વિવાદ મુદે બેઠક:સોમનાથ-કોડીનાર પ્રસ્તાવિત રેલ લાઈનનો સર્વે કરવા દેવા રેલવે અધિકારીઓની માગ, ખેડૂતોએ 'જાન દેંગે જમીન નહીં દેંગે'નું સૂત્ર દોહરાવ્યું

વેરાવળ21 દિવસ પહેલા
  • જિલ્લા કલેકટરની હાજરીમાં રેલવે અધિકારીઓ અને ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ
  • ચાર ઉઘોગો માટે નવી રેલલાઇન નાખવા સામે ખેડૂતોએ છેક સુઘી લડી લેવા મકકમતા દર્શાવી

સોમનાથ-કોડીનાર વચ્‍ચે ખાસ બ્રોડગેજ લાઇન નાખવાના કોમર્શિયલ રેલ પ્રોજેકટ સામે ખેડૂતો જોરદાર વિરોઘ કરી રહ્યા છે. ત્‍યારે આ વિવાદનો ઉકેલ લાવવા માટે આજે જીલ્‍લા કલેકટરની ખેડૂતોના પ્રતિનિઘિ મંડળ અને રેલ અઘિકારીઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં રેલ વિભાગ દ્રારા પ્રોજેકટ અંગે સર્વે કરવા દેવા માંગ કરાયેલ જેની સામે ખેડૂતોના પ્રતિનિઘિ મંડળએ ખેડૂતોએ 'જાન દેગે પર જમીન નહીં દેગે'ના સૂત્ર સાથે વિરોઘ દર્શાવી હયાત સોમનાથ વાયા પ્રાંચી-કોડીનાર મીટર ગેજ લાઇનનું બ્રોડગેજમાં કન્‍વર્ઝન કરવા સુચન સાથે રજૂઆત કરી હતી. આ મામલે બંન્‍ને પક્ષોને સાંભળી જરૂરી સુચનો આપી સુખદ ઉકેલ લાવવા માટે સકારાત્‍મક કાર્યવાહી કરવાની કલેકટર દ્રારા ખાત્રી આપી હતી.

વેરાવળ - કોડીનાર વચ્‍ચે નવી બ્રોડગેજ રેલ લાઈન નાંખવાના પ્રોજેકટના મામલે આજે વેરાવળ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં રેલવે અધિકારીઓ અને ખેડૂત આગેવાનોના પ્રતિનિઘિ મંડળની બેઠક મળી હતી. જેમાં રેલવે વિભાગના અઘિકારી દ્વારા પ્રસ્‍તાવિત રેલવે લાઈન માટે સર્વે કરવા દેવા માંગણી કરી હતી. જેને લઇ બેઠકમાં જ ખેડૂતો દ્વારા રેલવેની માંગણી સામે વિરોધ દર્શાવ્‍યો હતો. બાદમાં બંન્‍ને પક્ષોએ રજૂઆતો કરી હતી. જે સાંભળ્‍યા બાદ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે આજની બેઠક બંન્‍ને પક્ષોની વાત સાંભળવાની સાથે ખેડૂતોની વાત જાણવા માટે બોલાવી હતી. જેમાં બંન્‍ને પક્ષોએ રજૂઆતો કરેલ હોવાથી આ મામલે સુખદ ઉકેલ લાવવા માટે સકારાત્‍મક કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

જયારે આ મામલે ખેડૂતો એકતા મંચના રમેશ બારડ અને કાળાભાઇ સોલંકીએ જણાવેલ કે, સોમનાથ-કોડીનાર વચ્‍ચે નવી કોમર્શિયલ રેલવે લાઈનનો પ્રોજેકટ ગીર સોમનાથ જિલ્લાના ચાર ઉધોગો માટે જ સરકાર દ્રારા નકકી કર્યો છે. નવી રેલવે લાઈન નાખવાથી વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર ત્રણ તાલુકાના 19 ગામો પ્રભાવિત થશે. આ ગામોના 1200 ખેડૂતોની 2500 વીઘા જેટલી ફળદ્રુપ જમીન સંપાદિત થશે. જેના લીઘે 450 ખેડૂતો તો ખેડૂત ખાતેદાર તરીકે મટી જશે જયારે અનેક ખેડૂતો જમીન વિહોણા પણ બની જશે. જેથી સોમનાથ- કોડીનાર વચ્‍ચે નવી રેલવે લાઈન નાંખવાના બદલે હયાત વેરાવળથી વાયા તાલાલા-પ્રાંચી-કોડીનાર મીટર ગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું રેલ વિભાગ અને સરકારને સુચન કર્યુ છે. અમો આ રેલ લાઇનનનો ખેડૂતો જાન દેગે પર જમીન નહીં દેગે ના સુત્ર સાથે મકકમતાથી વિરઘ કરી રહયા છે અને ભવિષ્‍યમાં પણ કરતા રહેશું તેવી મકકમતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...