જૂનાગઢના અને કોંગ્રેસના આગેવાન પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યાની ઘટનાને અંજામ આપનાર ભાજપના વોર્ડ નં.15 ના મહિલા કોર્પોરેટરના પતિ સહિત છ આરોપીઓને ઝડપી લઇ પોલીસે વઘુ તપાસ હાથ ઘરી છે. આ હત્યામાં ફરિયાદીએ શકદાર તરીકે આપેલા નામો અંગે તપાસ ચાલી રહી છે જેમાં પુરાવા હાથ લાગ્યા બાદ વઘુ કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્દેશ પોલીસ આપી રહી છે.
બે દિવસ પહેલા બન્યો હતો હત્યાનો બનાવ
બે દિવસ પૂર્વે જૂનાગઢ શહેરમાં બિલખા રોડ પર આવેલ દાતાર મંઝિલ જજ કોલોની પાસે જૂનાગઢના પૂર્વ મેયર અને કોંગ્રેસના આગેવાન લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશ પરમારની તીક્ષણ હથિયારો વડે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સરાજાહેર હત્યાને કરનાર આરોપીઓને ઝડપી લેવા ડીવાયએસપી પી.જી.જાડેજાએ એલસીબી, એસઓજી અને એ ડિવીઝનના પોલીસ સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી સીસીટીવી, ટેકનીકલ સેલની મદદથી તપાસ હાથ ઘરી હતી. જયારે બીજી તરફ પોલીસે મૃતક ધર્મેશના ભાઈની ફરિયાદના આધારે ગુનો નોંઘેલ હતો.
અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ
બનાવના દિવસે જ રાજકોટ ખાતેથી પ્રથમ ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા હતા. બાદમાં હત્યામાં સામેલ વઘુ ત્રણ શખ્સોને ઝડપી લીઘા છે. જેમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશ સોલંકી, સંજય ઉર્ફે બાડીયો સુરેશ સોલંકી, ઋષિરાજ ઉર્ફે લાલો રશ્મિકાંત ઠાકોર, સુરેશ ઉર્ફે સૂર્યો સામત ખરા, રાહુલ ઉર્ફે બુલીયો રમેશ પરમાર અને રામજી ઉર્ફે રામભાઈ જીવરાજ વાળા સહિત છએય આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલ હથિયારો કબ્જે કરેલ છે.
આ હત્યા અંગે જૂનાગઢ પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવેલ કે, મૃતક ધર્મેશ પરમાર અને સંજય સોલંકી વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકુટ ચાલતી હતી. મહાનગરપાલિકાની ચૂંટણી સમયે પણ અવારનવાર બંન્ને વચ્ચે રકઝક થઈ હતી. જેને લઇ સંજય સોલંકીએ ધર્મેશ પરમારની હત્યા કરવાનું કાવતરૂ રચ્યું હતું. જેમાં કમલેશ ઉર્ફે મચ્છર તેના સગા ભાઈને આ કામ પાર ઉતારવા માટે જણાવેલ હતું. કમલેશ ઉર્ફે મચ્છરે તેના સાગરિતો સાથે રહીને ધર્મેશ પરમારને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.
મુખ્ય કાવતરાખોર મધ્યપ્રદેશમાંથી ઝડપાયો
હત્યાના મુખ્ય કાવતરાખોર સંજય સોલંકીને મધ્યપ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યો છે અને એક આરોપીને જુનાગઢમાંથી બાતમીના આધારે પકડી લેવાયો છે. જયારે બાકીનાને રાજકોટ નજીકથી ઝડપી લેવાયા હતા. મુખ્ય કાવતરાખોર સંજય ઉર્ફે બાડીયો સોલંકી નામનો આરોપી જુનાગઢ મનપાના વોર્ડ નં.15 ના મહિલા કોર્પોરેટર બ્રિજીશાબેન સોલંકીનો પતિ છે. ફરિયાદીએ લખાવેલા તમામ નામોની ચકાસણી કર્યા બાદ પુરાવા મળ્યે કાર્યવાહી થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.