વરૂ બાળનો જન્મ:જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં રેકોર્ડ સર્જાયો, વધુ 10 બચ્ચાંઓ જન્મતા ચાલુ વર્ષે સૌથી વધુ 21 વરૂ બાળનો જન્મ

જૂનાગઢએક મહિનો પહેલા
  • એક દિવસમાં વરૂ માતાએ 6 અને તેની પુત્રીએ 4 બચ્ચાંને જન્મ આપ્યો
  • સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લા 5 વર્ષમાં વરૂની સંખ્યા 60 પર પહોંચી

દુનિયામાં વરૂ પ્રાણીની વસ્તી ઘટી રહી છે. ત્યારે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂલોજિકલ ગાર્ડનમાં ઇન્ડીયન ગ્રે વુલ્ફ એટલે કે વરૂની પ્રજાતિને બચાવવા માટેનું બ્રિડીંગ સેન્ટર ચાલી રહ્યું છે. ગઈકાલે રવિવારે અહીં વરૂ માતા અને તેની દીકરીએ એક જ દિવસમાં 10 બચ્ચાઓને જન્મ આપતા વરૂની સંખ્યા 60 પર પહોંચી ગઈ હતી.

માતાએ 6 અને દીકરીએ 4 બચ્ચાંને જન્મ આપ્યો

આ વિશે સક્કરબાગ ઝૂ ના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, ઇન્ડીયન ગ્રે વુલ્ફ વરૂને બચાવવા ચાલી રહેલા બ્રિડીંગ સેન્ટરમાં ગઈકાલે અનોખી ઘટના સામે આવી હતી. જેમાં વરૂ માતા પ્રજ્ઞા અને તેની દીકરી માદા વરૂ એક સાથે પ્રેગ્નન્ટ થતા બંન્નેએ એકસાથે 10 બચ્ચાંને જન્મ આપ્યો છે. જેમાં માતા પ્રજ્ઞાએ એકસાથે 6 બચ્ચા અને તેની દીકરી માદા વરૂએ 4 બચ્ચાંને જન્મ આપ્યો છે. હાલ 10 બચ્ચા 24 કલાક માતાની અને સ્ટાફની દેખરેખ હેઠળ તંદુરસ્ત છે.

વર્ષ 2014-15માં શરૂ કરાયું બ્રિડીંગ સેન્ટર

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક અનોખી ઘટના અને એક નવી જનરેશન શરૂ થઈ છે. માતા વરૂ પ્રજ્ઞાએ આ પહેલા પાંચ વરૂને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તે પાંચ બચ્ચા પૈકીની એક માદા વરૂએ પણ તેની માતા સાથે બચ્ચાને જન્મ આપતા એક જ પરિવારની જનરેશન ચાલુ થઈ હતી. નોંધનીય છે કે સને. 2014-15ના વર્ષથી સક્કરબાગ ઝૂમાં વરૂ માટે બ્રિડીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.

ચાલુ વર્ષે બચ્ચાંઓના જન્મથી રેકોર્ડ સર્જાયો

સક્કરબાગ ઝુ ના આરએફઓ નિરવ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, આ ડિસેમ્બર 2021માં વરૂના જન્મને લઈને રેકોર્ડ સ્થપાયો છે. અગાઉ 2019માં 19 બચ્ચાનો જન્મ થયો હતો, જ્યારે ગત વર્ષે 2020માં 7 બચ્ચાંનો જન્મ થયો હતો. પરંતુ આ વર્ષે 2021માં નવેમ્બર સુધીમાં 5 બચ્ચા અને ડિસેમ્બર 2021ના એક જ માસમાં 16 બચ્ચાઓનો જન્મ થતા 2021ના વર્ષમાં વરૂના જન્મની સંખ્યા 21 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...