તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:દરિયામાંથી આવતા ભેજવાળા પવનને કારણે ફક્ત દરિયાકાંઠા વિસ્તારમાં 6 ઇંચ સુધી વરસાદ

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફક્ત માંગરોળ, વેરાવળ, માળિયા, ઊના જેવા દરિયા કિનારાના તાલુકામાં વરસાદ શું સુચવે છે?

છેલ્લા બે દિવસથી સોરઠના દરિયાકાંઠે સારો એવો વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે ધીમી ધારનો વરસાદ થોડા કલાક પૂરતો સિમીત રહેતાં માંડ દોઢ થી પોણા બે ઇંચ સુધી સિમીત રહ્યો હતો. જ્યારે આજે એ સમયગાળામાં વધારો થતાં વરસાદના પ્રમાણમાં પણ 4 ઇંચ જેવો સારો એવો વધારો નોંધાયો છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ફક્ત દરિયાકાંઠા અને તેની નજીકના વિસ્તારોમાંજ વરસાદ થવા અંગે ગ્રામીણ કૃષિ મોસમ સેવાના ટેક્નિકલ ઓફિસર ધીમંત વઘાસિયા કહે છે, અત્યારે દેશમાં મોનસુન થ્રુ એટલેકે, ચોમાસુ ધરી બની છે.

જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને પશ્ચિમ-મધ્ય બંગાળના દરિયાકાંઠે સર્જાઇ છે. આને લીધે એવું બને છેકે, દરિયામાંથી આવતા સ્થાનિક ભેજવાળા પવન દરિયાકાંઠેથી લઇને 20 થી 25 કિમી અંદર સુધી વરસાદ વરસાવે. જો આ પવનો વધુ તાકાતવાળા હોય તો કદાચ વધુ અંદર આવે. વળી આ પવનમાં જ્યાં સુધી ભેજ હોય ત્યાં સુધી વરસાદ પડે. અને ભેજ વરસાદ રૂપે જમીન પર વરસી જાય એટલે વાદળા ખાલી થઇ જાય. આ કારણને લીધે આપણે ત્યાં બે દિવસથી ફક્ત દરિયાકાંઠા કે તેની નજીકના તાલુકામાંજ વરસાદ પડે છે.

ઊના1 ઇંચ
કોડીનાર1.5 ઇંચ
ગીર-ગઢડા1.5 ઇંચ
તાલાલાઅડધો ઇંચ
વેરાવળ6.5 ઇંચ
સુત્રાપાળા2.5 ઇંચ
કેશોદ2.5 ઇંચ
જૂનાગઢ1 ઇંચ
ભેસાણઅડધો ઇંચ
મેંદરડાઅડધો ઇંચ
માંગરોળ3 ઇંચ
માળીયા1.5 ઇંચ
વંથલી1 ઇંચ
વિસાવદરઅડધો ઇંચ

માંગરોળ પંથકમાં બપોર સુધીમાં 3 ઈંચ વરસાદ
માંગરોળ પંથકમાં મેધરાજા મન મુકીને વરસ્યા હતા. છેલ્લા બે દિવસથી પડેલા વરસાદમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે સવારથી જ વાદળછાંયા વાતાવરણ વચ્ચે બપોર સુધીમાં 3 ઈંસ વરસાદ ખાબક્યો હતો. માંગરોળ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા 2 દીવસમાં 6 ઈંચ જેટલો વરસાદ પડતાં ખેતરો લીલાછમ જોવા મળતા ધરતી પુત્રોમાં આંનદની લાહેર ફેલાઈ હતી.

