જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ પાછળ આવેલ ડમ્પિંગ સ્ટેશનના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરતા છાત્રો અને અભ્યાસ કરાવતા સ્ટાફના આરોગ્ય સામે જોખમ ઉભું થઇ રહ્યું છે. ત્યારે આ ડમ્પિંગ સ્ટેશનને શહેરથી દૂર કરવાની માંગ ઉઠી રહી છે.
આ અંગે મહાનગરપાલિકામાં અવાર નવાર રજૂઆતો કરવા છત્તાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ત્યારે હવે ત્યાં ફેલાયેલી ગંદકીના કારણે રોગચાળો ફાટી નિકળે અને લોકોનું આરોગ્ય જોખમાઇ તો જવાબદારી કોની? તેવો સવાલ લોકોમાંથી ઉઠવા પામ્યો છે. ખાસ તો અહિં ડમ્પિંગ સ્ટેશનના કારણે કચરાના ગંજ ખડકાયેલા રહે છે. ચારો તરફ ગંદકીના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગન્ધ સતત આવતી રહે છે. તેમ છત્તાં અહિં દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી.
પરિણામે અહિં રહેનારા લોકો તેમજ બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તંગ આવી ગયા છે. આ ઉપરાંત અહિં પશુઓનો પણ જમાવડો રહે છે. ક્યારેક આવા પશુ અચાનક દોડે છે અને ત્યાંથી પસાર થનારને હડફેટે લઇ ઇજાગ્રસ્ત પણ બનાવે છે. ત્યારે આ અસહ્ય ત્રાસમાંથી લોકોને છોડાવવા માટે ડમ્પિંગ સ્ટેશનને હટાવવાની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
ડમ્પિંગ સ્ટેશનને કારણે મેદાન છિનવાયું
અગાઉ અહિંના મેદાનમાં મેળા થતા, સાંસ્કૃતિક કાર્યક્રમો થતા તેમજ અનેક પ્રદર્શનો- એકઝિબીશન પણ યોજાતા હતા. અનેક રાજકીય સભાઓ તેમજ મનોરંજનના કાર્યક્રમો પણ થતા હતા. વિદ્યાર્થીઓ અને બાળકો અહિં ક્રિકેટની મેચ તેમજ અન્ય રમતો રમી પ્રેકટિસ કરતા હતા. પરંતુ ડમ્પિંગ સ્ટેશન બનતા આ મેદાન છિનવાઇ ગયું છે. ત્યારે લોક હિતાર્થે આ ગ્રાઉન્ડને કચરાના ડમ્પિંગ સ્ટેશનમાંથી મુક્તિ આપવી જોઇએ.
યોગ્ય નહિ થાય તો આંદોલન
શહેરની મધ્યમાં આવેલ એક મેદાન તંત્રના અણઘડ આયોજનના કારણે છિનવાઇ રહ્યું છે. આ મેદાનને લોકોના ઉપયોગ માટે ખુલ્લું કરવાની માંગ છે. જો ટૂંક સમયમાં આ અંગે યોગ્ય નહિ થાય તો સ્થાનિકો લોકો, બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓ અને જનતાને સાથે રાખી આંદોલન કરવાની ફરજ પડશે.- પ્રવિણ મકવાણા,પ્રદેશ મંત્રી આમ આદમી પાર્ટી.
કામ કરનાર માટે પણ કોઇ સુવિધા નથી
અહિં કામ કરનાર કર્મીઓ માટે શૌચાલય જેવી સુવિધા પણ નથી. પરિણામે તેઓ કાંતો ખુલ્લામાં શૌચક્રિયા કરવા મઝબૂર બને છે અથવા બહાઉદ્દીન કોલેજની દિવાલ ડપીને અંદર જઇ ગંદકી કરે છે.
પશુ પ્લાસ્ટિક ખાઇ મોતને ભેંટે છે
અહિં ઠલવાતા એંઠવાડ સહિતના કચરાના કારણે પશુઓ સતત પડ્યા અને પાથર્યા રહે છે. તેઓ પ્લાસ્ટિકમાં નાંખેલ એઠવાડ ખાય છે અને મોતને ભેંટે છે.
દાતાર રોડ પર 3 ગૌમાતાના મોતથી અરેરાટી
શહેરના દાતાર રોડ સ્થિત સ્વામિ વિવેકાનંદના સ્ટેચ્યુ નજીક સોમવારે એકીસાથે 3 ગાયોના મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. દરમિયાન આ મોત શેના કારણે થયા તે જાણવા મળ્યું નથી. પરંતુ હ્રુષ્ટ પુષ્ટ - તંદુરસ્ત ગાયોના અચાનક મોતથી એવી ચર્ચા જાગી છે કે લમ્પિ સ્કિન રોગના કારણે તો મોત થયા નથી ને? દરમિયાન આ અંગેની જાણ થતા મહાનગરપાલિકાની ટીમે ટ્રેકટર સાથે આવી મૃત ગાયોનો નિકાલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.