પત્નીએ શિક્ષક પતિનો જીવ લીધો:કેશોદમાં એક માસ પૂર્વે પત્નીના ખૂની હુમલાથી ઇજાગ્રસ્ત થયેલા નિવૃત્ત શિક્ષકનું મોત, જેલવાસ ભોગવી રહેલી પત્ની સામે હત્યાનો ગુનો નોંધાયો

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટના સમયે બે શખ્સોએ હુમલો કર્યાની પત્નીએ સ્ટોરી કરી હતી
  • પોલીસ તપાસમાં પત્નીની સ્ટોરી ખોટી નિકળતાં ધરપકડ કરાઇ હતી
  • ગઇકાલે નિવૃત્ત શિક્ષકનું મોત થતાં પત્ની સામે હત્યાના ગુનાની કલમ ઉમેરાઇ

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં સવા માસ પહેલા નિવૃત્ત શિક્ષક પર તેના પત્નીએ જીવલેણ ખૂની હુમલો કરતા ગંભીર ઇજા થઇ હતી. સારવાર બાદ ઘરે આવેલા નિવૃત્ત શિક્ષકનું ગઈકાલે મોત થતા પોલીસે હાલ જેલમાં રહેલા તેમની પત્ની સામે હત્યાના ગુનાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સમયે નિવૃત શિક્ષકના પત્નીએ બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની સ્ટોરી બનાવી હતી. જોકે, પોલીસ તપાસમાં સ્ટોરી ખોટી નિકળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, કેશોદના સરદારનગર સોસાયટી વિસ્તારમાં આવેલા પરશુરામ આશ્રમમાં રહેતા નિવૃત શિક્ષક બીપીનભાઈ પંડ્યા ગત તા.9-10-2021ના સવારે ઘરે સુતા હતા તે સમયે તેમના પત્ની પૂજાબેન ઉર્ફે સ્વાતિબેને પતિ બીપીનભાઈ પર ખૂની હુમલો કરતા ગંભીર ઇજા થઇ હતી.

બાદમાં નિવૃત શિક્ષકને જૂનાગઢ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. જ્યારે તેમના પત્ની પૂજાબેન ઉર્ફે સ્વાતિબેને પોતે ન્હાવા બાથરૂમમાં ગયા ત્યારે બે અજાણ્યાં શખ્સોએ આવી પોતાના પતિ પર ખૂની હુમલો કર્યાની ફરિયાદ કરી હતી. પોલીસ અને એલસીબીએ તપાસ કરતા પૂજાબેન ઉર્ફે સ્વાતિબેને જે જણાવ્યું તે મુજબ કાઈ ન બન્યું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે પૂજાબેન ઉર્ફે સ્વાતિબેનની પુછપરછ કરતા તેણીએ પોતાના પતિ હેરાન કરતા હોવાથી હુમલો કર્યાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે પતિ પર ખૂની હુમલા મામલે પૂજાબેન ઉર્ફે સ્વાતિબેન સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

થોડા દિવસો બાદ નિવૃત શિક્ષક બીપીનભાઈ સારવાર લઈ ઘરે આવી ગયા હતા. પરંતુ તેઓનું ગઈકાલે મૃત્યુ થયું હતું. જેથી આ મામલો હત્યામાં પલટયો હતો. જેથી આ મામલે કેશોદના ઇન્ચાર્જ પીઆઇ એન.બી. ચૌહાણે જણાવ્યું હતું કે પત્નીએ કરેલા ખૂની હુમલામાં ઇજાગ્રસ્ત નિવૃત્ત શિક્ષક બીપીનભાઈનું ગઈકાલે મોત થયું હતું. આથી હાલ ખૂની હુમલાના કેસમાં જેલમાં રહેલી તેમનૂ પત્ની પૂજાબેન ઉર્ફે સ્વાતિબેન સામે હત્યાની કલમ ઉમેરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...