વેરાવળમાં 8થી 10માં 4 ઇંચ, 12 કલાકમાં 6.52 ઇંચ વરસાદ

ઠેરઠેર બજારો, માર્ગો અને અમુક શોપીંગ કોમ્પલેક્ષમાં પાણી ભરાઈ દુકાનમાં ઘુસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા, પ્રીમોન્સૂનની કામગીરીની પોલ ખુલી
વેરાવળ સોમનાથ શહેર અને પંથકમાં મંગળવારે વ્હેલી સવારથી ભારે વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા. આજે સવારે 2 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસી જતા લોકોએ વરસાદનો લ્હાવો લીધો હતો. તો શહેરની અમુક બજારો અને કોમ્પલક્ષમાં વરસાદી પાણી ભરાઈને દુકાનોમાં ઘુસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જ્યારે અનેક માર્ગે પર ગોઠણડુબ પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.આજે સતત બીજા દિવસે વેરાવળ- સોમનાથ શહેર અને પંથકમાં મેઘરાજા મહેરબાન બની ધોધમાર અનરાધાર હેત વરસાવતા સવારે 2 કલાક માં ચાર ઇંચ વરસાદ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

શહેર અને પંથકમાં વહેલી સવારથી અવિરત મેઘસવારીને પગલે સર્વત્ર વરસાદી માહોલ સાથે ઠંડકનો માહોલ છવાયો છે. વેરાવળ સોમનાથમાં આવે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં અડઘો ઇંચ ત્યારબાદ 8 થી 10 વાગ્યા બે કલાકમાં અનરાધાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરના મુખ્ય સહિતના અનેક માર્ગો પર ગટરો ઉભરાઈ જતા વરસાદી સાથે ગટરના ગંદા પાણી વહેતા થતા રાહદારીઓ પરેશાનીમાં મુકાયા હતા.સોમનાથ સાનિધ્યે આવેલ શોપીંગ કોમ્પલેક્ષમાં ગોઠણડૂબ પાણી ભરાતા અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા જેના પગલે દુકાનદારો માલ બચાવવા ચાલુ વરસાદે ધંધે લાગ્યા હતા.

જ્યારે વેરાવળના સટા બજાર, સુભાષ રોડ, તપેશ્વર મંદિર રોડ, લોહાણા હોસ્પીટલ રોડ, એસટી રોડ, પાલીકા કચેરી આસપાસ, સોમનાથ ટોકીઝ વિસ્તાર સહિત અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. લાંબા વિરામ બાદ બે દિવસથી આવી રહેલ અવિરત ધોધમાર વરસાદએ પાલીકાએ કાગળ પર કરેલ પ્રીમોન્સૂન કામગીરીની મેઘરાજાએ પોલ ખોલી નાખી હોય તેવા દર્શયો શહેરમાં ઠેર ઠેર જોવા મળ્યા હતા. જેથી લોકોમાં પાલીકા તંત્ર સામે રોષ પ્રવર્તેલ હતો. શહેરમાં મંગળવારે દિવસ દરમિયાન 6.5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.

કેશોદના વાયવ્ય દિશા તરફના ગામડાઓમાં 2 ઈંચ વરસાદ
કેશોદ તાલુકાના વાયવ્ય દિશામાંં આવેલ ઘેડ પંથકના બામણાસા, સરોડ, પાડોદર, અખોદર તેમજ આસપાસના ગામડાઓમાં મંગળવારની સાંજના ત્રણ થી સવા ચાર કલાક વચ્ચે 2 ઇંચ પાણી પડ્યું હતું. આથી ખેતરો વરસાદી પાણીથી તરબોળ બન્યાં હતાં. જ્યારે ખેડુતોએ કુવાઓ રીચાર્જ કર્યા હતાં. હજુ તાલુકાના અમુક ગામડાઓમાં જોઇએ તેટલો વરસાદ ન થતાં જોરદાર વરસાદની રાહે ખેડુતો બેઠા છે. કેશોદથી 5 કીમી દુર મામલતદાર કચેરી ખાતે મંગળવારના રોજ કુલ 56 મીમી વરસાદ નોંધાયો છે. જે આ સીઝનનો કુલ 88 મીમી નોંધાયો છે.

