બોન્ડના સમયગાળા સહિતની વિવિધ માગણીનો લઈ રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટર્સ હડતાળ પર ઉતર્યા છે. ડોકટરો પોતાની માગણીઓને લઈ અડગ દેખાઈ રહ્યા છે. તો બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ડોકટર્સ પોતાની માન્યતાઓ છોડી જે સ્થળે તેઓને ફરજ સોંપવામા આવી છે ત્યાં હાજર થઈ જાય.
શ્રાવણ માસના પ્રારંભે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવેલા આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, જ્યારે કોઈ વિદ્યાર્થી MBBSમાં એડમિશન લે છે ત્યારે જ તેને બોન્ડની શરતો લાગુ પડે છે. જેનું પાલન કરવા માટે તમામ તબીબ બંધાયેલા છે. શરતોને જોતા સરકારે તેમની સાથે કોઈ ચર્ચા કરવાની જરુરીયાત નથી. તેમ છતા હડતાળી ડોકટર બિનશરતી રીતે તેઓને જે સ્થળે ફરજ સોંપવામા આવી છે ત્યાં હાજર થઈ જાય. જો કોઈ તબીબને પારિવારિક કારણોસર કોઈ તકલીફ હશે તો બાદમાં સરકાર સમક્ષ રજૂઆત કરશે અને તે વ્યવહારિક હશે તો સરકાર બદલી માટે વિચારણા કરશે.
નોંધનીય છે કે, રાજ્યની છ સરકારી મેડિકલ કોલેજના 2000 જેટલા રેસિડેન્ટ તબીબ હડતાળ પર ઉતરી ગયા હોવાના કારણે સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને ઓપરેશન સહિતની સારવારમાં મુશ્કેલીઓની ફરિયાદો પણ સામે આવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.