મારામારી:સાસણ ગીરના ફાર્મ હાઉસમાં 'ધમાલ નૃત્ય' જોવા મામલે રાજ્કોટ અને તાલાલાના પરિવારો વચ્ચે ધમાલ થઈ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાર્મ હાઉસમાં ધમાલ નૃત્ય વાળાને બોલાવવા માટે ચુકવવાના ખર્ચની રકમ ભાગે પડતી આપવા બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો
  • છરી, લાકડી સહિતના હથિયાર વડે થયેલ મારામારી મામલે બંન્ને પક્ષે સામ સામી ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સાસણ ગીર ફરવા આવેલા રાજકોટના ત્રણ પરિવારો મેંદરડાના હરિપુર નજીક એક ફાર્મ હાઉસમાં રોકાયા હતા. જ્યાં ભાગે પડતા પૈસા કાઢી પ્રખ્યાત સિદી બાદશાહનું ધમાલ નૃત્ય જોવાનું આયોજન કરેલ હતુ. તેવા સમયે બહારથી ફાર્મમાં જમવા આવેલ તાલાલાના સોની પરીવાર સાથે નૃત્ય જોવા મામલે ઝઘડો થયા બાદ બંન્ને પરિવારો વચ્ચે સામ સામે બોલાચાલી બાદ મારામારી થયેલ હતી. જેમાં બંને પક્ષના લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવેલ હતા. આ મામલે બંન્ને પરિવારોએ સામ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટી પાછળ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જયેશભાઈ કરશનભાઈ દુધાતનો પરિવાર અને તેની પડોશમાં રહેતા મિત્ર મહિપતસિંહ વનરાજસિંહ જાડેજા, કનકસિંહ વનરાજસિંહ જાડેજા અને તેના બનેવી મહાવીરસિંહ બાલુભા પરમારના પરિવાર સાથે ગઈકાલે સાસણ ગીર ફરવા માટે આવેલ હતા. તેઓએ નજીકના મેંદરડા તાલુકાના હરિપુર ગામે આવેલ 'ધ ગીર પલ્સ' ફાર્મ હાઉસમાં રોકાયા હતા. ગતરાત્રીના આ પરિવારોએ સંયુક્ત રીતે ફાળો ઉઘરાવીને પ્રખ્યાત ધમાલ નૃત્ય જોવાનું આયોજન કર્યુ હતુ.

ત્યારે સાંજે ફાર્મ હાઉસમાં તાલાલાના સોની ગીરીશભાઈ રૂગનાથભાઈ પાલા પરિવાર સાથે જમવા આવેલ હતા. જેથી ત્યારે રાજકોટના જયેશભાઈએ ગીરીશભાઈ પાસે ધમાલ નૃત્યની વાત કરી જોવું હોય તો તમારા ભાગના પૈસા આપવા કહ્યુ હતુ. ત્યારે ગીરીશભાઈએ જોવાની ના પાડી હતી બાદમાં નૃત્ય શરૂ થતા જોવા લાગતા જયેશભાઇએ તમારે જોવું ન હતુ તો કેમ જોવો છો.. જોવું હોય તો ભાગના પૈસા આપવા પડશે તેમ કહેતા બંન્ને વચ્ચે બોલાચાલી થતા ફાર્મ હાઉસના ભાગીદાર લાલાભાઈએ વચ્ચે પડીને સમાધાન કરાવતા તાલાલાનો સોની પરીવાર બહાર જતો રહ્યો હતો.

ત્યારપછી થોડા સમય રહીને ગીરીશભાઈ સોની, દીપેશ સોની, મોહિત સોનીએ બહારથી સુભાષ બાવાજી, દિનેશ બાવાજી અને જમન પટેલ નામના શખ્સોને બોલાવી સાથે ફાર્મ હાઉસમાં જઈ જયેશભાઈ અને તેમની સાથેના પરીવારજનો ઉપર છરી, લાકડી વડે ગેરકાયદે મંડળી રચીને આડેધડ મારમારીને હુમલો કર્યો હતો. જેમાં જયેશભાઈને માથામાં છરીનો ઘા, મહિપતસિંહને પડખામાં, અને મહાવીરસિંહને ખંભામાં છરીના ઘા લાગી ગયેલ હતો. ત્યારે છોડાવવા વચ્ચે પડેલ મહિપતસિંહના પત્ની પ્રીયાંશીબેન અને કનકસિંહના દીકરી ધ્રુવીશાબાને પણ ઈજાઓ થયેલ હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ મેંદરડા અને ત્યાંથી અમુક ગંભીર ઇજાવાળાઓને જૂનાગઢ રીફર કરવામાં આવેલ હતા. તો સામે પક્ષે ત્રણ-ચાર અજાણ્યા શખ્સોએ પણ ગીરીશભાઈ અને તેના પરીવાર ઉપર હુમલો કર્યો હતો. જેમાં ગીરીશભાઈ અને તેના પુત્ર મોહિતના હાથમાં ફ્રેકચર આવતા તેઓને સારવાર માટે વેરાવળ દાખલ કરાયા છે.

આ મારામારી મામલે બંન્ને પક્ષોએ સામ સામી ફરિયાદ નોધાવી છે. જેમાં જયેશભાઇ કરશનભાઇ દુધાતે ગીરીશભાઇ સોની, દિપેશ ગીરીશ સોની, મોહિત ગીરીશભાઇ સોની ત્રણેય રહે.તાલાલા, સુભાષ બાવાજી, દિનેશ બાવાજી, જમન પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાપક્ષે ગીરીશભાઇ રૂગનાથભાઇ પાલાએ ચાર અજાણ્યા પુરૂષ તથા ત્રણ અજાણી મહીલાઓ સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંન્ને ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...