નિકાલના ભૂંગળા સાફ ન થતાં હિરણના પુલ પર પાણી, કાજલી યાર્ડ પાસે વાહન ચાલકોને ભારે મુશ્કેલી
વેરાવળ-કોડીનારને જોડતા હાઇવે પરનો એકમાત્ર કાજલી યાર્ડ પાસેનો હિરણ નદીનો પુલ તરફ તંત્ર હંમેશાં દુર્લક્ષ સેવતું રહ્યું છે. આ પુલ પરથી સતત વાહનની અવરજવર ચાલુજ હોય છે. આમ છત્તાં દર ચોમાસે તેના પરથી વરસાદી પાણીના નિકાલ માટે નાનકડા ભૂંગળા બનાવ્યા છે. પણ એ સાફ ન થવાને લીધે પુલ પર પાણી ભરાય છે. અને પાણી ભરાવાને લીધે ડામર ઉખડી જતાં ખાડા પડે છે. ખાડા પડવાને લીધે પુલ પરથી પસાર થતા ભારે વાહનોના થડકા તેને વધુ નબળો બનાવે છે અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી અનુભવવી પડે છે.

માળિયામાં મન મૂકીને વરસાદ વરસતા ખેતરો લીલા છમ
માળિયામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત પણે વરસાદ આવતા રોડ-રસ્તા, નદી-નાળામાં પાણી વહેતા થયા હતા. વરસદાના આગમનથી ખેતરો લીલા છમ જોવા મળતા ચારેકોર હરિયાળી છવાઈ હતી. જ્યારે ગઈકાલે સવારથી જ ધીમીધારે વરસાદ પડતા સાંજના 5 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ મોસમનો કુલ 211 મીમી સાડા આઠ ઈંચ જેટલો વરસાદ નોઁધાયો છે. આસપાસના ગમોમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

માણેકવાડામાં સાંજના સમયે ધોધમાર વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં
​​​​​​​કેશોદ પંથકના માણેકવાડા ગામે દિવસ દરમ્યાન સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. જેના લીધે ખેડુતો ચિંતિત બન્યાં હતા. ખેતરોમાં વાવેલા ઊભા પાક માટે વરસાદએ આશિર્વાદ સમાન ગણાય છે. જેથી સાંજના સમયે અચાનક વરસાદ શરૂ થતાં કાગડોળે વરસાદની રાહે બેઠા ધરતી પુત્રોમાં હરખની હેલી પ્રસરી હતી મેઘરાજાએ મન મુકીને વરસવાનું ચાલુ કરતા ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

3 કલાકમાં 5.5 ઇંચ ખાબક્યો
ગડુ પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગઈકાલે વહેલી સવારે 6 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારેથી અતીભારે પડેલા વરસાદના લીધે માત્ર 3 કલાકમાં જ 5.5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સારા પ્રમાણમાં વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. દરમ્યાન આ વિસ્તારની જીવાદોરી સમાન ગણાતી મેઘલ નદીમાં હજુ નવા નીર આવ્યા ન હોવાથી ખેડૂતોમાં વધારે વરસાદની આશા જાગી છે.

બુધ અને ગુરૂ બે દિવસ ભારે વરસાદની આગાહી, સિઝનનો કુલ વરસાદ 13.39 ટકા નોંધાયો
જૂનાગઢ શહેરમાં આજે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે 12 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રસ્તા પર પાણી દોડવા લાગ્યા હતા. સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. દરમિયાન હજુ બુધ અને ગુરૂ એમ 2 દિવસ સુધી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જૂનાગઢ શહેરમાં આજે વ્હેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું રહેવા સાથે વરસાદ પડવાનું શરૂ થયું હતું.​​​​​​​ દિવસભર આકાશ કાળા ભમ્મર વાદળોથી છવાયેલું રહ્યું હતું.

દરમિયાન સવારના 6 થી 8માં 1 એમએમ, 10 થી 12માં 1 એમએમ, 12 થી 2માં 4 એમએમ અને સાંજના 6 થી 8માં 19 એમએમ મળી કુલ 25 એમએમ વરસાદ પડ્યો હતો. આમ, કુલ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. દરમિયાન સિઝનનો કુલ વરસાદ 5 ઇંચ થયો છે જેની ટકાવારી 13.39 ટકા છે. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, હજુ બુધ અને ગુરૂવાર એમ સતત 2 દિવસ સુધી ભારે વરસાદ પડશે.

અન્ય સમાચારો પણ છે...