારણે ના છૂટકે ભાવમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. હવે શહેરના દરેક પોઇન્ટની મુસાફરી માટે વ્યક્તિદિઠ મિનીમમ 20 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. દરમિયાન રિક્ષાના ભાડામાં થયેલા ડબલ વધારાના કારણે સામાન્ય લોક કે જે ખરીદી માટે કે નોકરી, ધંધાએ જવા માટે રિક્ષાનો ઉપયોગ કરે છે તેમની મુશ્કેલીમાં વધારો થશે. શહેરનો એક મોટો વર્ગ અવરજવર માટે રિક્ષા પર આધારિત છે. ત્યારે આ ભાવ વધારાથી તેમને આર્થિક માર પડશે.
અગાઉ પણ 5ના સીધા 10 કર્યા હતા
રિક્ષા વાળાએ અગાઉ પણ આ રીતે જ એકના ડબલ ભાવ વધારો કર્યો હતો. અગાઉ રિક્ષા ભાડું 5 રૂપિયા હતું ત્યારે નિયમ મુજબ 3 પેસેન્જર બેસાડતા નુકસાન જતું હોય તેમ જણાવી 5ના સીધા 10 રૂપિયા ભાડું કરી દીધું હતું. ત્યાર બાદ પેસેન્જર તો ઠાંસી ઠાંસીને જ ભરાય છે. હવે પેટ્રોલ અને ડિઝલનાં ભાવ વધારાને લઇ ફરી રિક્ષા ભાડું 10 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ રીતે બીજી વખત ભાડામાં એકનાં ડબલગણો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. જેથી રિક્ષામાં મુસાફરી કરનારા લોકોની પરેશાનીમાં વધારો થશે.
એસોસિએશનને ભાવ વધારો કરવાની સત્તા નથી
રિક્ષા ભાડામાં વધારો કરવાની એસોસિએશનને સત્તા નથી. ભાડામાં કેટલો વધારો કરવો એ એસટીએ(સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી)ની કમિટી નક્કી કરતી હોય છે. આ કમિટીમાં આરટીઓના અધિકારી સભ્ય હોય છે. ત્યારે આ રીતે ભાવ વધારો થઇ ન શકે. > યુ. બી. સોલંકી, આરટીઓ, જૂનાગઢ.
1,25,000 લોકો દરરોજ રિક્ષામાં કરે છે મુસાફરી
શહેરમાં 2,500 જેટલી રિક્ષા છે. દરેક રિક્ષામાં દિવસ દરમિયાન એવરેજ 50 લોકો અવર જવર કરે છે. આમાં જૂનાગઢ સિટીના તેમજ બહાર ગામથી આવતા પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આમ, રિક્ષાના માધ્યમથી દરરોજ અંદાજે 1,25,000 લોકોની અવર જવર થાય છે. > આર.એમ. વાળા, પ્રમુખ, એકતા રિક્ષા ચાલક એસોસિએશન.
પાસીંગ કરતા વધારે બેસે તેનું પણ અધિકારી ધ્યાન રાખે
રિક્ષામાં 3 પેસેન્જર અને એક ડ્રાઇવર એમ 4 નું જ પાસીંગ હોય છે. જોકે, આ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. પરિણામે રિક્ષામાં ઠાંસી ઠાંસીને પેસેન્જર ભરવામાં આવે છે. ત્યારે જવાબદાર ઓથોરિટી દ્વારા ભાડું નક્કી કરાયા બાદ પેસેન્જર બાબતે પણ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે.
તંત્ર દરમિયાનગિરી કરે તે જરૂરી
હાલ જૂનાગઢમાં એકતા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરાયો છે. ત્યારે આ ભાવ વધારામાં તંત્ર દરમિયાનગિરી કરે તે જરૂરી છે. સામાન્ય પબ્લીકને પણ માર ન પડે અને રિક્ષા ચાલકોને પણ નુકસાન ન થાય તે માટે યોગ્ય રસ્તો કરી ભાવ નક્કી કરવો જોઇએ તેવું પણ લોકોમાંથી જાણવા મળી રહ્યું છે.
કિલોમિટર દીઠ ભાડું નક્કી કરો
સામાન્ય લોકોમાંથી એવી પણ માંગ ઉઠી રહી છે કે, રિક્ષામાં કિલોમિટર દીઠ ભાડું નક્કી કરવું જોઇએ. જેટલા કિલોમિટર જવું હોય તેટલા કિલોમિટરના ભાવ મુજબ ભાડું ચૂકવવાનું થાય, જેથી આડેધડ ભાડા વસુલી ન થાય.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.